<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

કાલે શ્રીમદ્દ વલ્લભાચાર્યજી પ્રાગટય ઉત્‍સવઃ દિવ્‍ય શોભાયાત્રા

૧૦ થી વધુ ફલોટસ, ઘોડા-બગ્‍ગી, ચાંદી રથ, કિર્તન મંડળી સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા નિકળશેઃ ગૌમાતાઓને ઘાસ, લાડુ અપાશે

રાજકોટઃ આવતી કાલે તા. ર૪, ને ગુરૂવાર એટલે પુષ્‍ટિ પ્રવર્તક -ભકિત  માર્ગાબ્‍જ માર્તન્‍ડ જગદ્દગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ૪૮ પ્રાગટય સપ્‍તમ પીઠધીશ્વર ગો.શ્રી વૃજેશકુમારજી, ચરણાટ હવેલીના ગો. શ્રી ગોવિંદરાયજી, સર્વોતમ હવેલીના ગો.શ્રી ગોપેશરાયજી, માધવ મહલ હવેલીના ગો.શ્રી વિશાલકુમારજી, વલ્લભાશ્રય હવેલીના ગો.શ્રી અભિષેકકુમારજી, શ્રી કૃષ્‍ણાશ્રય હવેલીના યુવાઆચાર્ય શ્રી અક્ષયકુમારજી, સપ્‍તપીઠ યુવરાજ ગો.શ્રી અનિરૂધ્‍ધલાલજી, ચરણાટ હવેલીના ગો. શ્રી રૂચીરાયજી,શ્રી દ્વારાધીશની હવેલીના ગો. શ્રી રત્‍નેશકુમારજી સહિતના આચાર્યશ્રીઓ માર્ગદર્શન હેઠળ આવતી કાલે વિવિધ કાર્યક્રમોના આયોજનો થયા છે.

આવતીકાલે સવારે ૭:૩૦ કલાકે સાત સ્‍વરૂપ હવેલી પરબજાર ખાતે રાજકોટ આસપાસ ર૭ થી વધુ ગોશાળા-પાંજરાપોળોમાં નિવાસીત ૭ હજાર થી વધુ ગૌમાતાઓને ર હજાર કિલો લાડુ અને ૪ હજાર મણ લીલો ચારો રીક્ષા- મેટાડોર-ટ્રકો દ્વારા રવાના કરાશે.

પ્રાગટય ઉત્‍સવ સાંજે ૭ વાગ્‍યે જુના શહેર દરબારગઢ હવેલી પાસે આવેલ જશુબાઇ કાથડ મંડળ ખાતેથી ચાંદીના દિવ્‍ય સુખપાલમાં શ્રી વલ્લભપ્રભુના સ્‍વરૂપે પધરાવી માલ્‍યાર્પણ, પુષ્‍પવૃષ્‍ટિ અને જયધોષ સાથે વૈષ્‍ણવાચાર્યની ઉપસ્‍થિતિમાં શોભાયાત્રાનો આરંભ કરાશે. જે શોભાયાત્રા પ્રાચીન શ્રી બાલકૃષ્‍ણલાલજીની હવેલી થઇ દરબારગઢ ચોક ખાતે વિરાટ રસાલામાં પરિવર્તીત થશે. આ રસાલા સાથે લાલ-પીળા-કેશરી વષાધારી હજારો વૈષ્‍ણવ ભાઇઓ-બહેનો સહિત અનેક કિર્તનીયા મંડળીઓ દ્વારા કિર્તન ગાન સાથે વિરાટ  ઘોડા-બગ્‍ગી-રથ ૧ઢ થી વધુ શ્રી મહાપ્રભુજીના જીવન દર્શનને રજુ કરતા  ફલોટસ ઉપરાંત લાલ-કેશરી-પીળા સાફાધારી બાઇક ચાલક યુવા વૈષ્‍ણવોની ટીમ આ શોભાયાત્રામાં આગળ ચાલશે. ઉપરાંત ૧૦૦ થી વધુ દિકરીઓ માથે કળશ ધરી માંગલીક કિર્તનગાન અને કેશીયો પાર્ટીના તાને હાલારી રાસની રમઝટ બોલાવશે.

આ શોભાયાત્રા દરબારગઢ ચોકથી સોની બજાર, માંડવી ચોક થઇ કોઠારીયા નાકા પહોંચશે અહીથી શહેરની જુદી-જુદી હવેલી મંદિર ગૃહો દ્વારા સુશોભીત કરવામાં આવેલ વિરાટ ફલોટસ જોડાઇ આગળ વધી પેલેસ રોડ, ગુંદાવાડી ચોક થઇ જીલ્લા ગાર્ડન પાસે આવેલ શ્રી વસુંધરા ખાતે ઉભા કરાયેલ વિરાટ પંડાલમાં પહોંચી ધર્મસભામાં પરિવર્તીત થશે. અહી શ્રી વલ્લભપ્રભુ અને આચાર્યશ્રીનું ભવ્‍ય સ્‍વાગત થશે.

શ્રી વસુંધરા ખાતે ધર્મસભામાં રાજકોટ શહેરની વિવિધ કિર્તનમંડળીઓ દ્વારા વધાઇ કિર્તન ગાન અને કૃષ્‍ણ ભકિતના કિર્તનો ઉપર હાલારી રાસનો આનંદ વૈષ્‍ણવો પ્રાપ્‍ત કરશે. તસ્‍વીર ચીમનભાઇ લોઢીયા, હસુભાઇ ડેલાવારા, દિનેશભાઇ કારીયા, અરવિંદભાઇ પાટડીયા, માધવદાસ સોની, અશ્વિનભાઇ પટેલ નજરે પડે છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)(૩૬-૧૦)

(3:42 PM IST)