<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

કાલાવડ રોડના ચિરાગ પરમારે લોન પર કાર ખરીદી, ૧૬ હપ્‍તા ભર્યા પછી નકલી એનઓસીને આધારે બારોબાર વેંચી દીધી!

ટાટા કેપીટલ સાથે ૧૧.૫૭ લાખની ઠગાઇઃ લિગલ મેનેજર ચિરાગ બારોટે એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૮: શહેરના કાલાવડ રોડ પર રહેતાં શખ્‍સે ટાટા કેપીટલ લિમીટેડમાંથી કાર ખરીદવા રૂા. ૧૩,૪૫,૦૩૫ની લોન લઇ બાદમાં ૩૨૭૧૬ના માત્ર ૧૬ હપ્‍તા ભરી બાકીના રૂા. ૧૧,૫૭,૨૪૦ ભરપાઇ ન કરી કંપનીના નામે ખોટુ એનઓસી અને ખોટુ ફોર્મ બનાવી આરટીઓમાં રજૂ કરી આ કાર બારોબાર બીજાને વેંચી નાંખી ઠગાઇ કરતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે અમદાવાદ નવા નરોડા ફોર્ચ્‍યુન રીધમ સી-૧૦૪માં રહેતાં અને ટાટા કેપીટલ લિમીટેડ કે જે અગાઉ ટાટા કેપીટલ ફાયનાન્‍સીયલ સર્વિસિસ નામે જાણીતી હતી તે કંપનીમાં લીગલ મેનેજર તરીકે નોકરી કરતાં ચિરાગ અશ્નિવભાઇ બારોટ (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી રાજકોટ કાલાવડ રોડ ગેરીયસ ગોલ્‍ડ પ્‍લોટ નં. ૮૭માં રહેતાં ચેતન કનકભાઇ પરમાર વિરૂધ્‍ધ ફરિયાદ દાખલ કરી છે. ચિરાગ બારોટે જણાવ્‍યું છે કે અમારી કંપનીની મુખ્‍ય રજીસ્‍ટર્ડ ઓફિસ મુંબઇ ખાતે છે. તેની બ્રાંચ ઓફિસ ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટ ખાતે પિનાકલ બિલ્‍ડીંગમાં ત્રીજા માળે છે. અમારી કંપની જુદા જુદા પ્રકારની લોન આપવાનું કામ કરે છે. આરોપી ચેતન પરમારે અમારી કંપની પાસેથી કીયા મોટર્સ કંપનીની સોનેટ ગાડી જીજે૦૩એમઇ-૯૪૯૦ ખરીદવા લોન લીધી હતી. જેનું અમે રૂા. ૧૩,૪૫,૦૩૫નું ધિરાણ તા.૨૦/૧૨/૨૨ના આપ્‍યું હતું. આ લોન દર મહિને ચેતને પોતે રૂા. ૩૨૭૧૬ના એક એવા ૬૦ હપ્‍તાથી ભરપાઇ કરશે તેવી ખાત્રી આપી હતી. આ પછી કંપનીએ આ વાહન ઉપર આરટીઓમાં હાઇપોથીકેશન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું.  પરંતુ ચેતન પરમારે લોનના ૬૦ હપ્‍તામાંથી માત્ર ૧૬ હપ્‍તા જ તા. ૩/૪/૨૦૨૪ સુધી ભર્યા હતાં. બાકીના હપ્‍તા ચુકવ્‍યા નહોતાં. આથી અમારી કંપનીએ તેને લોન રિકોલ નોટીસ આપી હતી. કંપનીને ચેતન પરમાર પાસેથી રૂા. ૧૧,૫૭,૨૪૦ લેવાના નીકળે છે. આમ છતાં તેણે ગેરકાયદેસર રીતે આર્થિક લાભ લેવા કંપનીની કાર પર હાઇપોથીકેશન ચાલુ હોવા છતાં અને કંપનીએ એનઓસી આપી નહિ હોવા છતાં તેણે બારોબાર આ લોનવાળી કાર છગન નાથુભાઇ મુંધવાને કંપનીની કોઇપણ સંમતી વગર વેંચી દઇ તેના નામે ટ્રાન્‍સફર કરી દીધી હતી. અમે તપાસ કરતાં ખબર પડી હતી કે ચેતને ૨૫/૪/૨૪ના રોજ અમારી કંપનીનું બોગસ એનઓસી તેમજ ફોર્મ નં. ૩૫ ખોટુ બનાવી બંને આરટીઓમાં રજૂ કરી ખરા તરીકે ઉપયોગ કરી કાર ઉપર અમારી કંપનીનું હાઇપોથીકેશન કઢાવી થર્ડ પાર્ટી એવા છગન મુંધવાને કાર વેંચી દીધી હતી. આ રીતે તેણે કંપની સાથે છેતરપીંડી કરી હતી. તેમ વધુમાં ચિરાગ બારોટે જણાવતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટે ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ બી. આર. સાવલીયાએ હાથ ધરી છે.

(2:35 PM IST)