News of Tuesday, 22nd April 2025
આર્યસમાજનો સ્વર્ણિમ જયંતી મહોત્સવઃ વિવિધ કાર્યક્રમો
તા.૨૬ અને ૨૭મીએ ૧૫૦ કુંડી યજ્ઞ, ભજન, પ્રવચન, મહાપ્રસાદ વગેરે આયોજનઃ લાભ લેવા આમંત્રણ

આર્યસમાજ રાજકોટના પ્રમુખ નટવરસિંહ પરમાર, મંત્રી વિજયભાઇ બોરીચા અને માહિતી ખાતાના કચેરી અધિક્ષક શૈલેષભાઇ ગોહેલએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને સંસ્થાના સ્વર્ણિમ જયંતી મહોત્સવનું આમંત્રણ આપેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ અભિજિત બગથરિયા)
રાજકોટ તા. રરઃ આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રની જાણીતી સંસ્થા આર્યસમાજ, હાથીખાના, રાજકોટની સ્થાપનાને પ૦ વર્ષ પૂર્ણ થતા તા. ર૬ અને ર૭ એપ્રિલ (શનિ-રવિવારે) ક્રિષ્ના પાર્ટી પ્લોટ, મવડી બાયપાસ પાળ રોડ, મવડી ખાતે સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તે નિમિતે પ્રથમ દિવસે સાંજે ૧પ૦ કુંડી યજ્ઞ, ભજન, પ્રવચન અને પ્રસાદનું આયોજન છે. બીજા દિવસે સાંજે ભજન, અતિથિ સત્કાર, પ્રવચન, ભોજન પ્રસાદ વગેરે યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રાંત આર્ય પ્રતિનિધિ સભાના વડા શ્રી સુરેશચંદ્ર આર્ય તથા અતિથિ તરીકે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. રોજકોટ આર્ષ કન્યા ગુરૂકુલના અધ્યક્ષા આચાર્યા શિતલજી પણ ઉપસ્થિત રહેશે.
આર્યસમાજ રાજકોટના અગ્રણીઓએ અકિલાના આંગણે જણાવેલ કે, આર્યસમાજ હાથીખાનાની પ૦મી સ્વર્ણ જયંતી મહોત્સવની શ્રૃંખલામાં આર્યસમાજ હાથીખાના તથા આર્યસમાજ માયાણીનગર રાજકોટ દ્વારા તારીખ ર૬ તથા ર૭ એપ્રિલના રોજ સ્વર્ણ જયંતી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આર્ય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે એટલે સૃષ્ટિના આરંભથી વૈદિક વ્યવસ્થા હતી પણ મહાભારત કાળ પછી આર્ય સંગઠિત ન રહ્યા અને રૂઢિઓ અને અંધવિશ્વાસના કારણે જન સમુદાય અનેક મત પંથ કે અનેક સંપ્રદાયોમાં વિભકત થઇ ગયા. આ દુષણને દૂર કરવા અને વિભકત સમાજને પુનઃ સંગઠિત કરવા માટે માનવમાત્રની સર્વાંગી ઉન્નતિની પ્રવિત્ર ભાવનાથી યુગ પ્રવર્તક શ્રી મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીજીએ તા. ૦૭ એપ્રિલ ૧૮૭પ ચૈત્ર સુદ ૧૧વિ.સં. ૧૯૩૧ના રોજ મુંબઇમાં આર્યસમાજ જેવા મહાન સંગઠનની સ્થાપના કરી પાછલા ૧પ૦ વર્ષોમાં આર્યસમાજે સામાજિક તથા આધ્યાત્મિક ચેતના જગાવવાનો પ્રયાસ કરેલ છે.સંપૂર્ણ જન સમાજની સર્વ વિકૃતિઓ, દુષણો અને અંધવિશ્વાસથી ભરેલ વિવિધ માન્યતાઓને દૂર કરીને માનવ સમાજને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય આર્યસમાજનું કાર્યક્ષેત્ર છે. તારીખ ર૬ એપ્રિલ ર૦રપ (શનિવાર) ૧પ૦ કુંડી યજ્ઞ સાંજે પ વાગ્યેથી ભજન, પ્રવચન સાંજે ૬-૩૦ થી ૭-૩૦ કાર્યક્રમમાં આર્ય પરિવારો તથા દરેક ધાર્મિક ભાઇ-બહેનોને લાભ લેવા આર્ય સમાજે જાહેર નિમંત્રણ પાઠવેલ છે. તેમ પ્રમુખ નટવરસિંહ પરમાર અને મંત્રી વિજયભાઇ બોરીચા જણાવે છે.
૧પ૦ કુંડી યજ્ઞમાં કોઇપણ વ્યકિત સજોડે અથવા બે બહેનો કે બે ભાઇઓ યજમાન બની શકે છે. તે માટે પ્રમુખશ્રી નટવરસિંહ પરમાર મો. નં. ૯૪ર૯પ ૭પ૧૧૩ ઉપર નામ નોંધાવી શકાય છે.
(2:26 PM IST)










