<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

૧૦ વર્ષની હેમુને કાચ લાગતા આંતરડા બહાર આવી ગયાઃ સિવિલના તબિબોએ જીવ બચાવ્‍યો

ન્‍યારી ડેમમાં ન્‍હાવા પડતાં ઘટના બની હતીઃ સર્જરી વિભાગના ડો. જીજ્ઞેશ દવે, ડો. રંગપરીયા સહિતની ટીમનો બાળકીના પરિવારે આભાર વ્‍યક્‍ત કર્યો

રાજકોટ તા. ૨૨: સિવિલ હોસ્‍પિટલમાં સર્જરી વિભાગના તબિબોએ વધુ એક બાળ દર્દી પર ત્રણ કલાક સુધી સર્જરી કરી તેનો જીવ બચાવી લીધો હતો. મોટામવા વિસ્‍તારમાં રહેતી ૧૦ વર્ષની બાળકી  કેતના ઉર્ફ હેમુ ચિકુભાઈ મંદુરિયા પરમ દિવસે બપોરે ન્‍યારી ડેમમાં ન્‍હાવા પડી હતી ત્‍યારે પેટના ભાગે કાચ વાગી જતાં આંતરડા બહાર આવી ગયા હતાં. માસુમ બાળકીને ગંભીર ઈજા પહોંચતા તાત્‍કાલીક સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહિ બાળકીની હાલત જોતાં તુરત ઇમર્જન્‍સી વિભાગમાંથી સર્જરી વિભાગમાં રીફર કરી ત્‍યાંના યુનિટ હેડ ડો. જીજ્ઞેશ દવેને વાકેફ કરવામાં આવ્‍યા હતાં.

ડો. જીજ્ઞેશ દવે અને તેમની ટીમના ડો. નિર્દેશ રંગપરીયા બાળકીના તત્‍કાળ રિપોર્ટ કરાવ્‍યા હતાં. કાચ લાગી જતાં આંતરડા બહાર આવી ગયા હોઇ તુરત જ ઓપરેશન માટે લઇ જવાઇ હતી અને ત્રણેક કલાક સર્જરી કરી બાળકીનો જીવ બચાવી લીધો હતો. આ બાળકી તેની માતા સાથે બકરા ચરાવવા ગઇ હતી અને ગરમી લાગતાં ન્‍હાવા પડી ત્‍યારે પેટમાં કાચ ખૂંપી જતાં પેટ ચિરાઇ ગયું હતું અને આંતરડા બહાર આવી ગયા હતાં. તબિબોની ટીમે આ બાળકીનો જીવ બચાવી લેતાં પરિવારજનોએ તબિબી સ્‍ટાફ અને મદદમાં રહેલા નર્સિંગ સ્‍ટાફ, ઓપરેશન થીએટરના સ્‍ટાફનો આભાર માન્‍યો હતો. તસ્‍વીરમાં બાળકીને ઇજા થતાં બહાર નીકળી ગયેલા આંતરડા અને ઓપરેશન બાદનું દ્રશ્‍ય જોઇ શકાય છે.

(3:50 PM IST)