<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

વિધવા પુત્રવધૂ સાથે ડોકટર સસરાએ સુઇ જઇ બિભત્સ અડપલા કર્યાઃ સાસુને કહેતાં તેણે કહ્યું-એના શરીરમાં તારો પતિ આવે છે!

શહેરના પોશ વિસ્તારમાં રહેતાં પરિવારમાં બનેલી ઘટનાથી ચકચારઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો : તું કોઇને વાત કરીશ તો તારો ઘર ખર્ચ બંધ કરી દઇશુંઃ ધમકીને લીધે મહિલાએ કોઇને વાત ન કરીઃ ફરી વખત સસરાએ ઘરે આવી રાતે બળજબરીનો પ્રયાસ કર્યોઃ વિધવાએ ધક્કો દઇ દૂર ખસેડી બીજા રૃમમાંથી બહેન-બનેવીને જગાડી બદનામીના ડરે સાચી વાત ન કરી પણ ઉંઘ નથી આવતી આપણે બધા જાગીએ કહી સવાર સુધી જાગીઃ અંતે માવતરને જાણ કરતાં એફઆઇઆર નોંધાવાઇ : ડોકટર સસરા ધમકી આપતાં કે-મારી પહોંચ ઉંચી છે, તું કંઇ કરી શકીશ નહિ, ઉલ્ટાની અમે તને બદનામ કરી દઇશું : પહેલી વખત ચિત્રકુટ ફરવા ગયા ત્યારે એક જ રૃમમાં બધા સુતા હોઇ ત્યારે સસરાએ વિકૃત હરકતો કરીઃ બીજી વખત રાજકોટમાં બળજબરીનો પ્રયાસ કર્યો હોવાના ચોંકાવનારા આરોપ : સસરાએ એક દિવસે પુત્રવધૂના ઘરે જઇ કહ્યું-હવે હું અહિ જ રહેવાનો છું, તારી સાસુ સાથે બનતું નથીઃ પુત્રવધૂએ સાસુને ફોન કરતાં કહ્યું-મારે તેની સાથે કંઇ લેવા દેવા નહિ, તેનું બીજી સાથે અફેર ચાલે છે!

રાજકોટ તા. ૧૭ઃ શહેરમાં એક વિધવા મહિલા છ વર્ષના પુત્ર, ડોકટર સસરા તથા સાસુ સાથે ફરવા ગયા ત્યારે એક જ રૃમમાં બધા સુતા હોઇ રાત્રીના સમયે સસરાએ તેણીની સાથે સુઇ જઇ શરીરે અડપલા કરી લેતાં તેણી ગભરાઇ જતાં સાસુને જગાડવા પ્રયાસ કરતાં સસરાએ તેણીને ધમકી આપી હતી.  બાદમાં તેણીએ સવારે સાસુને વાત કરતાં સાસુએ આ વાત મને તારા સસરાને કરી દીધી છે, તેના શરીરમાં તારો પતિ આવતાં આવુ કર્યુ છે! તું કોઇને કહેતી નહિ નહિતર તને ઘર ચલાવવા પૈસા નહિ આપીએ તેમ કહી ચુપ કરાવી દીધી હતી. બીજી તરફ ફરી વખત સસરાએ વિધવા પુત્રવધૂના ઘરે જઇ મારે તારી સાસુ બનતું નથી, હવે હું અહિ જ રહીશ તેમ કહી ત્યાં રોકાઇ જઇ રાતે ફરીથી દરવાજો ખખડાવતાં તેણીએ રૃમ ખોલતાં જ મને નિંદર નથી આવતી કહી હાથ પકડી ફરીથી બળજબરીનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ છે.

આ બનાવ બારામાં યુનિવર્સિટી પોલીસે વિધવા પુત્રવધૂની ફરિયાદ પરથી ડોકટર સસરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.  પોલીસે આડત્રીસ વર્ષિય વિધવાની ફરિયાદ પરથી તેના તબિબ સસરા વિરૃધ્ધ જાતીય સતામણી કરી શરીરે અડપલા કરી આબરૃ લૂંટવાનો પ્રયાસ કર્યાનો અને ધમકીનો ગુનો નોંધ્યો છે. ભોગ બનનાર મહિલાએ જણાવ્યું છે મારે સગીર વયનો  દિકરો છે. મારા પતિનું અવસાન થઇ ગયું છે. હાલમાં હું અને મારો દિકરો એકલા રહીએ છીએ. મારા સસરા, સાસુ રાજકોટમાં રહે છે અને સસરા ડોકટર છે તેમજ રાજકોટમાં જ એક મેડિકલ સ્ટોરની દેખરેખ રાખે છે. મારા સાસુ અને જેઠ પણ ડોકટર છે. ગત ૧૯/૫/૨૪ના રોજ હું અને મારો દિકરો તથા મારા સાસુ સસરા બહારગામ ચિત્રકુટ ફરવા ગયેલા હોઇ ત્યાં એક જ રૃમ રાખ્યો હતો. રાત્રે થાકીને હું અને મારો દિકરો સુઇ ગયા હતાં. દરમિયાન મારી જાણ બહાર  મારા સાસુની જગ્યાએ મારા સસરા મારી બાજુમાં આવી સુઇ ગયા હતાં.

મારા સાસુને ઉંઘનો પ્રોબ્લેમ હોઇ તે દવા લઇને નીચે ગાદલામાં અલગ સુઇ ગયા હતાં. હું ઉંઘમાં હતી ત્યારે સસરાએ મારા ગાલ, પેટ અને  પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવાનુ ચાલુ કરતાં હું અચાનક ડરીને જાગી ગઇ હતી. મેં સસરાને તમે આ શું કરો છો? તેમ કહી મારા સાસુને જગાડવા જતાં સસરાએ તું તેને જગાડીશ નહિ, બાકી જોયા જેવી થશે તેમ કહેતાં હું ડરી ગઇ હતી. આ પછી આખી રાત હું એક ખુણામાં બેસી રહી હતી. સવારે મેં સાસને વાત કરતાં સાસુએ મને કહેલું કે આ વાત તારા સસરાએ મને કરી છે પણ તેણે કંઇ કર્યુ નથી. તેના શરીરમાં તારો ગુજરી ગયેલો પતિ આવેલ જેથી તેમને કંઇ કરેલ નથી. તું કોઇને કહેતી નહિ, નહિતર તને ઘર ચલાવવા પૈસા નહિ આપીએ. આવુ મારા સાસુએ કહેતાં મેં કોઇને વાત કરી નહોતી.

ત્યાર પછી ગત ૨૪/૩/૨૫ના બપોરે મારા ઘરે મારા બહેન-બનેવી આવ્યા હોઇ ત્યારે મારા સસરા પણ આવ્યા હતાં. સસરાએ મને કહેલું કે હવેથી હું અહિ જ રહીશ, મારે તારી સાસુ સાથે બનતું નથી. તુ જા અને મારા કપડા તેમજ સામાન લઇ આવ, મારે અહિ જ રહેવું છે.

જેથી મેં તેમને કહેલુ કે ઘરે મહેમાન આવ્યા હોઇ આવુ સારુ ન લાગે, શાંતિથી વાત કરીએ, મારા સાસુ પણ ભલે અહિ રહેવા આવી જાય. તેમ કહી મેં મારા સાસુને ફોન કરતાં તેણે કહેલું કે-મારે તેની સાથે કંઇ લેવા દેવા નથી, તેનું કોઇ બીજી સાથે અફેર ચાલે છે. ત્યારબાદ મારા સસરા અમારા ઘરે રોકાયેલ અને સાંજના સમયે જમીને મારા બહેન, બનેવી એક રૃમમાં સુઇ ગયા હતાં. હું અને મારો દિકરો બીજા રૃમમાં સુતા હતાં. ત્યારે મારા સસરા હોલમાં સુતા હતાં.

રાતે સાડા ત્રણેક વાગ્યે મારા સસરાએ મારા રૃમનો દરવાજો ખખડાવતાં મેં દરવાજો ખોલતાં જ તે રૃમમાં આવી ગયેલ અને કહેલુ કે જગ્યા બદલાતાં મને ઉંઘ આવતી નથી, હું અહિ રૃમમાં જ સુઇ જાઉ છું તેમ કહી મારો હાથ પકડી મારા પ્રાઇવેટ પાર્ટને અડવાની કોશિષ કરતાં તેમજ મારી સાથે જબરદસ્તી કરવા લાગતાં મેં ધક્કો મારી દૂર કરી દઇ બાજુના રૃમમાં સુતેલા મારા બહેન-બનેવીને જગાડ્યા હતાં. પરંતુ બદનામીના ડરથી તેમને સાચી વાત કરી નહોતી, પણ એમ કહી દીધું હતું કે મને ઉંઘ આવતી નથી જેથી આપણે બધા જાગીએ. આ પછી અમે બધા સવાર સુધી જાગ્યા હતાં. બીજા દિવસે સાંજે મેં મારા બહેન બનેવી તથા મારા માતા-પિતાને બધી વાત કરી હતી.

મારા સસરા મને ડરાવતાં કે હું ડોકટર છું અને મારી પહોંચ ઉંચી છે, તું અમારું કશુ કરી શકીશ નહિ, અમે તને સામે બદનામ કરી દઇશું તેમ કહી ધમકાવતાં પણ હતાં. અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભોગ બનનાર વિધવા મહિલાએ જણાવતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. કારેથાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. આ બનાવે શહેરમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. (૧૪.૭)

(3:22 PM IST)