<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ટ્રસ્‍ટની રિક્ષામાંથી વિતરણ કરવામાં આવેલી મસાલા છાસ પીધા બાદ ૩૦ને ઝાડા-ઉલ્‍ટી

રામનાથપરાના ભવાનીનગર, કુબલીયાપરાના રહેવાસીઓમાં દોડધામ મચી ગઇ : સાંજે પાંચ વાગ્‍યે છાસ પીધા બાદ રાતે નવેક વાગ્‍યે બધાની તબિયત બગડીઃ એક બાળકને આઇસીયુમાં રાખવો પડયોઃ અમુકે ઘરમેળે સારવાર લીધીઃ પાંચ બાળકો, બે યુવતિ અને એક મહિલા ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ

છાસ પીધા બાદ બાળકો, મોટેરાઓને ઝાડા-ઉલ્‍ટી થઇ જતાં સારવાર માટે ગુંદાવાડી હોસ્‍પિટલમાં ખસેડાતાં સગા સંબંધીઓના ટોળા ઉમટી પડયા હતાં. જે તસ્‍વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: શહેરના રામનાથપરા પાસેના ભવાનીનગર વિસ્‍તારમાં સાંજે પાંચેક એક ટ્રસ્‍ટની રિક્ષા વિસ્‍તારમાં આવી હતી અને મસાલાવાળી તથા સાદી છાસનું વિતરણ કરતાં વિસ્‍તારના રહેવાસીઓ, બાળકોએ ઠંડી છાસનું સેવન કર્યુ હતું. પરંતુ રાતે નવેક વાગ્‍યે મસાલા છાસ પીનારા બાળકો, મોટેરાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. ઉલ્‍ટી અને ઝાડા થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. પચ્‍ચીસથી ત્રીસ જેટલા લોકોને અસર થતાં સારવાર માટે ખસેડાયા હતાં. જેમાંથી પાંચ બાળકો, બે યુવતિ અને એક મહિલાને ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. જેમાં એક બાળકની હાલત વધુ ખરાબ હોઇ આઇસીયુમાં રખાયા હતાં. બાકીનાએ ઘરમેળે સારવાર લીધી હતી. અમુકને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઇ હતી. કુબલીયાપરામાં પણ બે ત્રણ લોકોને અસર થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ ભવાનીનગરમાં સાંજે પાંચેક વાગ્‍યે શહેરના એક ટ્રસ્‍ટની રિક્ષા મારફત યુવતિઓ ઠંડી મસાલા અને સાદી છાસનું વિનામુલ્‍યે વિતરણ કરવા પહોંચી હતી. આ છાસ વિસ્‍તારના રહેવાસીઓએ પીધી હતી. જો કે રાતે નવેક વાગ્‍યે કેટલાકની હાલત બગડી ગઇ હતી અને ઝાડા-ઉલ્‍ટી ચાલુ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. ભવાનીનગરના રાજવી રોહિતભાઇ પરમાર (ઉ.વ.૪), જય રમેશભાઇ બાંભણીયા (ઉ.વ.૮), રામનાથપરાની અંશુ નવનીતભાઇ રાવળ (ઉ.વ.૮), ભવાનીનગરના ઇશાન રાજુભાઇ ચાવડા (ઉ.વ.૧૨), ભવાનીનગરના જયરાજ હિતેષભાઇ જાડા (ઉ.વ.૧૦) તેમજ દિપાલી દિનેશભાઇ શિયાળ (ઉ.વ.૨૧), નમ્રતા ધરમશીભાઇ શિયાળ (ઉ.વ.૨૧) તેમજ રમાબેન ભુપતભાઇ શિયાળ (ઉ.વ.૪૨), હાર્દિક નરેન્‍દ્રભાઇ ભાટી (ઉ.વ.૬), હસુ નવીનભાઇ ચાવડા (ઉ.વ.૮), મુકેશભાઇ પ્રભુદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૩૮)ને ઝાડા-ઉલ્‍ટી થઇ જતાં ગુંદાવાડી સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં આ અંગે તબિબે પોલીસ કેસ જાહેર કરી એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવતાં હેડકોન્‍સ. રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી.

બાળકોના વાલીઓએ જણાવ્‍યું હતું કે સાંજે પાંચેક વાગ્‍યે ટ્રસ્‍ટની રિક્ષા લઇને અમુક બહેનો આવી હતી અને ઠંડી મસાલાવાળી તેમજ સાદી છાસનું ભવાનીનગરમાં વિતરણ કરતાં ઘણાએ આ છાસ પીધી હતી. જેમાં મસાલાવાળી છાસ પીનારાઓની હાલત રાતે બગડી ગઇ હતી અને ઉલ્‍ટીઓ ચાલુ થઇ જતાં સ્‍થાનીક દવાખાને દોડી ગયા હતાં. બાદમાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. કુબલીયાપરાના પણ બે ત્રણ લોકોને અસર થઇ હતી. કુલ મળીને પંદરેક લોકોને ફૂડ પોઇઝનીંગ થતાં દોડધામ મચી ગઇ હતી.

ગુંદાવાડી હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા પૈકીના જયરાજ હિતેષભાઇ જાડા (ઉ.વ.૧૦)ની હાલત વધુ ખરાબ હોઇ તેને રાતે આઇસીયુમાં દાખલ કરાયો હતો. સવારે તમામની હાલત ભયમુક્‍ત હોવાનું તબિબી સ્‍ટાફે જણાવ્‍યું હતું.

ઝનાના હોસ્‍પિટલમાં ખાસ વોર્ડ તૈયાર રખાયો હતોઃ પણ કોઇ દર્દી આવ્‍યું નહિ

ઞ્જફૂડ પોઇઝનીંગથી પચાસેક બાળકોને અસર થયાની વાતો વહેતી થતાં તબિબી અધિક્ષક ડો. મોનાલી માંકડીયાની સુચનાથી સિનીયર મિડીયા કો-ઓર્ર્ડિનેટર ડો. એમ. સી. ચાવડા, આરએમઓ ડો. દૂસરા અને તેમની ટીમે ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ખાસ વોર્ડ તૈયાર રાખ્‍યો હતો. તેમજ તબિબો, નર્સિંગ સ્‍ટાફ મોડી રાત સુધી ખડેપગે રહ્યા હતાં. જો કે અહિ કોઇ દર્દીને દાખલ કરવા પડયા નહોતાં.

(2:24 PM IST)