News of Monday, 21st April 2025
મનપામાં ભરતીનો ફેક મેસેજ સોશ્યલ મિડિયામાં વાયરલઃ તંત્ર ઉંધામાથે
આ પ્રકારની કોઇ ભરતી નથીઃ છેતરપીંડીનો ભોગ ન બનવા તંત્રવાહકોની અપીલ

રાજકોટ તા. ૨૧: બેરોજગારીના જમાનામાં યુવા વર્ગ નોકરી માટે ચારેય તરફ ફાંફા મારતો હોય છે. જેનો ગેરલાભ પણ લેભાગુઓ લઈ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો બનવા પામ્યો છે. ગઈકાલથી વોટ્સએપ અને સોશિયલ મીડિયા ઉપર મેસેજ વાયરલ થયા છે. જેમાં કોર્પોરેશનમાં ફક્ત મહિલાઓની બીલ બનાવવા તેમજ કોમ્પ્યુટરને લગતા કામો માટે ભરતી કરવાની છે. પગાર રૂા.૨૨ હજાર મળશે તેવા મેસેજના પગલે અનેક અરજદારો દ્વારા આ મુદ્દે કોર્પોરેશનમાં તપાસ કરતા આ પ્રકારની કોઈ જાતની ભરતી હાલમાં ચાલુ ન હોવાનું જાણાવ્યું હતું અને લેભાગુઓ દ્વારા ભરતી મુદ્દે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં ન આવે તે માટે આ પ્રકારની છેતરપીંડીનો ભોગ લોકોએ ન બનવું તેવી અપીલ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજમાં હિયરીંગ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફિમેલ કેન્ડીડેટ ફોર ફાઈલ એન્ડ બીલ ચાર્જ ડેટા એન્ટ્રી સેલેરી ૧૨ હજારથી ૨૨ હજાર અને પાંચ વર્ષ માટે નોકરી મળશે તેવો મેસેજ વાયરલ થતાં અગાઉ અરજી કરેલા ઉમેદવારો કે જેઓ કે જેમને નોકરી મળેલ ન હોય તેવા ફિમેલ ઉમેદવારોએ આ જાહેરાત વાંચ્યા બાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરતા આ ફેક મેસેજ હોવાનું બહાર આવ્યું છે. મનપાના જણાવ્યા મુજબ હાલમાં આ પ્રકારની કોઈ જાતની ભરતી વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કરવામાં આવતી નથી. આથી આ પ્રકારની ભરતીની જાહેરાત કરી અમુક લેભાગુ તત્વો દ્વારા આગામી સમયમાં તેનું ફોર્મ વિતરણ કરી અરજદારો પાસેથી પૈસા પડાવવામાં આવે તેવું લાગતા મનપાએ આ પ્રકારના ફેક મેસેજથી સાવધાન રહી છેતરપીંડીનો ભોગ ન બનવાની અપીલ કરવામાં આવી છે.
મનપાના સુત્રોના જણાવ્યા મુજબ મહેકમ વિભાગ દ્વારા દર વખતે ભરતીની જાહેરાત કરવામાં આવતી હોય છે. મોટાભાગના વિભાગોમાં ડેટા ઓપરેટર તેમજ કોમ્પ્યુટર પર કામ કરતા તમામ કર્મચારીઓ કોન્ટ્રાક બેઝથી લેવામાં આવી રહ્યા છે. કર્મચારીઓની ડિમાન્ડ હોય ત્યારે મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ અમુક વર્ષો પહેલા આ પ્રકારની ભરતી અને તેના ફોર્મ વેચવાનું કારસ્તાન ઝડપાયું હતું. તે પ્રકારની છેતરપીંડી ફરી વખત અમુક શખ્સો દ્વારા કરવામાં આવી હોય અને તેઓએ આ પ્રકારનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. આથી આ પ્રકારના ફેક મેસેજને સત્તાવાર ન માનવાની અપીલ કરવામાં આવી છે.
(4:28 PM IST)










