News of Friday, 18th April 2025
પરેશ લીંબાસીયાએ બાકીમાં ૧.૧૪ લાખના નટ બોલ્ટ ખરીદી બારોબાર વેંચી રોકડી કરી લીધી
પહેલા રોકડેથી છુટક માલ ખરીદી વિશ્વાસ કેળવ્યો પછી ધૂંબો માર્યોઃ રેલનગરનું સરનામુ દર્શાવ્યું હતું પણ ત્યાં તપાસ કરતાં આવુ કોઇ ન મળ્યું :ઢેબર રોડ અટીકા ફાટક પાસે પ્રભાત નટ બોલ્ટ નામે દૂકાન ધરાવતાં અંબિકા ટાઉનશીપના વેપારી વિનોદભાઇ વાઘેલાની ફરિયાદઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: ગઠીયાગીરીની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. ઢેબર રોડ અટીકા ફાટક પાસે નટ બોલ્ટની દૂકાન ધરાવતાં વેપારી પાસેથી એક શખ્સ અગાઉ રોકડેથી માલ ખરીદી ગયા બાદ વિશ્વાસ કેળવી બાકીમાં ૧,૧૪,૮૧૪ના નટ બોલ્ટ ખરીદીને લઇ ગયા બાદ બીજા વેપારીને વેંચી ત્યાંથી રોકડી કરી ભાગી ગયો હતો. ભક્તિનગર પોલીસે આ બનાવમાં નાના મવા રોડ અંબીકા ટાઉનશીપ મારૂતિ એપાર્ટમેન્ટની બાજુમાં શ્રીજી મકાન ખાતે રહેતાં અને ઢેબર રોડ અટીકા ફાટક સામે પ્રભાત નટ બોલ્ટ નામે દૂકાન ચલાવતાં વેપારી વિનોદભાઇ શામજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી પરેશ લીંબાસીયા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
વિનોદભાઇ વાઘેલાએ જણાવ્યું છે કે હું અટીકા ફાટક પાસે ત્રણેક વર્ષથી નટ બોલ્ટની દુકાનમાં વેપાર કરુ છું. ગત ૧૭/૩ના સવારે અગિયારેક વાગ્યે દુકાને હતો ત્યારે મારી દુકાનેથી અગાઉ બે ત્રણ વખત છુટક માલ રોકડેથી ખરીદી જનાર પરેશ લીંબાસીયા-પ્રજાપતિ આવ્યો હતો. આ વખતે મારો કર્મચારી મહેન્દ્ર પરમાર પણ હાજર હતો. પરેશે કહ્યું હતું કે મને તમે હાલ ચલણમાં માલ આપો, હું ૨૨મીએ તમને જીએસટી નંબરની વિગત આપીશ ત્યારે બીલ બનાવી આપજો, હું તમને એક સાથે પૈસા આપી દઇશ. આથી મેં તેને ૧૭મીએ રૂા. ૨૦૬૫૦ના નટ બોલ્ટ આપ્યા હતાં. પછી ૨૦મીએ ૪૩૩૦૦ના, ૨૧મીએ ૩૩૩૫૦ના નટ બોલ્ટ આપ્યા હતાં. આ માલ મેં પરેશે મોકલેલી માધવભાઇની રિક્ષા જીજે૦૩જીટી-૭૫૪૩ અને વિમલ યોગાનંદીની રિક્ષા જીજે૧૧વાય-૧૧૫૪માં મોકલ્યો હતો.
જીએસટી સહિત આ નટ બોલ્ટની કિંમત રૂા. ૧,૧૪,૮૧૪ થતી હતી. નક્કી થયા મુજબ ૨૨મીએ મેં પરેશને ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતાં તેણે ફોન ન ઉપાડતાં તેણે જણાવેલા રેલનગર ફાયર બ્રિગેડ સામે દાતાર એન્ટરપ્રાઇઝ, શ્રીરામજી સોસાયટી-૩ના સરનામે હું તપાસ કરવા ગયો હતો. પરંતુ ત્યાં જતાં પરેશ નામની આવી કોઇ વ્યક્તિ રહેતી ન હોવાનું જણાવાયું હતું. આજ સુધી તે મારો ફોન ઉપાડતો ન હોઇ જે બે રિક્ષા મારફત માલ મોકલ્યો હતો એ રિક્ષાવાળાઓને શોધી તેને પુછતાં બંનેએ આ માલ ઢેબર રોડ અટીકા ફાટક ગોપાલ હોટલ પાસે ગોપાલ નટ બોલ્ટ ખાતે ઉતાર્યો હોવાનું જણાવતાં તેના માલિક દિપકભાઇ મકવાણા સાથે ફોનમાં વાત કરતાં તેણે કહેલું કે આ બધો માલ પરેશ લીંબાસીયા હસ્કત આવ્યો છે અને મેં તેને બધા માલના પૈસા આપી પણ દીધા છે. આમ પરેશે મારી દુકાનેથી ૧,૧૪,૮૧૪ના નટ બોલ્ટ બાકીમાં ખરીદી બીજા વેપારીને પહોંચાડી ત્યાંથી પૈસા મેળવી લઇ મને ન આપ્યા હોઇ છેતરપીંડી થયાની ખબર પડી હતી. તેમ વધુમાં વિનોદભાઇએ કહેતાં ભક્તિનગરના એએસઆઇ હીરાભાઇએ ગુનો નોંધતાં પીએસઆઇ વી. એલ. રાઠોડે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૦)
(4:30 PM IST)










