<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

ટોળાએ બૂમો પાડી-આ પોલીસવાળાએ જ ડ્રાઇવરને બચાવ્યો છે, આને મારો મારો...હેડકોન્સ્ટેબલ જીવ બચાવીને ભાગ્યાઃ ત્રણની ધરપકડ

ઇન્દિરા સર્કલે ૪ નિર્દોષનો ભોગ લેવાયાની ઘટનામાં ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસમાં બે ગુના દાખલ : ગાંધીગ્રામ પોલીસે બસ ચાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યોઃ યુનિવર્સિટી પોલીસે ટ્રાફિક હેડકોન્સ. અજયભાઇ ડાભીની ફરિયાદ પરથી ૧૫થી ૨૦ના ટોળા સામે બસમાં તોડફોડ, ચાલકને મારકુટ, પોતાની ફરજમાં રૃકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો : ચાર લોકોના મોત માટે નિમીત બનેલા સીટી બસના ચાલક રતનપરના શીશુપાલસિંહની હોસ્પિટલમાંથી રજા અપાયા પછી ધરપકડ થશે : તેની પાસેના ડ્રાઇવીંગ લાયસન્સની વેલીડીટી પણ પુરી થઇ ગઇ હતીઃ આગળ વાહનો ધીમે ચાલે છે જેથી બસ ધીમે ચલાવવી જોઇએ તેવુ જાણવા છતાં બસ બેફામ સ્પીડથી ભગાવી ઠોકરે ચડેલા વાહનોને ૫૦ મીટર સુધી ઢસડતાં ચારના મોત થયા, પાંચને ઇજા થઇઃ ભયંકર બેદરકારી દાખવી હોવાનો આરોપ : ટોળામાંથી ૩ પકડાયા તેમાં એક ઝોમેટોનો, એક બ્લીંકીટનો ડિલીવરીબોયઃ એક વેપારી વૃધ્ધ પણ સામેલઃ મૃતકો કે ઘાયલો સાથે કોઇને પરિચય નથી

રાજકોટ તા. ૧૭ : ઇન્દિરા સર્કલના ટ્રાફિક સિગ્નલ પર ગઇકાલે સવારે સીટી બસ કાળ બનીને ત્રાટકતાં ચાર લોકોના મોત થયા હતાં. આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બસના ડ્રાઇવર રતનપરના શીશુપાલસિંહ દીગુભા રાણા સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ટોળાના મારને કારણે તે ઘાયલ હોઇ હોસ્પિટલમાંથી રજા અપાયે તેની ધરપકડ થશે. તપાસમાં એ પણ ખુલ્યું છે કે બસમાં ફ્રેક ફેઇલ નહોતી થઇ. ડ્રાઇવર શીશુપાલસિંહના ડ્રાઇવીંગ લાયસન્સની વેલીડીટી પુરી થઇ ગઇ હોવા છતાં તેણે બસ હંકારી હતી અને સિગ્નલ ખુલ્યું ત્યારે બીજા વાહનો હજુ સ્પીડમાં ન હોઇ છતાં બેફામ ઝડપે બસ હંકારી ચાર લોકોના મોત નીપજાવી તેમજ બીજા લોકોને ઇજા પહોંચાડી બેદરકારી દાખવ્યાનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ  બનાવને પગલે રોષે  ભરાઇને ટોળાએ બસમાં તોડફોડ કરી બસના ડ્રાઇવરને બેફામ માર માર્યો હતો. આ વખતે ડ્રાઇવરને છોડાવવા વચ્ચે પડેલા ટ્રાફિક પોલીસ કર્મચારીને પણ ફરજમાં રૃકાવટ કરી મારકુટ કરી હોઇ ટોળા સામે અલગથી ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો છે.  આ ગુનામાં ત્રણને પકડી લેવાયા છે.

ટોળાએ 'આ પોલીસવાળા ભાઇએ જ ડ્રાઇવરને બચાવ્યો છે, આને મારો મારો' કહી બૂમો પાડતાં ટોળાએ તેમને પણ માર મારતાં તેઓ જીવ બચાવી ભાગતાં  ટોળુ પાછળ દોડ્યું હતું. ગાંધીગ્રામ પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનારા ચાર લોકો પૈકી રાજુભાઇ મનુભાઇ ગીડાના પિત્રાઇ ભાઇ મુળ ચોટીલા ડાકવડલાના હાલ સત્યમ્ પાર્કમાં રહેતાં  રવિરાજભાઇ રાણાભાઇ ગીડાની ફરિયાદ પરથી બસ ચાલક શીશુપાલસિંહ રાણા વિરૃધ્ધ બીએનએસની કલમ ૧૦૫, ૧૨૫  (એ), ૨૮૧, ૩૨૪ (૫), એમવી એકટની કલમ ૧૭૭, ૧૮૧, ૧૮૪ મુજબ ઇલેકટ્રીક બસ જીજે૦૩બીઝેડ-૦૪૬૬ ડ્રાઇવીંગ લાયસન્સની વેલીડીટી પુરી થઇ ગઇ હોવા છતાં બસનું ડ્રાઇવીંગ કરી ટ્રાફિક સિગ્નલ પર વાહનોનું પ્રમાણ વધુ હોઇ સિગ્નલ ખુલ્યું ત્યારે વાહનોની ગતિ ધમી હોઇ પોતાને પણ બસ ધીમી હંકારવી જોઇએ તેવુ જાણવા છતાં સિગ્નલ ખુલતાની સાથે બસ ભગાવી મુકી આગળ જતાં વાહનોને ઠોકરે ચડાવી બ્રેક ન મારી પચાસ મીટર સુધી વાહનોને ઢસડી ફરિયાદી રવિરાજભાઇના ભાઇ રાજુભાઇ ગીડા તેમજ કિરણબેન કક્કડ, સંગીતાબેન ચોૈધરી અને ચિન્મયભાઇ ઉર્ફ લાલાભાઇ ભટ્ટનું મોત નિપજાવી તેમજ વાહનોમાં દોઢેક લાખનું નુકસાન પહોંચાડી સુરજ રાવલ, સાનીયાબેન રાજગોર, હસમુખભાઇ આડેસરાના દિકરા, વિરાજબેન ખાચર, વિશાલ મકવાણા સહિતને ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો.

શીશુપાલસિંહ રાણાને ટોળાએ બેફામ મારકુટ કરી હોઇ તે સારવાર હેઠળ છે. આજે સવારે થોડા ભાનમાં આવેલા બસ ચાલક શીશુપાલસિંહે 'મારાથી બ્રેક લાગી જ નહિ' એવું રટણ કર્યુ હતુ. તેને હોસ્પિટલમાંથી રજા અપાયે ગાંધીગ્રામ પોલીસ ધરપકડ કરશે.

બીજી તરફ બસ સાતેક વાહનોને ઠોકરે ચડાવી આગળ જઇ અલ્ટો કાર પાછળ અથડાઇને ઉભી રહી ગયા પછી ટોળાએ બસના ચાલક શીશુપાલસિંહને બસમાંથી બહાર ઉતારી બેફામ મારકુટ કરી હતી. આ વખતે તેને બચાવવા વચ્ચે પડેલા ટ્રાફિક પોલીસ સાથે પણ ટોળાએ ઝપાઝપી કરી હુમલો કરી ડ્રાઇવરને અમને કેમ ન સોંપ્યો, એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો? કહી 'મારો મારો'ના પડકારા કરી ફરજમાંરૃકાવટ કરી સરકારી મિલ્કતને નુકસાન કર્યુ હોઇ  ૧૫ થી ૨૦ લોકોના ટોળા સામે યુનિવર્સિટી પોલીસે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં પોલીસ હેડકવાર્ટરમાં રહેતાં અજયભાઇ ખીમાભાઇ ડાભી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ તમામની શોધખોળ સીસીટીવી ફૂટેજને આધારે હાથ ધરાઇ છે.

ટ્રાફિક શાખાના હેડકોન્સ. અજયભાઇ ડાભીએ જણાવ્યું હતું કે હું બે દિવસથી જ ટ્રાફિક શાખાના સેકટર-૪માં ફરજ બજાવુ છું. અમારા ઇન્ચાર્જ પીઆઇ વસાવા છે.  બુધવારે ૧૬મીએ મારી ફરજ સવારના સાતથી બપોરના ત્રણ સુધી ૧૫૦ રીંગ રોડ પર ઇન્દિરા સર્કલ ખાતે હતી. સવારે દસેક વાગ્યે હું સિગ્નલ ખાતે સાઇડમાં ઉભો હતો. કોટેચા ચોકથી આકાશવાણી ચોક તરફ જવાનું સિગ્નલ ખુલતાં સીટી બસ જીજે૦૩બીઝેડ-૦૪૬૬ કોટેચા ચોક તરફથી પુરઝડપે આવી હતી અને રાહદારીઓ, ટુવ્હીલર ચાલકોને એડફેટે લઇ તેની ઉપર બસ ચાલવી દીધી હતી. આ બનાવને પગલે લોકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું.  મેં તુરત જ ૧૦૦ નંબરમાં બનાવની જાણ કરી હતી. તેમજ કોઇ રાહદારીએ ૧૦૮ને કોલ કરી દીધો હતો.

આ વખતે લોકોનું ટોળુ બેકાબુ બનતાં મારી પ્રથમ ફરજ હતી કે ટોળાને વિખેરવું. આ દરમિયાન ૧૫થી ૨૦ના ટોળાએ બસ ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાંખ્યા હતાં. બસનો દરવાજો ખોલી ડ્રાઇવરને સીટ પરથી ખેંચી નીચે ઉતારી માર મારવા લાગ્યા હતાં. જેથી મેં ટોળાની વચ્ચે પડી તેને વિખેરાઇ જવા સુચના આપી હતી. છતાં ટોળાએ ડ્રાઇવરને માર મારવાનું ચાલુ રાખતાં મેં બળ વાપરી ડ્રાઇવરને વધુ મારથી બચાવેલ, તેને ઇજા થઇ હોઇ ૧૦૮ આવી જતાં તેમાં તેને સારવાર માટે રવાના કરેલ. બીજી ૧૦૮ આવતાં અમે ટોળાને હટી જવા કહેતાં ટોળુ મારી સામે ઉશ્કેરાઇ ગયેલ. જેમાંથી કેટલાકે મારી સાથે ઝપાઝપી કરી ગાળો દીધી હતી અને-તમે ડ્રાઇવરને કેમ અમને ન સોંપ્યો, એમ્બ્યુલન્સમાં કેમ મોકલી દીધો? તેમજ કેટલા માણસોએ હલ્લો બોલાવી આ પોલીસવાળા ભાઇએ જ ડ્રાઇવરને બચાવ્યો છે, પોલીસવાળાને જ મારો મારો...તેવી બૂમો પાડી લોકો મારા સાથે મારામારી કરવા માંડ્યા હતાં.

ટોળુ બેફામ બની જતાં અને સ્થિતિ કાબુ બહાર થઇ જતાં આ લોકો મને વધુ માર મારશે તેવા સંજોગો જણાતાં હું ત્યાંથી બીચને બીઆરટીએસ રૃટ પર ભાગી ગયેલ, ત્યારે પણ કેટલાક લોકો મારી પાછળ દોડ્યા હતાં. જેથી હું આગળ કેકેવી પોઇન્ટ પર પહોંચી ગયો હતો અને ફરજ પરના કર્મચારીઓને જાણ કરી હતી. પછી વધુ પોલીસ ફોર્સ બોલાવાઇ હતી. તેમજ અમારા ઉપરી અધીકારને જાણ કરી હતી.  તેમ વધુમાં હેડકોન્સ. અજયભાઇ ડાભીએ કહેતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. ઝાલાએ ગુનો દાખલ કર્યો હતો. સીસીટીવી ફૂટેજ, વાયરલ વિડીયોને આધારે આ ટોળામાં સામેલ શખ્સોને શોધવા તજવીજ થઇ હતી. જે પૈકી મનિષ ઉર્ફ માન કાળુભાઇ સભાડ (ઉ.વ.૧૯-રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર, જશોદા ચોક), કરણ કિશોરભાઇ વિશ્વકર્મા (ઉ.વ.૨૪-રહે. ઇન્દિરા સર્કલ અજંતા કોમ્પલેક્ષ નીચે ઓરડીમાં) તથા મહેશભાઇ પ્રાણલાલ શાહ (ઉ.વ.૬૩-રહે. બાલમુકુંદ સોસાયટી-૨ નિર્મલા રોડ)ની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલાઓમાં મનિષ બ્લીંકીટનો ડિલીવરી બોય અને કરણ ઝોમેટોનો ડિલીવરી  બોય છે. જ્યારે વૃધ્ધ મહેશભાઇ વેપારી છે. મૃતકો કે અકસ્માતમાં ઘાયલ થયેલાઓના આ ત્રણમાંથી કોઇ પરિચીત કે સગા નથી. પોલીસ શોધશે. જ્યારે ચાર લોકોના મોત માટે નિમીત બનેલા બસ ચાલકને હોસ્પિટલમાંથી રજા અપાયે તેની ધરપકડ થશે. (૧૪.૬)

(3:33 PM IST)