News of Friday, 18th April 2025
શહેરી વિકાસ વર્ષ ઉજવાશેઃ નગરો-મહાનગરોના વિકાસના નવા દ્વાર ખૂલશે
ગાંધીનગરમાં ટુંક સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં રાજયકક્ષાની ઉજવણીનો શુભારંભ સમારંભ ૧૪૯ નગરપાલિકાઓ અને ૧૭ મહાનગરપાલિકાઓ પાસેથી વિકાસની સંભવિત યોજનાઓની માહિતી મંગાવતી સરકારઃ માતબર રકમ ફાળવાશેઃ આખુ વર્ષ વિવિધ કાર્યક્રમો

રાજકોટ તા.૧૮: રાજય સરકારે ૨૦૨૫-૨૬ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નકકી કર્યુ છે. તેને અનુલક્ષીને વર્ષભરના કાર્યક્રમોનું આયોજન થઇ રહયું છે. ગાંધીનગરમાં આ અંગે સમયાંતરે બેઠકોનો દોર ચાલી રહયો છે. ટુંક સમયમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં શહેરી વિકાસ વર્ષની વિધિવત ઉજવણીનો શુભારંભ સમારોહ યોજાનાર છે.
રાજય સરકારે રાજયની ૧૪૯ નગરપાલિકાઓ અને ૮ જુની તથા નવી અસ્તિત્વમાં આવેલ ૯ મહાનગરપાલિકાઓ પાસેથી જે તે વિસ્તારમાં વિકાસની જરૂરિયાત અને સંભવિત યોજનાઓ અંગે માહિતી મંગાવી છે. સરકારી શહેરી વિકાસ વર્ષ નિમિતે નગરો-મહાનગરોમાં વિકાસ માટે માતબર રકમ ફાળવશે. નવા મ્યુનિસિપલ કોર્પોરેશનને વધુ મહત્વ અપાશે. જેમાં સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર વગેરેનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજયની શહેરી ક્ષેત્રની સંસ્થાઓમાં ઘટતા સ્ટાફની ભરતી કરવા સરકાર આગળ વધી રહી છે.
નવા નાણાકીય વર્ષમાં રસ્તા, પુલ, બગીચા, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા, ફરવાલાયક સ્થળો, આવાસ વગેરે ઉપરાંત શહેરની આગવી ઓળખ બની રહે તેવી યોજનાઓ માટે સરકાર નાણા ફાળવવા માંગે છે. ગુજરાતની ૩ કરોડથી વધુ વસ્તી શહેરી વિસ્તારમાં વસે છે. શહેરો આર્થિક વિકાસના એન્જિન ગણાય છે. ૯ મહિના પછી ગાંધીનગર- જુનાગઢ સિવાઇના મહાનગરોમાં ચુંટણી આવવાપાત્ર છે. સરકારે એકથી વધુ દ્રષ્ટિકોણ ધ્યાને રાખીને નવા નાણાકીય વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. અગાઉ ૨૦૦૫માં શહેરી વિકાસ વર્ષ ઉજવાયું હતું. આ વર્ષે ઉજવણીને અનુલક્ષીને ખાસ યોજનાઓ અને કાર્યક્રમો તેમજ જરૂર પડયે નીતિ- નિયમોમાં ફેરફાર થશે. શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શહેરોમાં વિકસના નવા દ્વાર ખૂલશે તેવી સરકારને આશા છે.
(11:51 AM IST)










