<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

પરિક્ષા આપીને નીકળેલી ધો-૯ની છાત્રાનું જયપ્રકાશનગરના રાહુલે અપહરણ કર્યુઃ અડપલા કરી છાતીએ બટકા ભર્યા

શાળા આસપાસ ઉભો રહેતો હોઇ બાળા સાથે પરિચય કેળવ્‍યો હતોઃ આટો મરાવવાનું કહી લઇ ગયા બાદ વિકૃત હરકતો કરીઃ એ-ડિવીઝન પોલીસે પોક્‍સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૮: શહેરમાં નવમા ધોરણની વિદ્યાર્થીની સાથે ભગવતીપરાના એક ઢગાએ બિભત્‍સ અડપલા કરી તેની છાતી પર બટકા ભરી લીધા હતાં. શાળાએથી છુટીને ઘરે જવા નીકળેલી ૧૪ વર્ષની આ છાત્રાને આ શખ્‍સ બાઇકમાં બેસાડી પોતાની ઘરે લઇ ગયો હતો અને ચેનચાળા કર્યા બાદ પરત શાળા પાસે મુકવા આવ્‍યો ત્‍યારે દિકરી ઘરે ન આવી હોઇ શોધવા માટે આવેલા માતા આ શખ્‍સને જોઇ ગયા હતાં. દિકરીની હાલત જોઇ પુછતાછ કરતાં તેણીએ ઘટના વર્ણવતા પોલીસને જાણ કરવામાં આવતાં પોક્‍સો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાયો છે.

આ બનાવમાં પોલીસે ભોગ બનનાર બાળાના પિતાની ફરિયાદ પરથી ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં રાહુલ નારણભાઇ નગવાડીયા (ઉ.વ.૨૧) વિરૂધ્‍ધ અપહરણ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે. ફરિયાદીએ જણાવ્‍યું હતું કે તેની દિકરી ૧૪ વર્ષ અને ૪ મહિનાની છે અને ધોરણ-૯માં અભ્‍યાસ કરે છે. હાલમાં તેણીને સ્‍કૂલમાં પરિક્ષા ચાલુ છે. દિકરી દરરોજ શાળાએ આવવા-જવા માટે રિક્ષા બંધાવી હોઇ તેનો ઉપયોગ કરે છે. ગઇકાલે  તેણીને સવારે પેપર હતું. અગિયારેક વાગ્‍યે પેપર પુરૂ થયું ત્‍યારે તે પરિક્ષા આપી બહાર ન આવતાં રિક્ષાવાળાએ મારી પત્‍નિને જાણ કરી હતી કે તમારી દિકરી પરિક્ષા આપીને બહાર આવી નથી અને મારે બીજા છાત્રોને મુકવાનું મોડુ થાય છે, તમે આવીને તેને તેડી જજો.

આથી મારા પત્‍નિ દિકરીની શાળાએ તપાસ કરવા ગયેલ પણ ત્‍યાં દિકરી મળી નહોતી. તે શાળાની બહાર આવી ત્‍યારે જ એક શખ્‍સ મારી દિકરીને બાઇક પર બેસાડી મુકવા આવ્‍યો હતો અને તરત જ નીકળી ગયો હતો. બાદમાં મારી દિકરીને ઘરે લાવી પુછતાછ કરતાં તેણીએ આ છોકરો શાળા આસપાસ આટાફેરા કરતો હોઇ તેની સાથે પરીચય થયાનું અને પરિક્ષામાંથી પોતે વહેલી નીકળી ત્‍યારે તે બહાર બાઇક લઇને ઉભો હોઇ પોતાની સાથે આટો મરાવવા લઇ જવાનું કહી ભગવતીપરા તરફ તેના ઘરે લઇ ગયો હતો અને શરીરે, ગળાના ભાગે હાથ ફેરવી તેમજ છાતીના ભાગે બટકા ભરી લીધાનું દિકરીએ જણાવ્‍યું હતું. આ પછી અમે પોલીસને જાણ કરી હતી. દિકરીને લઇ જનારા શખ્‍સનું નામ રાહુલ નારણભાઇ નગવાડીયા હોવાનું અને તે ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતો હોવાનું અમને જાણવા મળ્‍યું હતું. તેમ વધુમાં ફરિયાદીએ કહેતાં એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. (૧૪.૯)

(2:37 PM IST)