News of Wednesday, 23rd April 2025
‘બાળક બીજાનું હતું એટલે તે પડાવી નાંખ્યું'...રાજકોટના ગાયીકા અલ્પાબેનને મોરબીમાં પતિ-સાસરિયાનો ભારે ત્રાસ
લગ્નના થોડા જ દિવસ બાદ સાસુ-સસરાએ કહ્યું તારો પતિ તેજસ દારૂ પીવાની ટેવ ધરાવે છે તેને સાચવી લેજેઃ પતિ દારૂ ઢીંચી શંકા કરી વારંવાર મારકુટ કરતોઃ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને પણ ફોન કરી કામ ન આપવા ગાળો દેતોઃ પાંચ વખત રિસામણે આવી સમજાવટથી ફરી સાસરે ગઇ પણ ત્રાસ ઓછો ન થયો : એક વર્ષથી તેણી માવતરે હોઇ પતિ વ્હોટ્સએપમાં મેસેજ, વિડીયો કોલ કરી ગાળો દઇ કહે છે-તું તારી રીતે રહેજે હવે મેં બીજી ગોતી લીધીઃ સાસુ-સસરા-નણંદો-દિયર પણ તેજસનો સાથ આપતાં: મહિલા પોલીસે અલ્પાબેન રાવલની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: રાજકોટ માવતર ધરાવતી અને મોરબીમાં સાસરૂ ધરાવતી તેમજ પતિ-સાસરીયાના ત્રાસને કારણે એકાદ વર્ષથી રાજકોટ રહેતી ગાયીકાએ મોરબી રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે ફોર્ચ્યુન હોટેલ પાછળ જેનીશ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧માં રહેતાં ગાયીકા-સીંગર અલ્પાબેન તેજસભાઇ રાવલ (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી મોરબીના સકતશનાળા ગામે રહેતાં તેણીના પતિ તેજસ રાવલ, સસરા રાજેશભાઇ રાવલ, સાસુ મધુબેન, નણંદો અંકિતાબેન, પૂનમબેન અને દિયર ધ્રુવિલ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
અલ્પાબેને જણાવ્યું છે કે હું હાલ માતા ક્રિષ્નાબેન સાથે એકાદ ર્વાથી રહુ છું. મારા પિતા હયાત નથી. હું સિંગર તરીકે કામ કરુ છું. મારા લગ્ન વર્ષ ૨૦૨૩માં મોરબીના તેજસ રાજેશભાઇ રાવલ સાથે જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયા છે. લગ્ન થયા ત્યારે હું, પતિ તેજસ, મારા સાસુ-સસરા, નાના નણંદ અંકિતા એમ બધા સાથે રહેતાં હતાં. મોટા નણંદ પૂનમબેન તેના પતિ સાથે અમારા ઘરની બાજુમાં જ રહેતાં હતાં. લગ્નના થોડા સમય બાદ મારા સાસુ-સસરાએ કહેલું કે-તેજસને પીવાને ટેવ છે, તમે સાચવી લેજો. ત્યારે મેં કહેલુ કે તમારે લગ્ન પહેલા આ ચોખવટ કરાય ને તો હું લગ્ન ન કરત. આ કારણે અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી.
લગ્નના દોઢેક મહિના બાદ પતિ દારૂ પી ઘરે આવતાં મેં તેને ક્યાં પીને આવ્યા છો? તેમ પુછતાં તેણે તું કોણ પુછવાવાળી, મને મારા મા-બાપ પણ કંઇ કહેતા નથી કહી ગાળો દેતાં મેં તેને સમજાવી સુવડાવી દીધા હતાં. બાદ મેં સાસુ-સસરાને વાત કરતાં તેણે કહેલુ હવે તારે જ તેને સાચવવાનો છે. પતિ પછી અવાર-નવાર વધુ નશો કરી ઘરે આવી મારી સાથે ગાળાગાળી મારામારી કરતો હોઇ હું સમજાવીને તેને સુવડાવી દેતી હતી. એક દિવસ પતિ ફુલ દારૂ પીને આવતાં જઘડો થતાં મને ધક્કો મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી મેં મારા માતા-ભાભીને જાણ કરતાં તે મને તેડવા આવ્યા હતાં. લગ્નના બે મહિના બાદ પહેલીવાર હું રાજકોટ આવી હતી. એ પછી પંદર દિવસ બાદ તેજસ અને મારી નણંદ અંકિતા, સસરા રાજેશભાઇ બધા મારા ઘરે આવેલા અને હવે પછી આવુ નહિ થાય, તેજસ દારૂ નહિ પીવે તેમ કહી સમજાવી મને તેના ઘરે તેડી ગયા હતાં.
તેજસે થોડા દિવસ દારૂ પીવાનું મુકી દીધુ હતું. પછી ફરીથી પીવા માંડયો હતો. મોડી રાતે ઘરે આવી મારે બીજા પુરૂષો સાથે સંબંધ છે તેવી શંકા કરી મને માર મારી મોડી રાતે ઘરમાંથી ધક્કા દઇ કાઢી મુકી હતી. મેં ફરી મારા માતાને ફોન કરી જાણ કરતાં તે મોડી રાતે મને મોરબીથી રાજકોટ તેડી ગયા હતાં. મારે જ્યાં ઇવેન્ટ હોય ત્યાં ઓર્ગેનાઇઝરને પણ તેજસ ફોન કરી મારા વિશે જેમ તેમ બોલી મને કામ નહિ આપવાનું કહી ગાળો દેતો હતો. એક વખત હું રાજકોટથી મોરબી ઇવેન્ટમાં જતી હતી ત્યારે મોરબી રોડ પર ખજુરા હોટલ પાસે તેજસે તેની ગાડીથી મારી ગાડીને ટક્કર મારી ઉભી રખાવી હતી. પછી તેણે ગાડીમાંથી ઉતરીને મને ગાળો દીધી હતી. મેં સાસુ-સસરાને જાણ કરતા તેણે પણ મને તું રોડ પર આબરૂના ધજાગરા કરે છે ઘરે આવતી રહે તેમ કહી ગાળો દીધી હતી અને કહેલુ કે તેજસ દારૂ પીવે છે તે તને ખબર જ છે. આ વખતે રિક્ષાવાળા ભાઇઓએ તેજસને સમજાવ્યો હતો.
બાદ હૂ઼ ત્યાંથી ઇવેન્ટમાં જવા નીકળી ગઇ હતી. હું પતિ, સાસુ, સસરા, દિયર ધ્રુવીલ, નણંદ અંકિતા અને પૂનમબેનના ત્રાસથી ટોર્ચરથી કંટાળી પાંચમી વખત મારા માવતરે આવી ગઇ હતી. ફરીથી તેજસ અને તેના પરિવારજનોએ મને સમજાવી હતી કે હવે તેજસ દારૂ નહિ પીવે. તમે બંને અલગ રહેજો તેમ કહી મને તેડી ગયા હતાં. વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરીમાં હું પ્રેગનન્ટ થતાં પતિએ ત્યારે પણ દારૂ પી ટોર્ચર કરી ‘આ બાળક બીજાનું છે' કહી ઝઘડો કર્યો હતો. મેં સાસુ, સસરા, નણંદ, દિયરને આ વાત કરતાં તેણે પણ તેજસનો પક્ષ તાણ્યો હતો અને કહ્યું હતું કે-તું ઘરે આવી પછી અમારા ઘરમાં અશાંતી ઉભી થઇ છે, તેમજ ગાળ દઇ....કોઇ દિવસ રાણી બની ન શકે તેવા શબ્દો કહી બાળક બીજાનું છે તેમ કહી તું માવતરેથી શું લાવી છો? કહી દહેજની માંગણી કરી હતી.
ત્યારબાદ મારે પ્રેગનન્સીનો ત્રીજો મહિનો હોઇ મીસકેરેજ થઇ જતાં પતિ દારૂ પીધેલો હોઇ મને હોસ્પિટલે લઇ ગયેલ નહિ. સાસુ-નણંદ મને દવાખાને લઇ ગયા હતાં. એ પછી પણ તેજસ દારૂ પી કહેતો કે તે રાજકોટ દવા લઇ બાળક પડાવી નાંખ્યુ છે. એ પછી ફરી મારજુડ કરી હતી. મેં ફરી સાસુ-સસરા-દિયર, નણંદોને વાત કરતાં આ લોકોએ પણ ગાળો દઇ બીજાનું બાળક હતું એટલે જ તે પડાવી નાંખ્યું છે તેમ કહી મેણા મારી ટોર્ચર ચાલુ રાખ્યું હતું. સતત ત્રાસ અપાતો હોઇ ૨૦૨૪ના મે મહિનામાં મને મારા માતા-ભાભી ફરી રાજકોટ તેડી ગયા હતાં. ત્યારથી એટલે કે એકાદ વર્ષથી હવે હું રાજકોટ છું. હજુ પણ તેજસ મને વ્હોટ્સએપમાં મેસેજ, વિડીયો કોલ કરી ગાળો દઇ અપમાનજક શબ્દો બોલી તું તારી રીતે રહેજે, મેં બીજી ગોતી લીધી છે તેમ કહી ગાળો દેતો હોઇ સાસુ, સસરા, દિયર, નણંદો પણ તેનો સાથ આપતાં હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી છે. તેમ વધુમાં અલ્પાબેને કહેતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(2:54 PM IST)










