News of Wednesday, 23rd April 2025
હૃદયરોગના હુમલાથી ગાંધીગ્રામના નોશાદભાઇ અને ખોડિયારનગરના હેમુભાના મૃત્યુ નિપજ્યા
નોૈશાદભાઇ રૈયા ચોકડીએ દુકાને અને નારૂભા ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલમાં દમ તોડયોઃ વિવેકાનંદનગરના વૃધ્ધ શિવાભાઇનું ઓપરેશન કરાવાયા બાદ મૃત્યુ

રાજકોટ તા. ૨૩: હૃદય રોગના હુમલાથી વધુ બે લોકોની જિંદગીનો અંત આવી જતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. જ્યારે એક વૃધ્ધનું આંતરડાનું ઓપરેશન કરાવાયા બાદ તબિયત બગડતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ ભારતીનગર-૧માં રહેતાં નોૈશાદભાઇ મુબારકઅલી અંસારી (ઉ.વ.૫૧) નામના પ્રોૈઢ રૈયા ચોકડીએ કિસ્મત હોટલ ઉપરના ભાગે આવેલી પોતાની ઇલેક્ટ્રોનીક ચીજવસ્તુની દુકાને હતાં ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.
બીજા બનાવમાં ગોંડલ રોડ ખોડિયારનગર-૧૦માં રહેતાં હેમુભા નારૂભા ડાભી (ઉ.વ.૫૮) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ ત્રણ બહેન અને ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે નવાગામ કારખાનામાં પ્રાઇવેટ નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૫માં રહેતાં શીવાભાઇ રવજીભાઇ લીલા (ઉ.વ.૮૩)ને ગત પંદરમીએ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં આંતરડાનું ઓપરેશન કરાવાયા બાદ તબિયત બગડતાં ગઇકાલે જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભગીરથસિંહે ગાંધીગ્રામ, માલવીયાનગર અને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.
એએસઆઇ રામશીભાઇ વરૂની સમજાવટથી ચક્ષુદાન
રવજીભાઇના ચક્ષુનું દાન કરવા હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂએ પરિવારજનોને જણાવતાં સ્વજનોએ ચક્ષુદાન કરી સ્તુત્ય પગલુ ભર્યુ હતું. (૧૪.૫)
(11:59 AM IST)










