News of Friday, 18th April 2025
આયે ગીત સુહાને... કાલે સુમધુર ગીતો રેલાશે
ડિવાઇન મ્યુઝિક દ્વારા હેમુ ગઢવી ઓડિટોરીયમમાં જૂના-નવા ગીતોનો કાર્યક્રમ : ફલ્યુટ આર્ટિસ્ટ ક્રિશ ત્રિવેદી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશેઃ પૂનમ ગજેરા, ઘનશ્યામભાઇ રાવલ, સંજય લોઢિયા, ધનંજય ઉપાધ્યાય વગેરે કલાકારો રંગ જમાવશે : ક્રિમ ત્રિવેદી રાજકોટનું ગૌરવ, મુંબઇમાં અનેક સેલિબ્રિટીઝના ફલ્યુટની ટ્રેનિંગ આપે છે

‘અકિલા'ની મુલાકાતે આવેલા ક્રિશ ત્રિવેદી, સંજયભાઇ મહેતા, ઘનશ્યામભાઇ રાવલ, સંજયભાઇ લોઢિયા, નરેન્દ્રભાઇ મકવાણા, દક્ષાબેન ત્રિવેદી, મેઘાબેન જોશી નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૮: કાળઝાળ ઉનાળામાં હૈયે ટાઢકનો શેરડો પડે તેવા મસ્ત કાર્યક્રમનું આયોજન થયું છે. ડિવાઇન મ્યુજિક દ્વારા આવતીકાલે રાત્રે હેમુ ગઢવી નાટયગૃહમાં હિન્દી ફિલ્મોના સુમધુર ગીતો રેલાશે. ‘‘આર્ય ગીત સુહાને'' કાર્યક્રમનું આયોજન થયુ છે.
કાર્યક્રમના આયોજકો અને કલાકારો ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. રાજકોટની જાણીતી સંસ્થા ડિવાઈન ગ્રુપ તરફથી તા. ૧૯ના રોજ આયે ગીત સુહાને ટાઈટલ હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન રાજકોટની કલાપ્રેમી જનતા માટે કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈથી જાણીતા વાંસળીવાદક અને યુવા કલાકાર ક્રિશ ત્રિવેદી વાંસળીવાદન સાથે સુફી સંગીત, શાસ્ત્રીય સંગીત અને કિશોરકુમારના ગીતો વાંસળી ઉપર રજૂ કરશે. કલાસિકલ સિંગર પૂનમ ગજેરાની સાથે તાલ અને વાંસળીની જુગલબંધીની રજૂઆત કરશે. લોકપ્રિય કલાકાર ઘનશ્યામભાઈ રાવલ (મુકેશ)ના ગીતો સાથે સ્વ. મનોજકુમારને યાદ કરશે. સંજય લોઢીયા પોતાના કંઠે રફી સાહેબના ગીતો અને ધનંજય ઉપાધ્યાય આર.ડી.ને રજુ કરી પોતાની કલા પ્રસ્તુત કરશે.
ગ્રુપ લીડર દક્ષા ત્રિવેદી અને મેઘાબેન જોશી (બેંગ્લોર) દ્વારા ટિકીટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મા સરસ્વતિની ઉપાસનાના ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના રેડીયો પાર્ટનર ૮૯.૬ FM. છે. જાણીતા આરજે પ્રિયાંક દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે નવા જૂના ગીતોની સુંદર કલાસિક સ્ક્રિપ્ટના ગુલદસ્તા સાથે ડિવાઈન ગ્રુપ રાજકોટની જનતાને સંગીતની ક્લાસિક સફર પર લઈ જવા તૈયાર છે. ટિકીટ અને વધુ માહિતી માટે મેઘા જોશી - ૮૦૭૩૨ ૯૮૩૮૯ / ૮૮૫૦૯ પ૭૭૨૭ /૯૯૭૮૬ ૭૫૬૫૭ સંપર્ક થઇ શકે છે.
વાસળીવાદક ક્રિશ ત્રિવેદી રાજકોટનું અણમોલ ચીજ છે. તેઓ ઓરકેસ્ટ્રા ગ્રૂપના સંચાલક અશ્વિનભાઇ ત્રિવેદીના પુત્ર છે. હાલ તેઓ રાષ્ટ્રીયસ્તરે ફલ્યુટ આર્ટિસ્ટ તરીકે ઓળખ ધરાવે છે. ક્રિશ ત્રિવેદી અનેક હસ્તીઓને ફલ્યટ ટ્રેનિંગ આપ છે. તેઓ મુંબઇ-બોરીવલીમાં ફલ્યટ ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે.
ક્રિસે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં મ્યુઝિકના માહોલમાં મારો ઉછેર થયો છે. હું બાળક હતો ત્યારે જન્માષ્ટમીમાં ફેરિયાઓ વાસળી વેચવા આવ્યા. આ વાસળીમે ખરીદી, બસ ત્યારથી ફલ્યુટપ્રેમ સ્થાપિત થઇ ગયો હતો. ક્રિશભાઇએ ફલ્યુટ પર ખૂબ અભ્યાસ કર્યો છે. વિવિધ પ્રકારની વાસળી પર મહારત ધરાવે છે. તેઓ કહે છે કે વાસળી શીખવી સરળ છે, પણ પ્રથમ શરત એ છે કે, તેના પર પ્રેમ હોવો જોઇએ. આ ક્ષેત્રે કારકિર્દી પણ બની શકે છે. તેઓ કહે છે કે, હું શરૂઆતમાં જાતે જ શીખ્યો હતો બાદમાં એ.આર. રહેમાન ગ્રુપના નવીનકુમાર પાસેથી વિધિવત ટ્રેનિંગ લીધી હતી.
આવતીકાલના કાર્યક્રમમાં મસ્ત સ્ક્રીપ્ટ પર ગીતો રજુ થનાર છે. ક્રિશ ત્રિવેદી તથા અન્ય કલાકારો મોજ કરાવી દેશે. સંગીત- ગીતના પ્રેમીઓને હૈયે ટાઢક પ્રસરાવવાનો મોકો મળ્યો છે.(૨.૨૩)
(3:44 PM IST)










