News of Monday, 21st April 2025
કારખાનેદારને છરીની અણીએ લૂંટવાનો ભેદ ખુલ્યોઃ ૨૧ ગુનામાં સામેલ ઇમરાન કાદરીને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો
૬ દિવસ પહેલા ઘટના બની હતીઃ ૨.૬૨ લાખની રોકડ લૂંટી મોટા ભાગની રકમ જૂગાર-મોજશોખમાં ઉડાવી દીધીઃ ૫૩ હજાર કબ્જે પંદર દિવસ પહેલા જ જેલમાંથી છુટયો હતોઃ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયા, પીઆઇ ગોંડલીયા, ડામોર, જાદવની રાહબરીઃ કૃષ્ણસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, હરસુખભાઇ સબાડ અને તુલસીભાઇ ચુડાસમાની બાતમી પરથી સફળતા ૧૫મીએ ઢેબર રોડ નાગરિક બેંક ચોક પાસે બાઇક સાથે એક્ટીવા અથડાવી નુકસાનીના પૈસા આપવા પડશે તેવું નાટક કરી શેઠ હાઇસ્કૂલ પાસેના કોમ્પલેક્ષના પાર્કિંગ પાસે લઇ જઇ છરી બતાવી લૂંટ કરી હતી

રાજકોટ તા. ૨૧: શહેરના વાવડી ૮૦ ફુટ રોડ ગુરૂદેવ પાર્ક-૨માં રહેતાં અને માલધારી ફાટક પાસે ઘરઘંટીનું કારખાનુ ધરાવતાં હરેશભાઇ ધીરજલાલ રાદડીયા નામના ૪૦ વર્ષના યુવાન ગત ૧૫મીએ અટીકામાં વેપારીને પેમેન્ટ આપવા નીકળ્યા ત્યારે ઢેબર રોડ નાગરીક બેંક ચોક પાસે ગ્રે કલરના એક્ટીવા પર આવેલા શખ્સે પાછળથી પોતાનું વાહન આ કારખાનેદારના સીબીઝેડ બાઇક પાછળ અથડાવી તરકટ રચી તારે નુકસાનીના પૈસા મારા શેઠને દેવા પડશે તેમ કહી બાઇકમાં બેસાડી ભક્તિનગર સોસાયટી-૫/૮ના ખુણે સત્યાર્થ પ્રકાશ કોમ્પલેક્ષના પાર્કિંગમાં લઇ જઇ છરી બતાવી રૂા. ૨,૬૨,૦૦૦ની રોકડ લૂટી લીધી હતી અને ભાગી ગયો હતો. આ લૂંટનો ગુનો ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી ચોરી, લૂંટ, ચીલઝડપના ૨૦ અને મારામારીના એક મળી ૨૧ ગુનામાં સામેલ રીઢા શખ્સને દબોચી લીધો છે. પંદર દિવસ પહેલા જ આ શખ્સ જેલમાંથી બહાર આવ્યો હતો. શાતીર દિમાગ ધરાવતાં આ શખ્સે લૂંટ કરતાં પહેલા અને લૂંટ કર્યા પછી પોતાના કપડા બદલાવી પોલીસને ચકરાવે ચડાવવા પ્રયાસ કર્યો હતો.
હરેશભાઇ રાદડીયાએ ભક્તિનગર પોલીસમાં લૂંટની ફરિયાદ દાખલ કરાવ્યા બાદ ભક્તિનગર પોલીસની સાથે સાથે એલસીબી, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ગુમાનસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, હરસુખભાઇ સબાડ અને કોન્સ. તુલસીભાઇ ચુડાસમાને મળેલી બાતમી પરથી આ ગુનો ઉકેલી ઇમરાન હાસમમીયા કાદરી (ઉ.વ.૨૪-રહે. કર્મચારી સોસાયટી-૩, વશરામભાઇ ભરવાડના મકાનમાં, પુનિતનગર પાણીના ટાંકા પાસે, ૧૫૦ રીગ રોડ)ને લીમડા ચોક પાસેના શાષાી મેદાનમાંથી ઝડપી લઇ રૂા. ૫૩૦૦૦ની રોકડ કબ્જે કરી છે. બાકીની રકમ તેણે મોજશોખમા વાપરી નાંખ્યાનું રટણ કર્યુ હતું.
ક્રાઇમ બ્રાંચે આ ગુનો ડિટેક્ટ કરી ઇમરાન કાદરીને વધુ પુછતાછ માટે ભક્તિનગર પોલીસને સોંપવા તજવીજ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઇમરાન કાદરી રીઢા ગુનેગારની છાપ ધરાવે છે અને તેની સામે ૨૧ ગુના રાજકોટ તેમજ અમદાવાદમાં નોંધાયેલા છે. જેમાંથી ૨૦ ગુના ચોરી, ચિલઝડપના અને લૂંટના છે અને એક ગુનો મારામારીનો છે. ભક્તિનગર-કુવાડવા પોલીસમાં વર્ષ ૨૦૧૫માં ચોરી, ૨૦૧૬માં ચોરીના ૬ ગુના, ૨૦૧૭માં એઅડિવીઝનમાં અને ભક્તિનગરમાં ચોરી, ચીલઝડપના છ ગુના, એ વર્ષમાં જ ભક્તિનગરમાં મારામરીનો ગુનો, ત્યારબાદ બી-ડિવીઝનમાં ચોરીના બે ગુના, ૨૦૧૮માં ભક્તિનગર અને આજીડેમમાં ચોરીના બે ગુના, ૨૦૨૦માં અમદાવાદ સેટેલાઇટમાં લૂંટનો ગુનો, એ જ વર્ષમાં ત્યાં સરખેજમાં બીજો લૂંટનો ગુનો તેમજ ૨૦૨૦માં રાજકોટ બી-ડિવીઝમાં ચોરી-લૂંટના ત્રણ ગુના નોંધાયા હતાં. હજુ પંદર દિવસ પહેલા જ તે એક ગુનામાંથી જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ ૨,૬૨,૦૦૦ની રોકડની લૂંટ ચલાવી હતી. વાહન ચોરીનો પણ ભક્તિનગરમાં અલગથી ગુનો નોંધાયો હતો. તે પણ સાથે ડિટેક્ટ થયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ અશોક કલાલ, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજશેભાઇ જળુ, હરસુખભાઇ સબાડ, કનકસિહ સોલંકી, જનકભાઇ કુગશીયા, કોન્સ. તુલસીભાઇ ચુડાસમાએ આ કામગીરી કરી હતી.
ઇમરાને લૂંટ પહેલા મજૂરના દોરીએ સુકાતા કપડા ચોરીને પહેરી લીધાઃ પછી ટોપી ખરીદી, મોઢે રૂમાલ બાંધ્યો'તો
લૂંટ પછી ઉપરના કપડા ઉતારી ફેંકી દીધા'તા
ઞ્જ લૂંટ કરવાના ઇરાદા સાથે જ નીકળેલા ઇમરાન કાદરીએ પોલીસથી બચવા અને પોલીસને ચકરાવે ચડાવવા લૂંટ કરતાં પહેલા મવડી વિસ્તારમાં મજૂરના દોરીએ સુકાતા હોય એ કપડા ચોરી લીધા હતાં અને પોતે પહેરેલા કપડા ઉપર જ પહેરી લીધા હતાં. એ પછી મવડી ઓવર બ્રીજ નજીકથી ટોપી રૂમાલ ખરીદ કર્યા હતાં. માથે ટોપી પહેરી મોઢે રૂમાલ બાંધી લીધો હતો. એ પછી શિકારની શોધમાં નીકળ્યો હતો. જો કે પોતાની પાસેના બાઇકને આધારે પકડાઇ ન જવાય એ માટે સોૈ પહેલા તેણે મીલપરામાં જઇ જલારામ એજન્સીવાળાનું ગ્રે કલરનું એક્ટીવા ચોરી લીધુ હતું. પોતાનું વાહન તે અહિ જ મુકીને જતો રહ્યો હતો. લૂંટ કરી લીધા બાદ પણ કપડા બદલાવી નાંખ્યા હતાં. જે રોકડ મળી હતી તેમાં મોટા ભાગની તેણે જૂગારમાં ગુમાવી દીધી હતી અને મોજશોખમાં વાપરી હતી. પોલીસે ૫૩ હજાર કબ્જે કર્યા છે.
મીલપરામાં પોતાનું બાઇક મુકી ત્યાંથી એક્ટીવા ઉઠાવી લૂંટમાં ઉપયોગ કર્યો હતો
(2:45 PM IST)










