<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st April 2025

૪ લોકોના મોત માટે નિમિત ડ્રાઇવર શીશુપાલસિંહનું એક જ રટણ-બ્રેક મારતો'તો પણ લાગતી જ નહોતી!

ઇન્‍દિરા સર્કલે જીવલેણ અકસ્‍માત સર્જતા ટોળાના મારને લીધે ઇજા પહોંચી હતીઃ હોસ્‍પિટલમાંથી રજા અપાતાં ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી બ્રેક ફેઇલ થઇ જ નહોતી આરટીઓએ રિપોર્ટ આપ્‍યો છે, ડ્રાઇવરની બેદરકારી જ હતીઃ કોર્ટમાં રજૂ કરવા તજવીજ લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા આરટીઓમાં રિપોર્ટ કરીશું: બસની એજન્‍સીના સંચાલકોના પણ આજે નોંધાશે નિવેદનઃ ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી

રાજકોટ તા. ૨૧: શહેરમાં ગયા બુધવારે ઇન્‍દિરા સર્કલ પાસે ગોઝારી ઘટના સર્જાઇ હતી. જેમાં કાળમુખી સીટી બસના ચાલકે કાબુ ગુમાવતાં આ બસ સાતેક વાહનોને અને રાહદારીઓને ઉલાળીને આગળ એક કાર પાછળ અથડાઇને ઉભી રહી ગઇ હતી. આ ઘટનામાં ચાર નિર્દોષ લોકોના મૃતયુ નિપજ્‍યા હતાં. ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસે અલગ અલગ કલમો હેઠળ બસના ચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. તેમજ ચાલકને ટોળાએ બેફામ માર મારી ટ્રાફિક હેડકોન્‍સ્‍ટેબલની ફરજમાં રૂકાવટ કરી તે અંગે અલગથી એફઆઇઆર દાખલ થઇ હતી. સારવારમાં રહેલા બસ ચાલક  શિશુપાલસિંહ દીલુભા રાણા (ઉ.વ ૩૭ રહે. રતનપર, મોરબી રોડ રાજકોટ)ને ગઈકાલે સિવિલ હોસ્‍પિટલમાંથી રજા અપાતા ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી પુછતાછ કરતાં તેણે ‘હું બ્રેક મારતો હતો, પણ બ્રેક લાગતી જ નહોતી' તેવું રટણ કર્યુ હતું.

ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એસ.આર. મેઘાણીએ જણાવ્‍યું હતું કે ડ્રાઇવર શીશુપાલસિંહ રાણાને હોસ્‍પિટલમાંથી રજા અપાતાં ધરપકડ કરી લેવામાં આવી છે. તેણે પુછતાછમાં એક જ રટણ કર્યુ છે કે હું બસમાં બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી. તેનું ડ્રાઇવીંગ લાયસન્‍સ એક્‍સપાયર થઈ ગયું હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી  ન હોઇ સિટી બસ એજન્‍સીના જવાબદારોને પણ અમે પોલીસ સ્‍ટેશનમાં હાજર થવા નોટીસ પાઠવી છે. આજે બપોર બાદ એજન્‍સીના સંચાલકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી થશે.  જ્‍યારે બસ ચાલકને આજ બપોર બાદ કોર્ટહવાલે કરવામાં આવશે.

નોંધનીય છે કે ગયા બુધવારે સવારે ઇન્‍દિરા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ ખુલતાં ધીમે ધીમે વાહનચાલકો આગળ વધ્‍યા ત્‍યારે પાછળથી અચાનક બેફામ ઝડપે સીટી બસી કાળ બનીને ધસી આવી હતી અને સાતેક વાહનોને ઉલાળી દેતાં ચાર લોકોના મોત થયા હતાં અને છએક લોકોને ઇજા પહોંચી હતી.  આ ઘટનાને પગલે રોષે ભરાયેલા લોકોના ટોળાએ સીટી બસના ચાલક શીશુપાલસિંહ રાણાને બેફામ મારકુટ કરી હતી તેમજ તેને બચાવવા વચ્‍ચે પડેલા ટ્રાફિક શાખાના હેડકોન્‍સ્‍ટેબલ પર પણ ટોળુ તુટી પડયું હતું અને ફરજમાં રૂકાવટ કરી હતી. બસ ચાલક શિશુપાલસિંહને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરી પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો. ગત સાંજે તેને હોસ્‍પિટલમાંથી રજા મળતાં જ તેની ધરપકડ કરી લેવાઇ હતી. તેની સામે સાપરાધ મનુષ્‍યવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

પીઆઇ એસ. આર. મેઘાણીએ કહ્યું હતું કે બસચાલકે પોતે બ્રેક મારતો હતો પણ બ્રેક લાગતી નહોતી તેવું રટણ કર્યુ છે. અમે આરટીઓ પાસે બસનું ઇન્‍સ્‍પેક્‍શન કરાવતાં તેમાં બ્રેક ફેઇલ કે બીજી કોઇ મિકેનીકલ ખામી જણાઇ આવી નથી. બસ ચાલકની બેદરકારી જ હોવાનું જણાયું છે.  બસચાલક શિશુપાલ સિંહનું લાયસન્‍સ એક મહિના પૂર્વે એક્‍સપાયર થઈ ગયું હોવા છતાં આ બાબતે કોઈએ કેમ ખરાઈ ન કરી અને આ બેદરકારી દાખવવા પાછળ કોણ જવાબદાર તે નક્કી કરવા પીએમઆઈ અને તેની પેટા કોન્‍ટ્રાક્‍ટ કંપની  વિશ્વમ એજન્‍સીના જવાબદારોના પોલીસ નિવેદન નોંધશે.  તપાસને અંતે બેદરકારી દાખવનાર બસ એજન્‍સીના જવાબદાર અધિકારી કે કર્મચારી રૂધ્‍ધ પણ કાર્યવાહી થઇ શકે છે. તેમજ બસચાલકનું લાયસન્‍સ સસ્‍પેન્‍ડ કરવા અમે આરટીઓને રિપોર્ટ કરીશું.

(4:09 PM IST)