<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પંચાયતોની નવી કચેરીઓ બનાવવા માટે અનુદાનની રકમમાં વધારો

પંચાયત વ્‍યવસ્‍થાનું માળખુ વધુ મજબુત અને સુવિધાપુર્ણ બનશેઃ ભુપેન્‍દ્રભાઇને અભિનંદન આપતા ભૂપત બોદર

રાજકોટ, તા. ૧૮: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજ્‍યમાં સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થાઓ એવી ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવી સુવિધા યુક્‍ત કચેરીઓના નિર્માણ માટે મહત્‍વપૂર્ણ નિર્ણય કર્યો છે. ત્‍યારે રાજ્‍ય સરકારના આ નિર્ણયને આવકારતા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરએ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ને અભિનંદન આપતા જણાવેલ કે  ગ્રામ વિકાસ ક્ષેત્રે મહત્‍વપૂર્ણ આ નિર્ણયને કારણે ગ્રામીણ સ્‍તરથી લઈને જિલ્લા પંચાયત સ્‍તર સુધી વધુ સુવિધા સભર કચેરીઓનું નિર્માણ થતાં લોકોને પણ સરળતા થશે અને વધુ સુદ્રઢ સેવા માળખું મળતું થશે.

ભુપતભાઈ બોદરએ જણાવેલ કે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે વધુ એક ગ્રામ હિતલક્ષી નિર્ણય કરતા રાજ્‍યમાં ૧૦ હજાર કે તેથી વધુની વસ્‍તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયત ઘર નિર્માણ માટે અગાઉ અપાતી ૨૭ લાખ રૂપિયાની યુનિટ કોસ્‍ટના સ્‍થાને રૂ. ૪૦ લાખની મહત્તમ મર્યાદા નિયત કરી છે. ૫ થી ૧૦ હજાર સુધીની વસ્‍તી વાળા ગામોમાં આવા પંચાયત ઘરો બનાવવા માટેની મહત્તમ યુનિટ કોસ્‍ટ ૨૨ લાખના સ્‍થાને રૂ. ૩૪.૮૩ લાખ તેમજ ૫ હજારથી ઓછી વસ્‍તી ધરાવતા ગામો માટે નવીન પંચાયત ઘર નિર્માણ માટે વધુમાં વધુ રૂપિયા ૧૭ લાખની સહાયના સ્‍થાને રૂપિયા ૨૫ લાખની સહાય રાજ્‍ય સરકાર આપશે.મુખ્‍યમંત્રીશ્રીએ રાજ્‍યના તાલુકા પંચાયતોની કચેરીઓના બાંધકામ માટેની પ્રવર્તમાન અનુદાન સહાયમાં પણ વધારો કરીને રૂપિયા ૩ કરોડ ૧૦ લાખને બદલે પાંચ કરોડ રૂપિયા અથવા મકાન નિર્માણમાં થયેલ ખરેખર ખર્ચ એ બે માંથી જે ઓછું હોય તે રકમની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

સરકારે જિલ્લા પંચાયત કચેરીઓના મકાનના બાંધકામ માટેની યુનિટ કોસ્‍ટમાં પણ વધારો કર્યો છે. જિલ્લા પંચાયતને તેના નવીન મકાનના નિર્માણ માટે ૩૮ કરોડ રૂપિયાને બદલે બાવન કરોડ રૂપિયા અથવા ખરેખર થયેલ ખર્ચ એમાંથી જે ઓછું હોય તે પ્રમાણે યુનિટ કોસ્‍ટ અનુદાન રાજ્‍ય સરકાર આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ના નેતળત્‍વવાળી કેન્‍દ્ર સરકાર અને રાજ્‍યનો મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતળત્‍વ વાળી રાજ્‍ય સરકાર દ્વારા સમન્‍વિત ગ્રામીણ વિકાસના મહત્‍વને સમજીને, ગ્રામ્‍ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમશ્રી બોદર જણાવે છે.

(11:59 AM IST)