News of Friday, 18th April 2025
બેટી રામપરા પાસે ટેક્સીચાલક કિશન પર ટોળકીનો હુમલોઃ ફિલ્મી ઢબે મારામારી, કારમાં તોડફોડ :જુઓ વિડીયો
ઘટનાના વિડીયો વાયરલ થયાઃ ગેસ પુરાવવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી હુમલો કરાયોઃ એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ પહેલા સીએનજી પંપ પર ગેસ પુરાવવા વચ્ચે ગાડી નાખવા બાબતે માથાકૂટ થતાં મારામારીની સામ-સામી ફરિયાદ દાખલ થઇ હતી. આ પછી ફરિયાદ નોંધાવ્યાનો ખાર રાખી ટેક્સી ડ્રાઇવર અને તેના મિત્રો ઉપર પિતા-પુત્ર સહિત છ સાત શખ્સોએ ધોકા-પાઇપથી તૂટી પડી કારમાં તોડફોડ કરતાં વધુ એક ગુનો નોંધાયો છે. આ ઘટનાના વિડીયો વાયરલ થયા છે જેમાં હુમલાખોરો કેવા બેફામ બન્યા છે તે જોઇ શકાય છે.
મારામારી અને વાહનમાં તોડફોડની ઘટનાના સીસીટીવી ફૂટેજમાં કોઇ એક્શન ફિલ્મના દ્રશ્યો હોય તેવુ જોવા મળી રહ્યુંછે. આ બનાવમાં કિશન લાલદાસભાઈ દુધરેજીયા (ઉ.વ.૨૫)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેકસી ચલાવી પરીવારનું ગુજરાન ચલાવું છું. પાંચ દિવસ પહેલા હું મારી સ્વીફટ ડીઝાયર કાર લઇને કુવાડવા ગામ પાસે સીએનજી પંપ ખાતે ગેસ પુરાવવા માટે ગયો ત્યારે મયુર બોસરીયા ત્યા આવ્યો હતો અને મારી કાર આડી તેની કાર ઉભી રાખતા અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ હું ત્યાથી નીકળી ગયો હતો અને કુવાડવા જીજે.૦૩ હોટલ પાસે પહોંચ્યો ત્યારે આ મયુર તથા તેના પિતા રેવાભાઈ બોસરીયા ત્યા આવી અને મારી સાથે ઝગડો કરવા લાગ્યા હતા જે અંગે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પછી ખાર રાખી સોળમીએ બેટી રામપરા પાસે રાજદીપ રાજગોર, અજય, નયન અને જયેશ પલાણી અમે બધા અજયની સ્વીફટ ડીઝાયર કાર લઈ એરપોર્ટ ત્રણ રસ્તાથી રાજકોટ બાજુ જતા હતા. ત્યારે પાછળથી બે સ્વીફટ કાર કાળા કાચવાળી અમારી પાછળ આવી અને અમારી કારને સાઇડમાં દબાવવા લાગ્યા હતા. અજય ડ્રાઇવીંગ કરતો હતો તેને પોતાની કાર બેટી નદીનો પુલ ચડતા જલારામ હોટલ પાસે ઉભી રાખી તો પાછળ આવતી સ્વીફટ કારમાંથી મયુર બોસરીયા તથા રેવાભાઈ ધનાભાઇ બોસરીયા અને તેની સાથેના અજાણ્યા પાંચ-છ લોકો ધોકા સાથે નીચે ઉતરી જેમ ફાવે તેમ ગાળો બોલી મારા મિત્ર જયેશને મયુર તથા રેવાભાઈ તેમજ સાથે આવેલ અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો.
હું ત્યાથી ભાગવા જતા મને મયુરે પકડી લીધો હતો અને તેની પાસે છરી હોય જે છરી મને ડાબા હાથમાં મારી અને સાથેના બીજા અજાણ્યા શખ્સોએ મને ધોકા વડે હાથ પગમાં માર માર્યો હતો અને જતા જતા મયુર મને ધમકી આપવા લાગ્યો હતો કે હવે પછી જો અમારી વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ. જેથી મે ૧૦૦ નંબરમા ફોન કરેલ હતો અને મને હાથ પગમાં ઇજા થતા મે ૧૦૮મા પણ ફોન કરી દીધો હતો. ૧૦૮ આવી જતા પહેલા કુવાડવા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. આ હમુલામાં મને ડાબા પગમાં ઢીચણથી નીચેના ભાગે ફેકચર થયું છે અને ડાબા હાથમાં કોણી પાસે બે ટાકા આવેલા છે. જમણા હાથના પંજા પાસે મૂઢ મારની ઇજાઓ થયેલ છે. આ ઉપરાંત મારા મિત્ર જયેશ પલાણીને શરીરે મુંઢ ઇજાઓ થયેલ છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૧૪)
(4:26 PM IST)










