News of Friday, 18th April 2025
ટાઇટનના શો રૂમમાં થયેલી સિત્તેર લાખની ચોરીમાં ફૂટેજને આધારે પગેરૂ દબાવતી પોલીસ
રાજકોટથી અમદાવાદ હાઇવે તરફ પોલીસ આગળ વધીઃ ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝન, એલસીબીની ટીમોની મથામણ

રાજકોટ તા. ૧૮: ત્રિકોણ બાગ નજીક આવેલા ટાઇટન ઘડીયાળના શો રૂમમાં ગઇકાલે વહેલી સવારે શટર ઉંચકીને અંદર ઘુસેલો ચોર રૂા. ૪ લાખની રોકડ અને ૬૬.૮૩ લાખની ૧૦૨ ઘડીયાળો મળી કુલ રૂા. ૭૦.૮૩ લાખની મત્તા ચોરી ગયો હતો. આ તસ્કરના બીજા સાગ્રીતો શો રૂમની બહાર ઉભા હોઇ તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં શો રૂમ માલિક રવિભાઇ ભુપેન્દ્રભાઇ છોટાઇએ ફરિયાદ નોંધાવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ચોરીમાં બહારની ટોળકી સામેલ હોવાની શક્યતાએ શહેર પોલીસ અલગ અલગ ટુકડીઓ બનાવી ભેદ ઉકેલવા કામે લાગી છે. દરમિયાન સીસીટીવી ફૂટેજને આધારે પગેરૂ દબાવતી પોલીસ રાજકોટ-અમદાવાદ હાઇવે તરફ આગળ વધી હતી.
ત્રકોણબાગ પાસે ટાઈટન વર્લ્ડ નામના ઘડિયાળના શો-રૂમને બુધવારે રાત્રીના સમયે બંધ કરાયો ત્યારે તેમાં ચાર લાખની રોકડ પણ હતી. ગુરૂવારે સવારે શો રૂમ ખોલવામાં આવ્યો ત્યારે આ રોકડ અને બીજી ૧૦૨ નંગ ઘડીયાળોની ચોરી થયાની ખબર પડી હતી. ચોર પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી અને ટીમોને કામે લાગી જવા અને ભેદ ઉકેલી નાખવા સુચના આપી હતી. ક્રાઇમ બ્રાંચ, એલસીબી, એ-ડિવીઝન પોલીસની અલગ અલગ ટીમોએ હાલ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું ચાલુ કર્યુ છે.
પોલીસ કેમેરા ચેક કરતાં કરતાં રાજકોટ અમદાવાદ હાઇવે સુધી પહોંચી હતી. ચોરીમાં બહારની તસ્કર ટોળકી સામેલ હોવાની શક્યતા નકારી શકાતી નથી. ભેદ ઉકેલવા ટીમોએ મહેનત યથાવત રાખી છે. (૧૪.૧૧)
(3:04 PM IST)










