News of Wednesday, 23rd April 2025
સિવિલ હોસ્પિટલમાં રામેશ્વર મહાદેવ મંદિર પાસે ઓટલાનું દબાણઃ સિક્યુરીટી ટીમે તોડી પાડયું
બે દિવસ પહેલા ઓટલો બનાવાયો હતોઃ તબિબી અધિક્ષકે નોટીસ આપતાં તુરંત કાર્યવાહી

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં જુના વોર્ડ નંબર-૧૦ અને એક્સ-રે રૂમ નં. ૨૧ની સામે શ્રીરામેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. અગાઉ અપુજ એવા આ મંદિરનો બાદમાં જીર્ણોધ્ધાર કરાયો હતો અને તેમાં સમયાંતરે સુધારા વધારા પણ કરવામાં આવ્યા છે. અહિ સવારે ચા-નાસ્તો પણ આપવામાં આવે છે. જો કે બે દિવસ પહેલા અચાનક જ આ મંદિરની બહાર મોટો ઓટલો ચણી લઇ દબાણ કરી લેવામાં આવ્યું હતું. આ મામલે કોઇએ અનામી અરજી કરતાં તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, સિનીયર ડો. મહેન્દ્ર ચાવડાએ તુરત જ સિક્યુરીટીની ટીમને બોલાવી હતી અને તેમને નોટીસ આપી તત્કાળ આ દબાણ દુર કરવાની સુચના આપતાં સિક્યુરીટીની ટીમે આજે આ ઓટલાનું દબાણ તોડી પાડયું હતું. તસ્વીરમાં મંદિર તથા તોડી પડાયેલા ઓટલાનો કાટમાળ અને સિક્યુરીટી ટીમ જોઇ શકાય છે. આ ઓટલો બનાવી દબાણ મંદિર સાથે સંકળાયેલા કોઇએ કર્યુ હતું કે કેમ? તેની તપાસ કરી સિક્યુરીટી ટીમ તબિબી અધિક્ષકને રિપોર્ટ કરશે. (ફોટો-અભીજીત બગથરીયા)
(3:34 PM IST)










