<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઘંટેશ્વર પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડતાં ગાંધીધામથી ઇન્‍ટરવ્‍યુ આપવા માટે આવેલી દિશા ટાંકનું મોત

બાઇક ચાલક રેલનગરના યુવાન રવિભાઇનો નજીવી ઇજા સાથે બચાવઃ જમવા માટે જતાં હતાં: ટ્રક મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૮: શહેરમાં જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. જેમાં ટ્રેક બાઇકને ઉલાળી દેતાં બાઇક પાછળ બેઠેલી મુળ ગાંધીધામની યુવતિનું ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્‍યારે બાઇક ચાલક રાજકોટના રેલનગરના યુવાનનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. યુવતિ તેની બહેન સાથે રાજકોટ ઇન્‍ટરવ્‍યુ આપવા આવી હતી. પછી પરિચીત સાથે જમવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગાંધીધામ રહેતી દિશાબેન નિલેશભાઇ ટાંક (ઉ.વ.૧૮) નામની યુવતિ તેની બહેન નિરાલીબેન સાથે રાજકોટ નોકરીનું ઇન્‍ટરવ્‍યુ આપવા આવી હતી. બંને બહેનો ગાંધીધામ ખાતે બ્‍યુટી પાર્લરનું કામ કરતી હોઇ તેને લગતું ઇન્‍ટરવ્‍યુ આપવા આવી હતી. બપોરે જમવા માટે જતી વખતે દિશાબેન રેલનગરમાં રહેતા રવિભાઇ નામના યુવાનના બાઇકમાં બેઠી હતી. જ્‍યારે જામનગર રોડ ઘંટેશ્વર નજીક ગંગા જમુના એપાર્ટમેન્‍ટ પાસે પહોંચ્‍યા ત્‍યારે ટ્રકની ઠોકરે બાઇક ચડી જતાં દિશાબેન અને રવિભાઇ બંને ફંગોળાઇ ગયા હતાં. જેમાં રવિભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

દિશાબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર દિશા બે બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા કડીયા કામ કરે છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ચંદ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી હતી. અકસ્‍માત સર્જી ચાલક ટ્રક મુકીને ભાગી ગયાનું જણાવાયું હતું.

(4:31 PM IST)