તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 22nd April 2025
સિવિલ હોસ્પિટલમાં એક્સ-રે રૂમ પાસે વાયરીંગની પેટી સળગીઃ ધૂમાડાનો ગોટેગોટા-દર્દીઓ, સગાઓમાં નાસભાગ
દર્દી સ્ટ્રેચર મુકીને ભાગ્યાઃ અન્નક્ષેત્ર દ્વારા વધારાની વિજળીની લાઇન ખેંચવામાં આવતાં ઓવરલોડ થઇ ગયાની શક્યતા

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીની બાજુમાં જ આવેલા ૨૧ નંબરના એક્સ-રે રૂમ પાસે બપોરે એકાએક ઇલેક્ટ્રીક વાયરીંગની પેટીમાં ભડકો થતાં અને ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડતા નાસભાગ મચી ગઇ હતી. અચાનક શોર્ટ સરકિટ થતાં અહિ એક્સ-રે માટે આવેલા દર્દીઓ અને દર્દીઓના સગામાં નાસભાગ મચી ગઇ હતી. અમુક દર્દીઓ સ્ટ્રેચરમાંથી ઉતરીને જીવ બચાવી ભાગ્યા હતાં. એક્સ-રે વિભાગના જવાબદારે ત્યાં મુકાયેલા અગ્નિશમનના સાધન વડે આગ બુઝાવી નાખતા સદ્દનસિબે મોટી દુર્ઘટના અટકી હતી. ચર્ચા મુજબ આ વિજળીના વાયરોની પેટીમાંથી અન્નક્ષેત્ર માટે વધારાની લાઇન ખેંચવામાં આવી હોઇ તેના કારણે ઓવરલોડીંગ થઇ જતાં શોર્ટ સરકિટ થયું હતું. અમરનાથ યાત્રાના સર્ટિફિકેટ કઢાવવા માટેની કામગીરી હાલ ચાલુ હોઇ જેથી એક્સ-રે વિભાગ પાસે મોટા પ્રમાણમાં લોકો હાજર હતાં. ઓચીંતા શોર્ટ સરકિટ અને ધૂમાડાના ગોટા નીકળવા માંડતા આ બધા ભાગ્યા હતાં. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકંડીયા, સિનિયર અધિકારી ડો. મહેન્દ્ર ચાવડા, આરએમઓ ડો. દુસરાને એક્સ-રે વિભાગના હેડ દ્વારા જાણ કરવામાં આવી હતી. તસ્વીરમાં શોર્ટ સરકિટને પગલે ધૂમાડાના ગોટા નીકળ્યા તે તથા એક્સ-રે રૂમ પાસે દર્દીઓ, તેમના સગાની કતારો જોઇ શકાય છે. (૧૪.૧૦)
(3:40 PM IST)










