News of Wednesday, 23rd April 2025
ઓનલાઇન ગેમમાં ૭૦ થી ૮૦ લાખ હારી જતા વિરપુરમાં આપઘાત કરવા આવેલ યુવાનને પોલીસે બચાવ્યો
હું બસ સ્ટેશનમાં બેઠો છું અને આત્મહત્યા કરવા જાઉ છું તેવો રૂરલ કંટ્રોલમાં ફોન કરનાર મેંદરડાના દેત્રાણા : ગામના કૈલાશભાઇ રાણોલીયાને વિરપુર પોલીસે શોધી કાઢી કાઉન્સેલીંગ કરી પ્રસંશનીય કામગીરી કરી

રાજકોટ, તા., ર૩: ઓનલાઇન ગેમમાં ૭૦ થી ૮૦ લાખ રૂપીયા હારી જતા વિરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આત્મહત્યા કરવા આવેલ મેંદરડા પંથકના યુવાનને વિરપુર પોલીસે તાત્કાલિક શોધી કાઢી યોગ્ય કાઉનસિલીંગ કરી અને આત્મહત્યા ના કરવા સમજાવી માનવ જીદગી બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધીક્ષક હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધીક્ષક જેતપુર વિભાગ રોહિતસિંહ ડોડીયા તરફ થી માનવીય અભિગમ જાળવી પ્રજા વચ્ચે કામગીરી કરવા સૂચના મળેલ હોય જે મુજબ નો અત્રે પોલીસ સ્ટેશનમાં તા.૨૨/૦૪/૨૫ ના ક. ૧૮/૦૫ વાગ્યે કંટ્રોલ રૂમ રાજકોટ ગ્રામ્ય કચેરી રાજકોટ થી ડાયલ ૧૦૦ ના ઓપરેટર મહેન્દ્રસિંહ મહાવીરસિંહ ઝાલા ટેલિફોન થી જણાવે છે કે કૈલાશભાઈ ગોપાલભાઈ રાણોલીયા રહે. દેત્રાણા ગામ તા. મેદરડા અત્રે કંટ્રોલ રૂમ ડાયલ ૧૦૦ પર ફોને કરી જણાવે છે કે હું કંટાળી ગયો છું વિરપુર બસ સ્ટેન્ડ પર બેઠો છું અને હું હવે આત્મહત્યા કરવા જાવ છું તેમ વાત કરતાં હોય જે અંગે ની વર્ધી અત્રે ના પોલીસ સ્ટેશન ખાતે લખાવતા વિરપુર પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર એસ.જી. રાઠોડ ના માર્ગદર્શન હેઠળ તુરંત જ સૂચના મળતા પોલીસ હેડ. કોન્સ. જિગ્નેશભાઈ ભિખાભાઈ ચૌહાણ બસ સ્ટેન્ડ પર જઈ આત્મહત્યા કરવા આવેલ કૈલાશભાઈ ગોપાલભાઈ રાણોલીયા ને સમજાવી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી અને કયાં કારણોસર આત્મહત્યા કરવા જતાં હતા તે બાબતે પૂછતાં જણાવેલ કે તેઓ ઓનલાઇન ડ્રીમ ઈલેવન એપ્લિકેશનમાં અલગ અલગ રમતો માં રોકાણ કરી આસરે ૭૦ થી ૮૦ લાખ રૂપિયા હારી જતાં પોતાના માથે મિત્ર સર્કલ નું દેવું થયેલ હોય તથા પરિવારે સંબંધો કાપી નાખેલ હોય એક્લો થઈ જતાં ડિપ્રેશનમાં આવી જતાં આત્મહત્યા કરવાનો વિચાર આવેલ હતો જેથી તેઓનું યોગ્ય કાઉનસિલીંગ કરી તેને આત્મહત્યા ના કરવા સમજાવી. યોગ્ય કાર્યવાહી કરી હતીે.
આ કાર્યવાહી વિરપુરના પોલીસ ઇન્સપેકટર એસ.જી. રાઠોડ તથા UHC જિગ્નેશભાઈ ભિખાભાઈ ચૌહાણએ કરી હતી. (૪.૩૨)
(3:53 PM IST)










