<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

લ્‍યો હવે સગીરોમાં પણ લગ્ન નોંધણી કરાવવા હોડ ! મનપા દ્વારા ૧૧૯ યુગલો બ્‍લેક લીસ્‍ટ

લગ્નવય કરતા ઓછી ઉમરે મેરેજ કરવાના કિસ્‍સામાં વધારોઃ છેલ્લા ૪ માસમાં સૌથી વધુ ર૯ કપલ મેરેજ રજીસ્‍ટર કરાવવા પહોંચ્‍યા ર૦ર૪માં ૯૦ તથા એપ્રિલ ર૦રપ સુધીના સગીર યુગલોની અરજીને બ્રેક

રાજકોટ, તા. ૨૨: મહાનગરપાલિકાના મેરેજ રજીસ્‍ટાર વિભાગમાં આખુ વર્ષ દરમિયાન સતત ટ્રાફિક જોવા મળતો હોય છે. મેરેજ સર્ટીનો ઉપયોગ અન્‍ય વિભાગોમાં વધતા લગ્ન બાદ તુરંત મેરેજ સર્ટી કઢાવવાનો આગ્રહ નવયુગલો રાખતા હોય છે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન સગીર વયના યુવક યુવતિઓએ લગ્ન કરી મેરેજ રજીસ્‍ટાર વિભાગમાં અરજી કરતા ઉંમર ઓછી હોવાનું બહાર આવતા વિભાગ દ્વારા આ પ્રકારના ૧૧૯ કપલોને બ્‍લેક લિસ્‍ટ કરવામાં આવ્‍યા છે. છેલ્લા ચારમાસમાં જ સૌથી વધુ ૨૯ સગીરોએ લગ્ન કર્યા બાદ મેરેજ સર્ટી માટે અરજી કરી હોવાનું બહાર આવ્‍યું છે.

મનપાના લગ્ન વિભાગમાં મેરેજ સર્ટી માટે આવતા મોટા ભાગના યુગલો પારંપારીક રીતે લગ્ન કર્યા બાદ સર્ટી કઢાવા માટે આવતા હોય છે. નિયમ મુજબ યુગલો દ્વારા લગ્નનું સ્‍થળ તેમજ બન્નેના માતા-પિતાની સંમતિ સહિતના ડોકયુમેન્‍ટ ફરજિયાત કરવામાં આવ્‍યા છે. રજીસ્‍ટાર ઓફિસમાં આવતા યુગલોએ કયા સ્‍થળે લગ્ન કર્યા તે દર્શાવવુ ફરજિયાત છે. પરંતુ પ્રેમ લગ્ન કરનાર એટલે કે ઘરેથી ભાગીને મંદિરમાં અથવા અન્‍ય કોઈ સ્‍થળે લગ્ન કરી લીધા હોય અને ત્‍યાર બાદ મેરેજ સર્ટીની જરૂરિયાત ઉભી થાય ત્‍યારે આ પ્રકારના યુગલો દ્વારા મનપાના મેરેજ  રજીસ્‍ટાર વિભાગમાં અરજી કરવામાં આવતી હોય છે. જેના લીધે ડોકયુમેન્‍ટ ચકાસણી દરમિયાન પ્રથમ પતિ અને પત્‍નીની ઉંમર ચેક કરવામાં આવે છે. જેમાં ૨૦૨૪ના એક વર્ષ દરમિયાન ૯૦ યુગલો કે જેની ઉંમર કરતા ઓછી હોવાનું જાણવા મળેલ આ તમામ કિસ્‍સામાં મોટેભાગે યુવકની ઉંમર ઓછી હોવાનું નોંધવામાં આવ્‍યું છે. અમુક કિસ્‍સામાં યુગલોને સંતાન થઈ ગયા બાદ મેરેજ સર્ટી માટે અરજી કરવામાં આવી હતી અને પુછપરછ દરમિયાન તેઓએ અમારી ઉંમર ૨૫ વર્ષથી વધુ છે. તેમ જણાવેલ પરંતુ લગ્ન સમયે તેઓ સગીર હોવાથી આ પ્રકારની તમામ અરજીનો અભ્‍યાસ કરી ૨૦૨૪ના એક વર્ષ દરમિયાન આવેલ ૯૦ અરજી અને ૨૦૨૫ના એપ્રીલ માસ સુધીમાં આવેલ ૨૯ અરજી અમાન્‍ય રાખી તમામ કપલોના નામ સાથેના ડોકયુમેન્‍ટને સેવ કરી બ્‍લેક લીસ્‍ટમાં મુકવામાં આવ્‍યા છે.

 મનપાના આરોગ્‍ય અધિકારીના જણાવ્‍યા મુજબ રાજકોટની હદમાં લગ્ન કરેલા હોય અને મનપાની લગ્ન રજીસ્‍ટાર કચેરીમાં અરજી કરી હોય તેવા ૧૧૯ કપલોને અત્‍યાર સુધી બ્‍લેક લીસ્‍ટ કરાયા છે. છતાં અમુક યુગલો દ્વારા ગ્રામ્‍ય પંચાયતોમાં લગ્ન નોંધણી સર્ટી માટે અરજી કરી પૈસાની લેતી-દેતી કરી મેરેજ સર્ટી કઢાવી લીધાનું જાણવા મળેલ છે. છતાં મનપા દ્વારા બનાવવામાં આવેલ સોફટવેરમાં સગીર વયના યુવક-યુવતિઓએ લગ્ન કરેલા હોય તે માન્‍ય રહેતા નથી અને આ પ્રકારના યુગલો દ્વારા કરવામાં આવેલ અરજી નામંજુર કરી તેમને બ્‍લેક લીસ્‍ટમાં મુકવામાં આવી રહ્યા છે.

(3:46 PM IST)