News of Monday, 21st April 2025
જૂગારને લગતી ગેમને પ્રોત્સાહન આપી કમાણીઃ રાજકોટના બે સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર સામે ગુના નોંધાયા
સાયબર ક્રાઇમ પોલીસે માલિયાસણના ધાર્મિક વાઘાણી અને રેલનગરના દીપ ગોસ્વામી સામે કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૧: સોશિયલ મિડીયાનો અનેક રીતે લોકો ઉપયોગ કરતાં હોય છે. અનેક સારા કામો આ માધ્યમ થકી થઇ શકે છે. પરંતુ જો આ માધ્યમનો ખોટો ઉપયોગ થાય તો પોલીસ કાર્યવાહીનો ભોગ બનવું પડે છે. શહેર સાયબર ક્રાઇમ પોલીસે બે સોશિયલ મિડીયા ઇન્ફલુએન્સર સામે જૂગારને લગતી ગેમને સોશિયલ મિડીયા પર પ્રોત્સાહન આપવા મામલે ગુના દાખલ કરાવી બંનેની ધરપકડની તજવીજ કરી હતી.
જાણવા મળ્યા મુજબ ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવા અંગે સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સર ધાર્મિક જગશીભાઈ વાઘાણી (ઉ.વ.૨૦, રહે. માલીયાસણ મેઈન બજાર, રાજકોટ) વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. સોશિયલ મીડીયા ઉપર ઓનલાઈન ગેમીંગનું પ્રમોશન કરતાં સોશિયલ મીડીયા ઈન્ફલુએન્સરને શોધી કાઢવાનું કામ સાયબર ક્રાઈમ પોલીસનું સોશિયલ મીડીયા મોનિટરિંગ સેલ કરે છે. જે દરમિયાન આ સેલે એક ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર એક ઓનલાઈન ગેમીંગને પ્રોત્સાહન અપાતું હોવાનું શોધી કાઢયું હતું. એ જ ઈન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ ગેમની લિન્ક પણ હતી. જેથી તે લિન્ક ઓપન કરતાં લોટરી સ્પોર્ટસ કેસીનો સ્લોટસ વગેરે પાટીંગ કસાના ગેમ્બલીંગ માટેનું પેઈજ ઓપન થયું હતું. પરિણામે તે ઈન્સ્ટાગ્રામ આઈડી ધારક ધાર્મિકને બોલાવી પુછપરછ કરતાં તેણે તે ગેમીંગના પ્રમોશન માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે તેના વિરૂધ્ધ જુગાર ધારાની કલમ ૧૨-એ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. સાથો-સાથ તેનો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બીજા એક સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર દીપ મનોજભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૩, રહે. તથ્ય બંગલો નં.૧૫, રેલનગર, રાજકોટ)ને મોબાઈલ ફોન સહિત સંદિગ્ધ સાહિત્ય સાથે ઝડપી લઈને તેના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. શહેર સાયબર ક્રાઈમ પોલીસે હાલમાં. સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન ગેમીંગનું પ્રમોશન કરતાં ઈન્ફલુએન્સરને શોધી કાઢવાની કવાયત શરૂ કરીછે. જેમાં આજે દીપ ગોસ્વામી નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક ઓનલાઈન ગેમીંગને પ્રોત્સાહન આપતી લિંક જોવા મળતા ઝીણવટભરી તપાસના અંતે રેલનગરમાં રહેતા દીપ ગોસ્વામીને શોધી કાઢીને પુછતાછ કરતા તેણે તે ગેમીંગના પ્રમોશન માટે રૂપિયા ચાર્જ કરતો હોવાનું જણાવ્યું હતું.
જેના આધારે તેના વિરૂધ્ધ જુગાર ધારાની કલમ ૧૨-એ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તેના ઈન્સ્ટાગ્રામ આઈડી પરની લિન્ક ઓપન કરતાં લોટરી, સ્પોર્ટસ, કેસીનો, સ્લોટસ વગેરે ઓનલાઈન જુગાર રમવા માટેનું પેઈજ ઓપન થયું હતું. તેનો મોબાઈલ ફોન પણ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસનીશ પીઆઈ એમ. એ. ઝણકાટે જણાવ્યું હતું કે ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવું ગુનો છે. જેના આધારે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પહેલી વખત સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે.
(2:57 PM IST)










