<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઇન્‍દીરા સર્કલ ઉપર સિગ્નલ સ્‍ટોપેજ સમય ૩ મીનીટ લાંબો હોવાથી કંટાળેલા વાહન ચાલકો લીલી લાઇટ થતાની સાથે જ રેસમાં ઉતરે છે!

ઇન્‍દીરા સર્કલ દુર્ઘટના : સિગ્નલો ઉપરના ટ્રાફીક સંદર્ભે સંશોધનના અભાવે સર્જાતા અકસ્‍માતો : વાહન ચાલકની સાથે ટ્રાફીક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ એટલા જ જવાબદાર : જાણકારોનું તારણ

રાજકોટ, તા., ૧૮ : રાજકોટના રસ્‍તાઓ ઉપર વધતા વાહનોના ભારણના કારણે વિકરાળ બનેલી ટ્રાફીક સમસ્‍યાને નિવારવા માટે લાંબા સમયથી પોલીસ અને મ્‍યુનિસીપલ તંત્ર દ્વારા ‘ઓન પેપર' થતા પ્રયાસો એળે જતા હોવાનું ચિત્ર ઉપસ્‍યું છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ માટે માથાના દુઃખાવારૂપ સમસ્‍યા એક માત્ર ટ્રાફીક અવ્‍યવસ્‍થાની છે. તેની પાછળના કારણો અનેક છે. તંત્ર સાથે વાહન ચાલકોની નિયમ ભંગ કરવાની વૃતિ પણ એટલી જ જવાબદાર છે ત્‍યારે બે દિવસ પહેલા સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતને લઇને આ મુદ્દો વધુ એક વખત ચર્ચામાં આવ્‍યો છે. ત્‍યારે આ સમસ્‍યાનું ઠોસ નિવારણ નિકળે તેવું સૌ ઇચ્‍છી રહયા છે.

 ભારતમાં માર્ગ અકસ્‍માતના કારણે દર ૪ મીનીટે એક મૃત્‍યુ થાય છે. અકસ્‍માત મળત્‍યુ આંકનો રેશિયો ધટાડવા માટે શહેરી વિસ્‍તારમાં વાહન અકસ્‍માત થતાં અટકાવવા માટે અને વાહનો સુગમતાથી ચાલતા રહે તે માટે ટ્રાફિક સિગ્નલો ની પણ વ્‍યવસ્‍થા હોય છે. પોલીસ અને કોર્પોરેશન ના અધિકારીઓ સિગ્નલ કઇ કઈ જગ્‍યાઓ એ મૂકવા તે નક્કી કરે છે. જે સિગ્નલ મ્‍યુનિસીપલ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવે છે અને તેની જાળવણી પણ કરવામાં આવે છે. હાલમાં ધણી જગ્‍યાઓ એ સિગ્નલ સાથે સી.સી.ટી.વી. કેમેરા પણ લગાડવામાં આવેલ છે જેનું સંચાલન પોલીસ દ્વારા કરવામાં આવે છે. જે કોઈ વાહન ચાલક નિયમો નો ભંગ કરે તો તેમને પોલીસ દ્વારા ઇ ચલણ પણ મોકલવામાં આવે છે.

રાજકોટમાં પરમ દિવસે સીટી બસ દ્વારા ઇન્‍દિરા સર્કલ પાસે ચાર નિર્દોષ વ્‍યક્‍તિઓના ભોગ લેવાયા જે બનાવ બનવા પાછળનું કારણ પોલીસ તપાસમાં જે નીકળે તે હોય શકે પરંતુ રાજકોટ શહેરમાં બનતા આવા બનાવ અંગેના કારણો જોવામાં આવે તો હાલની  ટ્રાફિક સિગ્નલની વ્‍યવસ્‍થા પણ એક છે.

શહેરમાં જુદી જુદી જગ્‍યાઓએ ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવેલ છે. પરતું આ ટ્રાફિક સિગ્નલ ના જે તે વિસ્‍તાર ના ટ્રાફિક ને અનુલક્ષી ને સ્‍ટોપેજ સમય કેટલો હોવો જોઈએ તે બાબતે કોઈ જ અધિકારીઓ દ્વારા દરકાર લેવામાં આવતી નથી.

ઇન્‍દિરા સર્કલ પાસે જે ત્રણ નિર્દોષ લોકોના જાન ગયા ત્‍યાં પણ ટ્રાફિક સિગ્નલ તો છે જ પરંતુ આ ટ્રાફિક સિગ્નલનો સ્‍ટોપજ સમય ૧૮૦ સેકન્‍ડ એટલે કે ત્રણ મીનીટનો છે. જે સ્‍ટોપેજ સમય જ્‍યારથી આ જગ્‍યાએ સિગ્નલ મૂકવામાં આવ્‍યા ત્‍યારથી છે. એટલે કે આ સિગ્નલ ઉપર ટ્રાફિક શાખાના કોઈ જ અધિકારી દ્વારા સમયાંતરે ટ્રાફિક અંગે કોઈ જ પ્રકારે સંશોધન કરવામાં આવ્‍યું નથી.

     આ વિસ્‍તાર માં ટ્રાફિક વધુ રહે છે. અને ૧૮૦ સેકન્‍ડ જેટલો લાંબો સમય સ્‍ટોપેજ હોવાના લીધે એક બાજુ ગ્રીન સિગ્નલ હોય તે દરમ્‍યાન અન્‍ય ત્રણ રસ્‍તાઓ ઉપર વાહનોની લાંબી કતાર થઈ જાય છે. અને જ્‍યારે બીજા રસ્‍તાઓ નો ટ્રાફિક ચાલુ થાય ત્‍યારે વાહન ચાલકો ૧૮૦ સેકન્‍ડ રોડ ઉપર ઊભા રહેવાથી કંટાળી ગયેલ હોય છે જેથી ઝડપથી ટ્રાફિક સિગ્નલ પસાર કરવાની માનસિકતા ધરાવતા હોય છે અને આ ઝડપ વધારાને કારણે અકસ્‍માત થવાનો પૂરે પૂરી સંભાવના રહે છે. જેથી પોલીસ અધિકારીઓ અને મ્‍યુ.કોર્પોરેશનના અધિકારીઓએ સમયાંતરે મીટિંગ કરી દરેક ટ્રાફિક સિગ્નલ ની પરિસ્‍થિતી અનુસાર સ્‍ટોપેજ સમય માં જરૂરી ફેરફાર કરવા જોઈએ.

     શહેરમાં જે જે જગ્‍યાઓએ ટ્રાફિક વ્‍યવસ્‍થા માટે ટ્રાફિક પોલીસ કે બ્રિગેડ મૂકવામાં આવેલ છે તેઓ ઉપર કોઈ જ ઉપરી અધિકારીઓનું ચેકિંગ હોતું નથી. રાજકોટમાં ટ્રાફિક શાખાના કોઈ જ અધિકારીઓ ચેકિંગમાં નીકળતા જોવામાં આવતા જ નથી. ફક્‍ત દંડ વસૂલાત જ કરતાં હોય છે. જેથી ફરજ ઉપરના પોલીસ કે બ્રિગેડ રસ્‍તાની એક બાજુ બેઠા બેઠા મોબાઈલમાં જ વ્‍યસ્‍ત રહેતા હોય છે. ગુનો કરે તેની પાસેથી દંડ વસૂલ કરવો જોઈએ પરંતુ ટ્રાફિક પોલીસની પ્રથમ જવાબદારી ટ્રાફિક વ્‍યવસ્‍થા સુધડ રીતે ચાલે અને સુરક્ષિત ચાલે તે જોવાની છે. નહીં કે બસ ચાલકો અગર ટ્રાન્‍સપોર્ટરો  પાસેથી હપ્તા ની ઉધરાણી કરવાની !

     ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓએ  યુ.એસ. ડિપાર્ટમેન્‍ટ ઓફ ટ્રાન્‍સપોર્ટેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ ટાઈમિંગ મેન્‍યુયલનો અભ્‍યાસ કરાવવો જોઈએ.

આમ આવા અકસ્‍માત બાબતમાં વાહન ચાલકની સાથે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ પણ પોતાની ફરજ યોગ્‍ય રીતે નહીં બજાવવાના કારણે જવાબદાર છે. (૪.૨૯)

(2:32 PM IST)