News of Wednesday, 16th April 2025
નાગાલેન્ડના લાયસન્સ ઉપર પિસ્ટલ ખરીદનાર રાજકોટના પ્રવિણ છૈયાની ધરપકડ
ર૦૧૯માં હરીયાણાના અંગરાજ નામના શખ્સની મધ્યસ્થીથી પિસ્ટલ ખરીદ્યાનું ખુલ્યું : ક્રાઇમ બ્રાન્ચના ચેતનસિંહ ગોહીલ, દિપક ડાંગર અને ઉમેશ ચાવડાની બાતમીના આધારે કાર્યવાહી

રાજકોટ, તા., ૧૬ : દિમાપુર (નાગાલેન્ડ) રાજયમાં રહેતો હોવાના બોગસ પુરાવા ઉપર ર૦૧૯ ની સાલમાં હથીયાર લાયસન્સ મેળવી પિસ્ટલ, કાર્ટીસ ખરીદનાર રાજકોટના કારખાનેદાર પ્રવિણ પ્રતાપભાઇ છૈયા (આહીર) (ઉ.વ.૪૧, રહે. હસનવાડી મેઇન રોડ, ૮૦ ફુટનો રોડ)ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે. ર૦રર ની સાલમાં લાયસન્સની અવધી પુરી થયા બાદ લાયસન્સ રીન્યુ નહિ થયાનું બહાર આવ્યું છે.
ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ ચેતનસિંહ ગોહીલ, હેડ કોન્સ્ટેબલ દીપકભાઇ ડાંગર અને ઉમેશભાઇ ચાવડાને એવી બાતમી મળી હતી કે આજી વસાહતમાં દ્વારકાધીશ ઇન્ડસ્ટ્રી નામનુ જોબવર્કનું કારખાનું ધરાવતા અને હસનવાડીમાં રહેતા પ્રવિણ છૈયા પાસે ગેરકાયદે હથીયાર છે. આ બાતમીના આધારે પ્રવિણ છૈયાની અટકાયત કરી પુછપરછ કરતા ઉપરોકત વિગતો બહાર આવી હતી. અમરનાથ યાત્રા વખતે લંગરની સેવા કરતા પોતાના મિત્ર પ્રવિણ પટેલ સાથે પ્રવિણ છૈયા ગયો હતો ત્યારે હરીયાણાના પાણીપતના રહેવાસી અંગરાજ સાથે ઓળખાણ થઇ હતી. તેણે નાગાલેન્ડ રાજયનું હથીયાર લાયસન્સ અપાવી દેવાની વાત કરી હતી. બાદમાં તે રાજકોટ આવ્યો હતો અને પ્રવિણ છૈયાને નાણાકીય લેતી-દેતી કરી લાયસન્સ અપાવ્યું હતું. તાજેતરમાં નાગાલેન્ડ રાજયમાંથી ત્યાંના રહેવાસી હોવાના ખોટા પુરાવા ઉભા કરી ગુજરાતમાંથી સેંકડો લોકોએ હથીયાર લાયસન્સ મેળવી લીધાનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે રાજકોટમાંથી આ પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે. પીઆઇ એમ.આર. ગોંડલીયા અને પીઆઇ એમ.એલ. ડામોર દ્વારા ઝડપાયેલા પ્રવિણ છૈયાની વધુ પુછપરછ થઇ રહી છે. (૪.૨૬)
(2:48 PM IST)










