તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
બસ સ્ટેશન પાછળ દૂકાનમાં પિતા સાથે રહી કોમ્પ્યુટર રીપેર કરતો ૧૬ વર્ષનો સગીર ગૂમઃ અપહરણનો ગુનો
રવિવારે સવારે સગીર નજીકની નાસ્તાની દુકાનના કર્મચારીને પોતે બહારગામ જઇ રહ્યો છે તેવી વાત કરતો હતોઃ એ-ડિવીઝન પોલીસે ભાવેશભાઇ ટાંકની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૨: એસ ટી બસ સ્ટેશન પાછળ કોમ્પ્યુટર રીપેરીંગની દુકાન ધરાવતાં અને દુકાનમાં જ રહેતાં વેપારીનો તેની સાથે જ રહેતો ૧૬ વર્ષનો દિકરો રવિવારે સવારે દુકાનમાંથી નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં અને શોધખોળ કરવા છતાં નહિ મળતાં તેમજ તેનો ફોન પણ બંધ આવતો હોઇ પોલીસને જાણ કરી છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ઢેબર રોડ એસટી બસ પોર્ટ પાછળ સીટી પેલેસ હોટલ અને શિવશક્તિ ટ્રાવેલ્સની બાજુમાં ધૈર્ય ઇન્ફોસીસ નામે દુકાન નંબર-૨માં રહેતાં અને ત્યાં જ કોમ્પ્યુટર રીપેરીંગને લગતું કામ કરતાં ભાવેશભાઇ મનહરલાલ ટાંક (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી તેના ૧૬ વર્ષના દિકરાના અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાવેશભાઇ ટાંકે જણાવ્યું છે કે મારા લગ્ન પચ્ચીસ વર્ષ પહેલા ગોંડલ ખાતે થયા હતાં. દસેક વર્ષ પહેલા મારા પત્નિ મને છોડીને જતાં રહ્યા છે. મારી દિકરી સાસરે છે અને ૧૬ વર્ષનો દિકરો મારી સાથે દુકાનમાં રહી તે પણ કોમ્પ્યુટરને લગતા કામમાં મને મદદ કરે છે. ૧૯/૪ના રાતે સાડા અગિયારેક વાગ્યે હું અને દિકરો કામ પુરુ કરી ઉંઘી ગયા હતાં. મને દાંતમાં દુઃખાવો થતો હોઇ મોડી રાત સુધી ઉંઘ આવી નહોતી. ૨૦/૪ના રવિવારે સવારે સાડા ચારેક વાગ્યે નિંદર આવી ગઇ હતી. ત્યારે દિકરો દુકાનમાં જ સુતેલો હતો.
સવારે દસેક વાગ્યે મંગાળ રોડ પર શિવાય બીઝ નામે કોમ્પયુટર રીપેરીંગની દુકાન ધરાવતાં વિમલભાઇ ગોંડલીયા મારી દુકાને કોમ્પ્યુટર રીપેર કરાવવા આવતાં તેણે શટર ખોલતાં હું જાગ્યો હતો. ત્યારે દિકરો દુકાનમાં ન હોઇ તે આજુબાજુમાં ફ્રેશ થવા કે નાસ્તો કરવા ગયાનું મને લાગ્યુ હતું. પરંતુ સાડા અગિયાર થવા છતાં તે ન આવતાં અને તેનો ફોન પણ બંધ આવતાં મેં દુકાન પાસે પાંચેક મહિનાથી ઓટલા પર સુઇ રહેતાં બાપાને મારા દિકરા વિશે પુછતાં તેણે કહેલું કે તે સામે ચામુંડા પાન પાસે સવારે પોણા આઠેક વાગ્યે હતો. જેથી મેં પાનવાળાને પુછતાં તેણે તમારો દિકરો સામે બંસીધર નાસ્તાની દુકાને ગયો હતો. આથી મેં ત્યાં પુછતાં ત્યાંના કર્મચારીએ કહેલુ કે તમારો દિકરો બહારગામ જવાની વાત કરતો હતો, પણ ક્યાં જવું છે તે કહ્યું નહોતું.
આ પછી મેં બસ સ્ટેશનની આજુબાજુની દુકાનો, હોટેલો, બસ સ્ટેશનની અંદર તપાસ કરી હતી. પણ મારો દિકરો ક્યાંય મળ્યો ન હોઇ પોલીસને જાણ કરી હતી. એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં હેડકોન્સ. લાભુભાઇ જતાપરાએ સગીર ગૂમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (૧૪.૭)
(2:40 PM IST)










