<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

રાજકોટમાં અનેક જર્જરિત મકાનો-ગેરકાયદે ચાલતા કતલખાના ઈકો ટુરિઝમ વિકાસ - બાળકોની ભિક્ષાવૃતિના પ્રશ્‍નોની તડાપીડ

જીલ્લા ફરિયાદ સંકલન બેઠકઃ પીએમ એવોર્ડ માટે રાજકોટ જીલ્લો પસંદ થતા કલેકટરને અભિનંદન : વહિવટી તંત્ર દ્વારા ૧૧ માંથી ૯ યોજનામાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવ્‍યોઃ રાજકોટમાં દબાણોના લીધે ટ્રાફીક સમસ્‍યા અંગે પોલીસ પાસે જવાબો મગાયા

રાજકોટ, તા.૧૮: જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં ધારાસભ્‍યશ્રી રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા રાજકોટ શહેરના વિવિધ માર્ગો પર દબાણોના લીધે થતી ટ્રાફિકની સમસ્‍યા, રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હોટેલ્‍સ, પેટ્રોલ પંપો અને ગ્રામજનો દ્વારા ડીવાઈડર તોડી બનાવેલ ગેરકાયદે નિકાસથી અકસ્‍માતનો ભય,  પદ્મકુંવરબા હોસ્‍પિટલની નવીનીકરણની કામગીરી સહિતના પ્રશ્‍નોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા કરાયેલી કામગીરી અંગે જવાબ રજૂ કરાયા હતા.

આ ઉપરાંત ધારાસભ્‍યશ્રી દર્શિતાબેન શાહ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્‍નો પૈકી રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળાના સ્‍થળ માટેના પ્રસ્‍તાવિત વિકલ્‍પો, શહેરમાં જર્જરિત મકાનો, ગેરકાયદે ચાલતા કતલખાના, અનાજ વિતરણ, જિલ્લામાં ઇકો ટુરિઝમના વિકાસ માટેનું આયોજન, ભિક્ષાવળત્તિ કરતા બાળકોના રેસ્‍કયું  સહિત રજુ કરાયેલ પ્રશ્‍નોનાં સંબંધિત અધિકારીશ્રીઓએ જવાબ આપ્‍યા હતા. જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્‍નોનાં વહેલી તકે નિવારણ લાવવા કલેક્‍ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદે કામગીરી કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લાની પ્રધાનમંત્રી એવોર્ડ માટે પસંદગી થઈ હોવાની ખુશી જન પ્રતિનિધિશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ સમક્ષ વ્‍યક્‍ત કરતા જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા. જન કલ્‍યાણકારી ૧૧ યોજનાઓ પૈકી ૯ યોજનાઓમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી સર્વાંગી વિકાસમાં દેશના પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

વધુમાં જિલ્લા કલેકટરે સુજલામ સુફલામ જળસંચય યોજના અંતર્ગત સંબંધિત અધિકારીઓ દ્વારા થનાર કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક ક્‍લેક્‍ટર એ.કે.ગૌતમ, આસિસ્‍ટન્‍ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, આર.આર.ખાંભરા, રાહુલ ગમારા, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી કે. વંગવાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:13 PM IST)