News of Wednesday, 23rd April 2025
ગુજરાતી ફિલ્મ ‘આન્ટી પ્રેન્યર' શુક્રવારે રીલીઝ
એક મહિલા ૬પ વર્ષની વયે આર્થિક આત્મનિર્ભર બનવા સંકલ્પ કરે છેઃ મસ્ત વિષયની કોમેડી : છણાવટઃ રાજુ રાજકોટિયા પાત્રની જમાવટઃ ફિલ્મ પ્રોડયુસર અભિષેક જૈન ‘અકિલા'ની મુલાકાતે

ફિલ્મ પ્રોડયુસર અભિષેક જૈન ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ર૩: શુક્રવારે ‘એન્ટી પ્રેન્યર' ગુજરાતી ફિલ્મ રીલીઝ થશે. એક પ્રૌઢ આર્થિક આત્મનિર્ભર બનવા પ્રયાસ કરે છે. આ મસ્ત વિષય રમુજી શૈલીમાં રજુ થયો છે. ફિલ્મના પ્રોડયુસર અભિષેક જૈન ‘અકિલા'ની મુલાકાતે આવ્યા હતા.
“AUNTYPRENEUR” આ ફિલ્મમાં જશુબેન ગાંગાણી નામના એક ૬૫ વર્ષનાસ્ત્રીની વાત છે જે એવું માને છે કે લગ્ન પહેલા પિતા પર, લગ્ન પછી પતિ પર અને એમના અવસાન બાદ પુત્ર પર આર્થિક રીતે નિર્ભર રહેવાને બદલે પોતે આર્થિક રીતે સ્વતંત્ર થવું જોઈએ. આથી તેઓ નવા ધંધામાં ઝંપલાવે છે. વિદેશમાં સ્થાયી થયેલા પુત્રના પૈસાના કવરને બદલે જશુબેન સ્વનિર્ભર થવા તરફ આગળ વધે છે અને અન્ય લોકોને પણ પ્રેરે છે. જશુબેન પોતાને Entrepreneurની જગ્યાએ Auntypreneur તરીકે ઓળખાવે છે. આ ફિલ્મમાં જશુબેન ગાંગાણીનું પાત્ર ભારતીય સિનેમા જગતના જાણીતા અભિનેત્રી સુપ્રિયા પાઠક (ખીચડી ફેમ હંસા) ભજવે છે. આ ફિલ્મસ્ત્રીઓના આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. Auntypreneur એ પરિવાર જોડે જોઈ શકાય એવી રમૂજી અને પારિવારિક ફિલ્મ છે, જે ૮ વર્ષના બાળકથી લઈને ૮૦ વરસના વળદ્ધ સુધી દરેકને ગમે એવી છે. આ ફિલ્મની વાર્તા મુંબઈ શહેરના ગુજરાતી પરિવારો પર આધારિત છે. એમાં મુંબઈના કાંદિવલી, મલાડ, જેવા વિસ્તારો નજરમાં આવશે.
ગુજરાતી ફિલ્મોમાં પહેલી વખત મુંબઈના ગુજરાતીઓ અને એમના પરિવેશની વાત ફિલ્મમાં આવશે. જેની પ્રેરણા અભિષેક જૈનને તેઓ મુંબઈમાં કાંદિવલી પોલીટેકનિકની સામે રહેતા હતા ત્યાથી મળી હતી. એ બિલ્ડિંગનું નામ પૂનમ જાસ્મિન કો ઓપરેટિવ સોસાયટી હતું અને આ ફિલ્મમાં પણ પૂનમ સોસાયટી છે. તેમના બિલ્ડિંગમાં નીચે એક બા જાળીમાંથી લોકોની અવરજવરને જોતા રહેતા, લોકોને છંછેડતા અને પારકી પંચાત કરતા રહેતા. Auntypreneur ફિલ્મમાં આ બા મહદ્અંશે જશુબેન ગાંગાણી છે. લોકોને આ ફિલ્મમાં કાંદિવલી ઈસ્ટ અને મલાડમાં રહેતા હોય એવા ગુજરાતીઓ જોવા મળશે. આજનો સમય વુમન એન્ટોરપ્રિનિયોર અનેસ્ત્રી આર્થિક સ્વતંત્રતાનો છે, ત્યારે આ ફિલ્મસ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા અને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરશે. ગુજરાતની તમામ મહિલાઓએ આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. આ ફિલ્મ સોશિયલ મેસેજ આપવાની સાથે હસાવે પણ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૨માં અભિષેક જૈન દિગ્દર્શિત કેવી રીતે જઈશ ફિલ્મે ગુજરાતી ફિલ્મજગતમાં અર્બન ફિલ્મોનો એક અલગ ચીલો પાથર્યો. ત્યારબાદ ૨૦૧૪માં આવેલી ફિલ્મ બે યાર ગુજરાતી ભાષાની સૌથી લાંબી અને સૌથી વધુ સ્થળોએ ચાલનારી ફિલ્મ છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં આવેલી રોંગ સાઈડ રાજુ ફિલ્મે નેશનલ એવોર્ડ જીતી ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી. આ ઉપરાંત એમની વિઠ્ઠલ તીડી વેબ સિરીઝને ગુજરાત અને ગુજરાત બહાર પણ નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો.
Auntypreneur ફિલ્મ પ્રતીક કોઠારી દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે અને વાર્તા શ્રેયા સિંઘ દ્વારા લખવામાં આવી છે તેમજ મ્યુઝિક ડિરેક્ટર મિહિર મકવાણા છે. ત્રણેય કલાકારોની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં સુપ્રિયાબેન ઉપરાંત નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી અને કૌશાંબી ભટ્ટ તેમજ ગુજરાતના જાણીતા કલાકારો માર્ગી દેસાઈ, યુક્તિ રાંદેરિયા, વૈભવી ભટ્ટ, હીના જયકિશન, પરીક્ષિત ટમાલિયા, અર્ચન ત્રિવેદી, ઓજસ રાવલ, મકરંદ શુક્લ, દીપક અંતાણી, ગિરીશ બ્રહ્મ ભટ્ટ, પ્રતીક નંદા વગેરેએ પણ અભિનય કર્યો છે.(૬.૧૬)
(2:40 PM IST)










