<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

મકાન જપ્‍તીની કાર્યવાહી વખતે જ શિવ પાર્કમાં ઘરના મોભી જયંતિલાલ પરમારે પેટ્રોલ છાંટી જીવ આપી દીધો .

કોઠારીયા રોડ શીવ પાર્કમાં બનાવઃ જયંતિલાલના પુત્ર મોહિત પરમારે માતાના નામના મકાન પર લોન લીધી હતીઃ ધંધો ન ચાલતાં અુમક હપ્‍તા ભરી ન શકતાં બેંકે કાયદેસરની કાર્યવાહી કરતાં કોર્ટ, બેંકના અધિકારીઓ, વકિલ, પોલીસ જપ્‍તી માટે પહોંચ્‍યા ત્‍યારે બનાવ કોર્ટના અધિકારીએ અગ્નિસ્‍નાન કરનાર જયંતિલાલે પુત્ર મોહિતની ઉશ્‍કેરણીથી મકાનનો કબ્‍જો ન છોડવો પડે તે માટે કાવત્રુ ઘડી અગ્નિસ્‍નાન કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવીઃ સારવારમાં જયંતિભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ  આજી ડેમ પોલીસ સ્‍ટેશન અને રણુજા મંદિરથી આગળ આવેલા શિવ પાર્કમાં રહેતા જયંતીભાઈ ચુનીભાઈ પરમાર (ઉ.વ.૫૫) નામના આધેડે રવિવારે તેમનું મકાન લોન ભરપાઇ ન થઇ હોવાને કારણે જપ્‍ત કરવાનું હોઇ આ કાર્યવાહી માટે કોર્ટ, બેંક, વકિલ, પોલીસ સહિતના અધિકારીઓ, સ્‍ટાફ આવતાં તેમણે ઉપરના માળે જઇ અગ્નિસ્‍નાન કરી લેતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. જો કે આ બનામવાં કોર્ટના અધિકારી દ્વારા મકાનનો કબ્‍જો છોડવો ન પડે તે માટે કાવત્રુ ઘડી પુત્રની ઉશ્‍કેરણીથી પિતાએ આપઘાતનો પ્રયાસ કર્યાનો અને ફરજમાં રૂકાવટ કર્યાનો મૃતક તેમજ તેના પુત્ર સામે ગુનો નોંધાવ્‍યો છે.

આજીડેમ પોલીસે જામનગર રોડ પ્રેસ કોલોની ક્‍વાર્ટર નં. ૨૧માં રહેતાં મુળ વઢવાણ સુરેન્‍દ્રનગરના વતની અને સેસન્‍સ કોર્ટમાં આસીસ્‍ટન્‍ટ તરીકે નોકરી કરતાં પ્રકાશભાઇ મનસુખભાઇ સોલંકી (ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી કોઠારીયા રોડ રણુજા મંદિર નજીક શીવ પાર્ક મેઇન રોડ પ્‍લોટ નં. ૩૩માં રહેતાં જયંતિલાલ ચુનીલાલ પરમાર તથા તેના પુત્ર મોહિત જયંતિલાલ પરમાર વિરૂધ્‍ધ બીએનએસની કમલો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

પ્રકાશભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટશ્રીની કોર્ટમાંથી ફોજદારી પરચુરણ અરજી નં. ૪૨૪૫/૨૪ તા. ૨૯/૧/૨૫ના રોજના હુકમમાં જણાવ્‍યા મુજબ મિલ્‍કતનો કબ્‍જો લેવામાં આવેલ. તેમાં અમોને કોર્ટ કમિશનર તરીકે સામેલ કરાયેલ. જેમાં વિશ પાર્ક મેઇન રોડ પ્‍લોટ નં. ૩૩ બહુચરાજી કૃપા ખાતેના મકકાનનો કબ્‍જો લઇ અરજદાર પીએનબી હાઉસીગ ફાયનાન્‍સ લિ.ને સોંપી આપવા જણાવાયું હતું. જેથી ૧૭/૨/૨૫ના રોજ નોટીસ ઇશ્‍યુ કરાઇ હતી. જેમાં ૬/૪/૨૪ના રોજ મિલ્‍કત જપ્‍તીની કાર્યવાહી થશે તેની જાણ લોન લેનારા મોહિત જયંતિલાલ પરમાર અને જયંતિલાલ ચુનીલાલ પરમારને કરાઇ હતી. નીયમ મુજબ પોલીસ પ્રોટેક્‍શન હેઠળ આ કાર્યવાહી કરવાની હતી.

પરંતુ ૬/૪/૨૫ના પોલીસ બંદોબસ્‍ત ન મળતાં ૮/૪ના બીજી નોટીસ ઇશ્‍યુ કરાઇ હતી. એ પછી રવિવારે ૨૦/૪ના રોજ મિલ્‍કતમાં પ્રવેશ કરી જપ્‍તની કાર્યાવહી થશે તેની જાણ લોન લેનારા મોહિત અને તેના પિતા જયંતિલાલને કરાઇ હતી. તે મુજબ હું તથા પીએનબી (પંજાબ નેકશન બેંક) હાઉસીંગ ફાયનાન્‍સ લિ.ના વિરેન્‍દ્રસિંહ જાડેજા, બેંકના વકિલ જે. એન. શુક્‍લ, પોલીસ કર્મચારી પ્રશાંતભાઇ મારૂ, વિડીયો ગ્રાફર નીરજભાઇ ગઢીયા સહિતના સવારે પોણા અગ્‍યિાર વાગ્‍યે શિવ પાર્ક ખાતેની મિલ્‍કત પર પહોંચ્‍યા હતાં. અમે બહાર રોડ પર ઉભા હતાં. સાથેના વિરેન્‍દ્રસિંહે મકાન માલિક મોહિત પરમારને બોલાવતાં તે અને તેના પિતા જયંતિલાલ બહાર આવ્‍યા હતાં. આ બંનેને અમે મકાન જપ્‍ત કરવાની વિગતોની સમજ આપી હતી.

આ પછી તેઓ અમને થોડો સમય આપો કહી અંદર જતાં રહ્યા હતાં. અમે બધા બહાર જ ઉભા હતાં. એ પછી જયંતિલાલ પરમાર મકાનના ઉપરના માળે ગયા હતાં ત્‍યાં બારણે ઉભા રહી બાકસ ને દિવાસળી અમને બતાવી બારણુ બંધ કરી રૂમમા જતાં રહ્યા હતાં. ત્‍યારબાદ સીડી પાસે બારી અને બારણામાંથી ધુમાડો નીકળવા માંડતા અને અંદરથી રાડારાડીનો અવાજ આવતાં મોહિત પરમાર ઉપરના ભાગે ગયેલ અને પપ્‍પા સગળી ગયા છે એવી રાડો પાડતો નીચે આવી પાણીની ડોલ ભરી ઉપર ગયેલ અને દરવાજેથી પાણી છાંટયું હતું. આથી અમારી સાથેના વિરેન્‍દ્રસિંહે ૧૦૮ને  ફોન કરી ૧૦૦ નંબરમાં પણ ફોન કર્યો હતો. એ દરમિયાન મોહિતના ઓળખીતા આવ ગયા હતાં. બધાએ ઉપર જઇ સળગી ગયેલા જયંતિભાઇને નીચે ઉતારી દવાખાને ખસેડયા હતાં.

મોહિત પરમારે પોતાના માતાુશ્રીના નામના મકાન ઉપર મોર્ગેજ લોન લીધી હતી, તેના હપ્‍તા નહિ ભરાતાં બેંક તરફથી નોટીસ આપવા છતાં હપ્‍તા નહિ ભરતાં અમે તથા બેંકના અધિકારીઓ કાયદેસરની કાર્યવાહીથી મકાન જપ્‍તની કાર્યવાહી માટે આવ્‍યા ત્‍યારે મોહિત અને તેના પિતાએ મકાનનો કબ્‍જો ન છોડવા કાવતરૂ ઘડી મોહિતે તેના પિતા જયંતિલાલને ઉશ્‍કેરણી કરતાં તેણે સળગીને આપઘાતનો પ્રયાસ કરી અમારી ફરજમાં રૂકાવટ કરી હતી. તેમ વધુમાં પ્રકાશભાઇ સોલંકીએ જણાવતાં આજીડેમ પીઆઇ એ. બી. જાડેજાના માર્ગદર્શનમાં હેડકોન્‍સ. એચ. આર. સોલંકીએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

બીજી તરફ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલા જયંતિભાઇ પરમારે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. તે બે ભાઇમાં મોટા હતાં અને પેરેલીસીસના દર્દીઓને ઘરે જઇ મસાજ-માલીસનું કામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઘટના અંગે જેનું આરોપીમાં નામ છે તે પુત્ર મોહિત પરમારે કહ્યું હતું કે-૧૯મીએ મારા માતા મધુબેનની પુણ્‍યતિથી હોઇ જેથી ઘર ખાલી કરી શક્‍યા નહોતાં. અમે ભાડે મકાન રાખી લીધુ હતું અને સામાન પણ પેક કરી લીધો હતો. આમ છતાં સમય ન અપાતાં મારા પિતાને માઠુ લાગી જતાં તે ફાકી ખાવા જવાનું કહી પેટ્રોલ લાવી સળગી ગયા હતાં અને સારવારમાં મૃત્‍યુ થયું હતું.

ઉલ્લેખનીયન છે કે મોહિત પરમારે મકાન ગીરવે મુકી ર૦રરમાં પંજાબ નેશનલ બેન્‍કમાંથી ૨૩ લાખની લોન લીધી હતી. આ પેટે તેમને ૨૮,૦૦૦નો હપ્‍તો આવી રહ્યો હતો. જેના સાત હપ્‍તા ભરપાઈ કરી દીધા હતા. પરંતુ બાદમાં મોહિતનો ધંધો વ્‍યવસ્‍થિત ન ચાલતાં તેર હપ્‍તા ચડી ગયા હતાં. આથી બેંક દ્વારા કાર્યવાહી કરી મિલ્‍કત જપ્‍તની કાર્યવાહી હાથ ધરાઇ હતી. તે વખતે જ આ બનાવ બન્‍યો હતો

(4:27 PM IST)