<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

લગ્નના ચોથા દિવસે રીન્‍કલને સાસુએ કહ્યું-તું અમારી જમીન જોઇને આવી છોઃ પતિ દારૂ ઢીંચી મારકુટ કરતો

નણંદ કહેતી તારા કુખેથી જન્‍મેલુ બાળક મારા ભાઇનું નથીઃ સસરા, કાકાજી, કાકીજીનો પણ ત્રાસઃ હાલ દિકરા સાથે શિતલ પાર્ક પાસે એકલી રહેતી રીન્‍કલબેન વડાલીયાની ભાયાવદર, ભાવનગર સ્‍થિત સાસરિયા વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩: પરિણતા પર પતિ-સાસરીયાએ ત્રાસ ગુજાર્યાનો વધુ એક બનાવ નોંધાયો છે. મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા દોઢસો ફુટ રીંગ રોડ શીતલ પાર્ક ચોકડી એ-૨, ૧૦૭ શહિદ સુખદેવ ટાઉનશીપ દ્વારકાધીશ હાઇટ્‍સ પાછળ રહેતાં રીન્‍કલબેન હિતેષભાઇ વડાલીયા (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી ઉપલેટાના ભાયાવદરમાં રહેતાં પતિ હિતેષ વડાલીયા,  સસરા રણછોડભાઇ છગનભાઇ વડાલીયા, નણંદ દિપ્‍તીબેન સંદિપ વેૈશ્નાણી, ભાવનગર રહેતાં કાકાજી જગદીશભાઇ છગનભાઇ વડાલીયા, રૈયાધાર શુભલક્ષ્મી રેસ્‍ટોરન્‍ટ પાસેં રહેતી કાકીજી અમિતાબેન ભરતભાઇ વડાલીયા અને સામે ગુનો નોંધ્‍યો છે.

રીન્‍કલબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે છેલ્લા બે મહિનાથી હું અને મારો દિકરો એકલા રહીએ છીએ. મારા લગ્ન ૨૦/૭/૨૦૧૫ના રોજ આર્યસમાજમાં રીતરિવાજ મુજબ થયા છે. લગ્ન જીવન દરમિયાન મારે એક દિકરો મનન છે જે નવ વર્ષનો છે. મારા પતિ હિતેષ વડાલીયા વેપાર કરે છે. મારા સાસુઅસસરા ભાયાવદરના જામટીંબડી ગામે રહે છે. લગ્ન બાદ હું પંદરેક દિવસ ભાયાવદરના જામટીંબડી ગામે પતિ, સાસુ, સસરા સહિતની સાથે રહી હતી. લગ્નના ચોથા દિવસે જ સાસુ લલીતાબેન જે મારા નવા સાસુ છે તેણે-તું તો અમારી જમીન જોઇને આવી છો, તારા પિયરવાળાએ તને કંઇ આપ્‍યું નથી, તને રસોઇ બનાવતા આવડતી નથી તેમ કહી મેણાટોણા મારવાનું ચાલુ કર્યુ હતું. હું સાસુને કોઇપણ વાત કરુ તો મારી સાથે ઝઘડો કરતા હતાં. મારા સસરા પણ સાસુ અને પતિને સમજાવવાને બદલે પતિનું ઉપરાણુ લેતાં અને ઝઘડા કરતાં.

ત્‍યારબાદ ઝઘડાને કારણે સસરાએ કહેલુ કે તમે પતિ-પત્‍નિ રાજકોટ રહેવા જતા રહો. બાદ હુ઼ અને પતિ રાજકોટ ભાડાના મકાનમાં રહેવા લાગ્‍યા હતાં. ચારેક વર્ષ બધુ બરાબર ચાલ્‍યું હતું. પણ બાદમાં મારા સાસુ, સસરા, નણંદની ચઢામણીથી પતિએ મારી સાથે ઝઘડા ચાલુ કરી કહેલુ કે તારે મારા મમ્‍મી-પપ્‍પા-બહેન કહે તેમ કરવાનું. પતિએ મારા ચારિત્ર્ય પર શંકા કુશંકા પણ ચાલુ કરી હતી. મને ઘર ખર્ચ પણ આપતા નહિ. તેમજ પતિએ દારૂ પી ઘરે આવી જેમતેમ વર્તન કર્યુ હતું. હું ઘરે ન હોઉ તો અજાણીસ્ત્રીને ઘરે બોલાવતો.  પણ મારે સંતાન હોવાથી હું સહન કરતી હતી. અમે સમજુતી કરાર કર્યો હોવા છતાં પતિ સમજુતી કરાર મુજબ રહ્યો નથી. નણંદ દિપ્‍તીબેનને હું અમારા ઝઘડાની વાત કરી પતિને સમજાવવા કહેતી તો તે તેને સમજાવવાને બદલે મારી સાથે ઝઘડો કરી મારા ચારિત્ર્ય વિશે જેમતેમ બોલતી હતી તેમજ આ બાળક મારા ભાઇનું નથી તેમ કહી મેટા મારતી હતી!

આ પછી ગત ૨૩/૨/૨૫ના રોજ મારા પતિ મને કહ્યા વગર જતાં રહેલ અને આખો દિવસ શોધવા છતાં તેનો સંપર્ક ન થતાં મેં પોલીસમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. એ પછી ૨૬/૩ના પતિએ મને ફોન કરી કહેલુ કે તું તારો દિકરો તમારુ કરી લો, હવે હું નહિ આવું. મેં તેને સમજાવતાં તે ઘરે આવેલ. એ પછી મારા કાકાજી જગદીશભાઇ, કાકીજી અમીતાબેન પણ ત્રણ દિવસ અમારી ઘરે રોકાયેલ અને અવાર-નવાર ચારિત્ર્ય વિશે અને મકાન બાબતે પ્રેશર કરી ત્રાસ આપવા માંડયા હતાં. મકાન કાકાજીના નામે કરી દેવા પણ કહેતાં હતાં. ૨૭/૩ના મુંજકા પોલીસે અમારા નિવેદન નોંધ્‍યા હતાં. એ પછી પતિ મને અને દિકરાને ગામડે મુકી જતો રહેલ. હાલ અમે મા-દિકરો રહીએ છીએ. આજ સુધી પતિ તેડવા ન આવતાં અંતે ફરિયાદ કરી હતી. તેમ રીન્‍કલબેને જણાવતાં પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં હેડકોન્‍સ. એ. ડી. રેથડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:02 PM IST)