<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

ઇન્‍દિરા સર્કલે ટ્રાફિક જમાદાર પર હુમલામાં ચોથો આરોપી ઝડપાયો

આણે જ બસના ડ્રાઇવરને બચાવ્‍યો છે, મારો મારો કહી ટોળાએ હુમલો કર્યો હતોઃ યુનિવર્સિટી પોલીસે રૈયાધારના લક્ષમણ ભુંડીયાને પકડયો

રાજકોટ તા. ૧૮: ઇન્‍દિરા સર્કલ પાસે બંબાટ બેફામ સીટી બસ હંકારી ચાર વાહનોને ઠોકરે ચડાવી ચાર લોકોના મોત નિપજાવવાની ઘટનામાં સીટી બસના ચાલક શીશુપાલસિંહ રાણાની ટોળુ ધોલધપાટ કરતું હતું ત્‍યારે ફરજ પરના ટ્રાફિક શાખાના હેડકોન્‍સ્‍ટેબલ અજયભાઇ ભીખાભાઇ ડાભીએ વચ્‍ચે પડી બસચાલકને ટોળામાંથી બહાર કાઢી ૧૦૮ મારફત સારવાર માટે મોકલી દેતાં રોષે ભરાયેલા ટોળાએ ‘આ પોલીસવાળાએ જ બસચાલકને બચાવ્‍યો છે, હવે આને મારો, મારો' કહી દેકારો મચાવી જમાદારની સાથે મારકુટ કરતાં અને તેને વધુ માર મારવા પાછળ દોડતાં તેઓ જીવ બચાવી ભાગ્‍યા હતાં. આ મામલે ટોળા સામે નોંધાયેલા ગુનામાં ચોથા આરોપી રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર-૭૧૩ના લક્ષમણ પોલાભાઇ સિંધવ-ભુંડીયા (ઉ.વ.૧૮)ને ઝડપી લીધો છે.

ગઇકાલે યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની ટીમે ત્રણ આરોપીઓ મનિષ ઉર્ફ માન સભાડ, કરણ વિશ્વકર્મા અને વૃધ્‍ધ મહેશભાઇ શાહની ધરપકડ કરી હતી. ફુટેજ, વિડીયોને આધારે બાકીના આરોપીઓની શોધખોળ થઇ રહી છે.

(4:12 PM IST)