News of Monday, 21st April 2025
ડ્રાઇવરે સ્પીડબ્રેકર પર બસ ઉલાળતાં વૃધ્ધ ધીરજલાલને મણકામાં ફ્રેકચર
સીટી બસ પછી હવે એસટી બસની બેદરકારી આવી સામે : પીડીએમ કોલેજ પાસે બનાવઃ ઉપલેટાના વૃધ્ધ દિકરી સાથે રાજકોટથી જુનાગઢ જતાં હતાં ત્યારે એસટીની ઇલેક્ટ્રીક બસમાં બનાવઃ ઓપરેશન કરાવવું પડયું: બસ ચાલક સામે ગુનો

રાજકોટ તા. ૨૧: શહેરમાં સીટી બસના ચાલકની બેદરકારી મામલે પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હવે એસટી બસના ચાલકની બેદરકારી સામે આવી છે. જેમાં રાજકોટ-જુનાગઢ રૂટની ઇલેક્ટ્રીક બસન નં. જીજે૦૧કેટી-૦૪૦૩ના ચાલક વિરૂધ્ધ માલવીયાનગર પોલીસે ઉપલેટાના વડાળી ગામના વૃધ્ધ ધીરજલાલ ઓધવજીભાઇ સોલંકી (ઉ.વ.૬૨)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે.
ખેતી કરી ગુજરાન ચલાવતાં ધીરજલાલ સોલંકીએ જણાવ્યું હતું કે હું ૧૫/૪ના રોજ મારી દિકરી સાથે રાજકોટથી જુનાગઢ જવા એસટી બસ પોર્ટ પહોંચ્યો હતો. ત્યાંથી અમે ઇલેક્ટ્રીક બસમાં બેઠા હતાં. હું અને દિકરી અલ્પાબેન રાજેશભાઇ ચાવડા બસમાં ચડયા ત્યારે કંડકટરે કહેલુ કે આગળની સીટીમાં રીઝર્વેશન છે તમે પાછળની ખાલી પડેલી સીટોમાં બેસજો. જેથી હું અને મારા દિકરી પાછળ બેસી ગયા હતાં. બસ જુનાગઢ જવા રવાના થઇ અને ગોંડલ રોડ પીડીએમ કોલેજ પાસે પહોંચી ત્યારે ડ્રાઇવરે સ્પીડ બ્રેકર આવ્યું ત્યારે બસ ધીમી પાડવાને બદલે જે સ્પીડમાં હતી એ જ સ્પીડમાં હંકારી સ્પીડ બ્રેકર ઠેકાડતાં હું બસની છેલ્લી હરોળની વચ્ચેની સીટમાં બેઠો હોઇ ત્યાંથી ઉછળીને પછડાતાં મારી કમરમાં ઇજા થઇ હતી.
મને એટલો દુઃખાવો થવા માંડયો હતો કે મેં બસ રોકો મારી કમર ભાંગી ગઇ એવી રાડો પાડી હતી. આથી ડ્રાઇવરે થોડે આગળ જઇ બસ રોકી હતી. ૧૦૮ બોલાવી હું સિવિલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તબિબી રિપોર્ટમાં કમરના મણકાનું ફ્રેકચર આવતાં ઓપરેશન કરાવવું પડયું હતું. ભાનમાં આવ્યા બાદ હવે મેં ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં ધીરજલાલે જણાવતાં માલવીયાનગરના એએસઆઇ એચ. ટી. પરમારે ગુનો નોંધી બસચાલક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. (૧૪.૧૧)
(3:56 PM IST)










