News of Friday, 18th April 2025
જેટકોની અવળચંડાઈ... વાંકાનેરના જાલસીકા ગામે ૨૨૦ કે. વી. હાઈ વોલ્ટેજ લાઈન પસાર કરવા સામે ખેડૂતોનો વિરોધ
બંને બાજુ સરકારી ખરાબો હોવા છતાં ખેડૂતોની જમીનમાંથી લાઈન પસાર કરવાનો જેટકોના નિમ્ન અભિગમ : અનેક વખત ખેડૂતોની રજૂઆતો ને કરવામાં આવી નજર અંદાજ આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનઃ ખેડૂત ખાતેદારોએ ઉચ્ચારી ચીમકી

રાજકોટ, તા., ૧૮ : પ્રજાના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી જેના શીરે છે તે સરકારના વિભાગો જ પ્રજાના દુશ્મન બની ઉભા રહે તો શું થાય ? વાંકાનેર તાલુકામાં આવેલા જાલસીકા ગામમાં ૨૨૦ કેવીની લાઈન પસાર કરવા માટે ખાસ તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. પરંતુ ત્યાંની સાંપ્રત પરિસ્થિતિને જેટકોના અધિકારીઓ દ્વારા જાણે ધ્યાને લેવામાં આવી ન હોય અથવા તો પોતાની મનસુફી મુજબ કામ કરવામાં માનતી હોય તેવું ઉદાહરણ જેટકો એ ઊભું કર્યું છે. મચ્છુ એક ડેમથી પસાર થતી હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રીક લાઈન કે જે નાના નાના ખેડૂતોની જમીનોમાંથી પસાર થાય તો તેને લઈ ખેડૂતોને આજીવિકામાં તુટો પડે છે છતાં પણ નિંભર તંત્ર કોઈ પણ પ્રકારે તેમની લાગણી અને વ્યથા સમજવામાં માનતું ન હોય તેવું ચિત્ર પણ ઉભું થયું છે.
પ્રજાના સેવકો જેવા કે ધારાસભ્યો, સાંસદો દ્વારા પણ આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં જેટકો દ્વારા કોઈ પણ પ્રકારનું હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું નથી અને તેને લઈ જાલસીકા ગામના ખેડૂતોને ઘણી ખરી હેરાનગતિનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકામાં હોલ માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરના નિભાવ માટે જાલસીકા ગામમાં ખેતીની જમીન આવેલી છે અને જ્યાં સાડા ચારસો જેટલી ગાયો પણ રાખવામાં આવેલી છે. કેન્દ્ર સરકારની કિસાન સૂર્યોદય યોજના છે તે અંતર્ગત જેટકો દ્વારા ઘીયાવડ સાપર ૨૨૦ કે.વી.ની લાઈન પસાર કરવા તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હાલ આ ષડયંત્ર ને ખેડૂતો દ્વારા અટકાવવામાં પણ આવ્યું છે. પરંતુ જો આ લાઈન તેમના ખેતરોમાંથી પસાર કરવામાં આવે તો તે ખેડૂતો માટે નડતરરૂપ બનશે. એટલું જ નહીં તે ગામમાં આવેલી આશરે ૧૩ જમીનના ખાતેદારો દ્વારા લેખિતમાં રજુઆત કરી છે કે હાલ જે ખેતરો માંથી લાઈન પસાર કરવાનું આયોજન છે તે અયોગ્ય છે. ખરા અર્થમાં ખેતરોની બંને બાજુ સરકારી ખરાબો છે જો આ હાઈ વોલ્ટેજ લાઈનને સરકારી ખરાબ માંથી પસાર કરવામાં આવે તો ખેડૂતો માટે સાનુકૂળતા રહે અને જે સાડા ચારસો ગાયોનું ે ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે તે પણ સુચારું રૂપથી શકય બને.
આ અંગે અનેકવિધ વખત રજૂઆત કરવામાં આવી પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી. સામે ખેડૂતોનું કહેવું છે કે જે લાઈન પસાર કરવાની વાત ચાલી રહી છે.
તેને જો સરકારી ખરાબાની જમીનમાંથી પસાર કરવામાં આવે તો લંબાઈ પણ ટૂંકી થઈ જાય છે. બીજી તરફ જે સાડા ચારસો ગાયો માટે જે ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તે ખેતરો માંથી જ થાય છે ત્યારે અન્ય ખાતેદારોની જમીનમાં પણ આ લાઈન પસાર થાય તો વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ સર્જાય છે. ત્યારે ખેડૂતોની એકમાત્ર માંગ છે કે સરકારી ખરાબાની જમીનમાં ટાવર ઉભા કરવામાં આવે જેથી ખેડૂતોની જમીનમાં નુકસાની ન પહોંચે.
બીજી સૌથી મોટી ચિંતાનો વિષય છે કે આ ખેડૂતો નાના ખાતેદાર છે. જેમની પાસે માત્ર પાંચ કે ૧૦ વીઘા જેટલી જગ્યા હોય અને તે પણ તેની મરણમુળી સમાન હોય ત્યારે આટલી મોટી હાઈ વોલ્ટેજ લાઈન તેમના ખેતરોમાંથી પસાર થાય તો તેમની જમીનની કિંમત શૂન્ય થઈ જાય તેમ છે. ત્યારે આ તમામ બાબતે રાજ્ય સરકારે અને ખાસ જેટકોએ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ મુદ્દે ખેડુતોની માંગણી નહિ સંતોષાય તો આંદોલનના મંડાણની શરૂઆત થઇ ચુકી છે. ૩૧ માર્ચ ૨૦૨૩ ના રોજ નાયબ કલેકટર વાંકાનેર દ્વારા આ અંગે હુકમ કરવામાં આવ્યો હતો જેની સામે નારાજ થઈ ખેડૂત અરજદારો દ્વારા કલેક્ટર સમક્ષ પણ અપીલ કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી આ મામલે કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી.
અધિકારીઓએ ખેડૂતોને મિટિંગમાં બોલાવી હસ્તાક્ષર લઈ તેમની સંમતિ હોવાનું ખપાવી દીધું !
રાજકોટઃ જ્યારે પ્રજાના રક્ષક પ્રજાના જ ભક્ષક બને ત્યારે અન્ય કોઈ અપેક્ષા રાખી ન શકાય હાલ જાલસીકા ગામે જે ૨૨૦ કેવીની હાઈ વાોલ્ટેજ લાઈન ખેતીની જમીનોમાંથી પસાર કરવામાં આવી રહી છે તેના વિરોધમાં અનેકવિધ ખેડૂતો જોડાયેલા છે ત્યારે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ખેડૂત ખાતેદારોને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ઉપસ્થિત ખેડૂતોના હસ્તાક્ષર લઈ તેમની સંમતિ હોવાનું જણાવી ખેડૂતો વિરુદ્ધ હુકમ થયો હોવાની વાત સામે આવી છે. જે ઘટનાને ખેડૂત ખાતેદારો દ્વારા વખોડવામાં આવી રહી છે. તેઓએ જણાવ્યું કે તેઓને માત્ર મિટિંગના નામે જ બોલાવવામાં આવ્યા હતા અને તેમનીે પાસેથી હસ્તાક્ષર લઈ એવું જાહેર કરવામાં આવ્યું કે તેઓની સંમતિ છે! આમ ખેડૂતો સાથે ચીટીંગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘીયાવડના ખેડૂતોને પણ આ જ પ્રકારે મોટા આર્થિક ખાડામાં ઉતારવાનું જેટકોનું ષડયંત્ર
રાજકોટઃ સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર હાલ હોલમઢ ગામ ખાતે આ લાઈન નાખી દેવામાં આવી છે ત્યારબાદ જાલસીકાના ખેડૂતોના વિરોધ વચ્ચે હજુ આ લાઈન ત્યાં નાખવામાં આવી નથી ત્યારે હવે ઘીઆવડના ખેડૂતોને પણ આ જ પ્રકારે હેરાનગતિ કરી મોટા આર્થિક ખાડામાં ઉતારવાની નફાટાઈ જેટકો કરી રહ્યું છે. બીજી તરફ આ અંગે ડ્રોન શુટ કરાવી બીજા કયા વિકલ્પો ઊભા થઈ શકે તે અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્યોની સુચનાઓને જેટકો ઘોળીને પી ગઇ !
રાજકોટઃ ખેડૂતોની ગંભીર સમસ્યાને ધ્યાને લઈ આ અંગે રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, લોકસભાના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ સહિત અનેક રાજકીય આગેવાનો તથા નેતાઓને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે એટલું જ નહીં આ તમામ નેતાઓ દ્વારા પણ આ મુદ્દે અનેક વખત આદેશો પણ આપ્યા છે અને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા પણ જણાવ્યું છે છતાં જેટકો તંત્ર અવળચંડાઈ કરતું હોય તેવું ચિત્ર ઊભું થયું છે.
ખેડૂત ખાતેદારોએ જણાવ્યું કે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જેટકોના અધિકારીઓને ખખડાવીને કહ્યું હતું કે ખેડૂતો પર દાદાગીરી ન ચલાવો અને તેમની વ્યથા સમજો છતાં પણ જેડકોની અવળચંડાઈ ઓછી થતી જ નથી. (૪.૩૧)
અધિકારીઓ સ્થળ ઉપર આવી
ખેડૂતોને ધમકાવતા હોવાનો આક્ષેપ
રાજકોટઃ જાલસીકા ગામના ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે આ અંગે જ્યારે કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી અને તેનો કોઈ જવાબ આજ દિન સુધી આવ્યો નથી ત્યારે અરજી પેન્ડિંગ હોવા છતાં જેટકોની અવરચંડાઈ આસમાને પહોંચી છે કારણ કે જેટકોના અધિકારીઓ સ્થળ ઉપર આવી ખેડૂત ખાતેદારોને ધાક ધમકી આપી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતા હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે . આ તમામ ઘટનાઓથી ખેડૂત ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ મુદ્દે તેઓને ઝડપી ન્યાય મળે તે માટે ખાસ સરકારને અપીલ પણ કરી રહ્યા હોવાનું માલુમ પડ્યું છે.
(4:30 PM IST)










