News of Monday, 21st April 2025
લાલપરીના પટમાં સરકારી જમીન ઉપર કોમર્શીયલ બાંધકામો ઉભા થઇ ગયાઃ બુલડોઝર ફેરવી દેવાયું
પ કરોડની જમીન ખુલ્લી કરાવતા પૂર્વ વિસ્તારના મામલતદાર ચાવડા, સર્કલ સત્યમ શેરસીયા

રાજકોટ, તા. ર૧: રાજકોટ કલેકટરની સુચના બાદ પુર્વ વિસ્તારના મામલતદારની ટીમે પ કરોડની પ૦૦ ચો.મી. જમીન પરનું દબાણ દુર કરવા બુલડોઝર ફેરવી દિધુ હતું. શહેર પુર્વ વિસ્તારમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે તથા નવાગામ જવાના રસ્તા નજીક પુલ નીચે લાલપરી નદીના પટમાં સરકારી જમીન થયેલ જમીન ચો.મી. પ૦૦ ઉપર આવેલ બિનઅધિકૃત બાંધકામ દુર કરવામાં આવેલ. જે જમીનની અંદાજે કિંમત પ કરોડ જેવી થાય છે. તેમ મામલતદાર કચેરીના સુત્રોએ ઉમેર્યુ હતું.
આ જમીન ઉપર તલાટી ગ્રુપ-ર ધારા વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા બાંધકામ દુર કરવાની નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ આમ છતા દબાણદાર દ્વારા બાંધકામ દુર ન કરતા આજ રોજ મામલતદાર એસ. જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, તલાટી ગ્રુપ-ર ધારા વ્યાસે ઉભા થઇ ગયેલા કોર્મશીયલ બાંધકામો હટાવ્યા હતા. આ સરકારી જમીન ઉપર KGN ચિકન અને ફિશ ની દુકાન, એક ગોડાઉન કાચું બાંધકામ તેમજ ટેમ્પરરી સ્ટ્રકટરનું દબાણ ઉભુ થયું હતું, જેના ઉપર બુલડોઝર ફેરવી દઇ જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(3:15 PM IST)










