<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

મોદીજી, જેણે પણ આવું કર્યુ છે એને ઘરમાં ઘુસીને મારજોઃ શ્રીનગરમાં ફસાયેલી રાજકોટની શ્રીમતિ રૂચી નકુમનો આક્રોશ

લક્ષ્મીવાડીનો કુલદીપ નકુમ, તેના પત્‍નિ રૂચી નકુમ અને મિત્ર રાજનગરોના કુલદીપ વાઘેલા તથા તેના પત્‍નિ ૨૧મીએ જ શ્રીનગર પ્રવાસે ગયા છેઃ પહેલગાવની ઘટના વખતે સદ્દનસિબે ત્‍યાં હાજર નહોતાં: હાલ હોટેલમાં સલામત-બહાર મિલ્‍ટ્રીનો પહેરો : રૂચી નકુમે કહ્યું-જે બન્‍યું છે દુઃખદ છે, હાલ અમે ફસાઇ ગયા છીએઃ અહિથી બહાર નીકળવાનો કોઇ રસ્‍તો નથીઃ ફલાઇટના ભાડા ત્રીસથી પાંત્રીસ હજાર થઇ ગયા છે અને તેમાં પણ વેઇટીંગ છેઃ ઘરે કેમ પહોંચવું તે પ્રશ્ન મુંજવી રહ્યો છેઃ રૂચીના સસરા રાજેશભાઇ નકુમે જણાવ્‍યું-અમારા દિકરા વહુ સહિત ચારેય સલામત છે પણ જ્‍યાં સુધી રાજકોટ ન પહોંચે ત્‍યાં સુધી ખુબ જ ચિંતાઃ સરકાર તુરંત અમારા સંતાનોને રાજકોટ પહોંચાડવા યોગ્‍ય કરે : દિકરો કુલદીપ અને પુત્રવધૂ રૂચી નકુમ શ્રીનગરમાં ફસાયા હોઇ ચિંતામાં મુકાઇ ગયેલા પિતા રાજેશભાઇ નકુમ તથા માતા શાંતાબેન નકુમ : શ્રીનગરથી વિડીયો મેસેજ મારફત આપવીતી વર્ણવતી શ્રીમતિ રૂચી નકુમ જોઇ શકાય છે. પ્રથમ તસ્‍વીરમાં તેના પતિ કુલદીપ નકુમ પણ સાથે છે

 

રાજકોટ તા. ૨૩: ‘મારુ નામ રૂચી નકુમ છે અને હું રાજકોટ  લક્ષ્મીવાડીમાં રહુ છું, હું મારા પતિ સાથે કાશ્‍મીર ફરવા આવી છું, હાલ અમે શ્રીનગરમાં ફસાઇ ગયા છીએ, મોદી સાહેબને વિનંતી કે જેણે આવુ કર્યુ છે તેને ઘરમાં ઘુસી ઘુસીને મારજો'...આ શબ્‍દો છે લક્ષ્મીવાડી-૧૮માં રહેતી શ્રીમતિ રૂચી કુલદીપ નકુમના. રૂચી અને તેના પતિ કુલદીપ રાજેશભાઇ નકુમ ૨૧મીએ રાજકોટથી કાશ્‍મીર ફરવા ગયા છે. સાથે કુલદીપનો મિત્ર રાજનગરમાં રહેતો કુલદીપ વાઘેલા અને તેના પત્‍નિ પણ સામેલ છે. આ બંને કપલ હાલ શ્રીનગરમાં ફસાઇ ગયા છે. આ કારણે તેમના રાજકોટ સ્‍થિત પરિવારજનો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. શ્રીમતિ રૂચી નકુમે શ્રીનગરથી એક વિડીયો મેસેજથી કહ્યું હતું કે-અમે હાલ હોટેલમાં સલામત છીએ, બહાર મિલ્‍ટ્રી છે. પરંતુ અહિથી હાલ નીકળી શકાય તેમ નથી. ફલાઇટમાં ત્રણ-ચાર દિવસનું વેઇટીંગ છે અને ભાડા પણ ત્રીસથી પાંત્રીસ હજાર થઇ ગયા છે.

શ્રીમતિ રૂચી નકુમે વિડીયોમાં કહ્યું છે કે હું ફેમિલી સાથે શ્રીનગર ફરવા આવી છું,અમે અહિ ફસાઇ ગયા છીએ. અહિથી અમે ક્‍યાંય નીકળી શકતાં નથી, અહિથી બહાર જવાની મનાઇ છે. અહિથી અમને ફલાઇટ પણ નથી મળતી, ભાડુ પણ ૨૫થી ૩૦ હજાર લેવામાં આવે છે. હવે અમારી પાસે રસ્‍તો નથી કે અમે અહિથી બહાર નીકળી શકીએ. આમ તો અમે અહિ હોટેલમાં સલામત છીએ અને ફુલપ્રુફ સિક્‍યુરીટી પણ હોટેલ બહાર છે. પરંતુ અમે મોદી સાહેબને વિનંતી કરીએ છીએ  કે જે લોકો સાથે આવુ બન્‍યું છે તેમને ન્‍યાય આપજો. એને ઘરમાં ઘુસી ઘુસીને મારજો. અમે એ દ્રશ્‍યો જોયા નથી, છતાં અમે ડરી ગયા છીએ. જેમણે આ જોયુ હશે તેના પર શું વીતી રહી હશે! અમે ખુબ જ ફસાઇ ગયેલા હોય તેવું લાગે છે, અમે ઘરે કેમ પહોંચી શકીશું તે ચિંતા છે. અમારા ઘરના લોકો પણ અમારી ચિંતા કરી રહ્યા છે. અમારે ઘરે કઇ રીતે પહોંચવું એ જ પ્રશ્ન મુંજવી રહ્યો છે. ફલાઇટના ભાડા પણ ખુબ વધારી દેવામાં આવ્‍યા છે. બબ્‍બે ત્રણ દિવસના વેઇટીંગ આવી રહ્યા છે.

ધરતીનું સ્‍વર્ગ ગણાતા જમ્‍મુ કશ્‍મીર ખાતે છેલ્લા કેટલાક વર્ષથી ખાસ કરીને ગુજરાતના સહેલાણીઓ વધુને વધુ ફરવા માટે જઇ રહ્યા છે. આ વર્ષે પણ સતત સહેલાણીઓ કાશ્‍મીર ખાતે ઉમટી પડયા છે. ગઇકાલે શ્રીનગરના પહેલગામમાં સહેલાણીઓના નામ પુછી પુછીને આતંકવાદીઓએ ગોળીબાર કરી ૨૭ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા તેમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવાન મળી ત્રણ ગુજરાતીઓ પણ સામેલ છે. આ ઘટનાએ દેશ દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. આતંકીઓને શોધી કાઢવા મિલ્‍ટ્રી કામે લાગી ગઇ છે અને બે આતંકીને ઠાર મારી દીધા છે. બીજી તરફ રાજકોટથી બે કપલ પણ ફરવા માટે શ્રીનગર ગયા છે. જે લક્ષ્મીવાડી અને રાજનગરમાં રહેતાં બે મિત્રો તેમના ધર્મપત્‍નિને લઇને કાશ્‍મીરની સલેહગાહે ત્રણ દિવસ પહેલા જ ગયા છે. ગઇકાલે તેઓ પહેલગાવ જવાના હતાં એ પહેલા જ આ ઘટના બની ગઇ હતી. શ્રીનગરમાં આ બંને દંપતિ ફસાઇ ગયા છે.

પત્‍નિ રૂચી નકુમને લઇ શ્રીનગર ફરવા ગયેલા લક્ષ્મીવાડીના કુલદીપ નકુમના પિતા રાજેશભાઇ મનજીભાઇ નકુમે ‘અકિલા' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે-હું જલારામ હોસ્‍પિટલમાં પ્‍યુન તરીકે નોકરી કરુ છું. મારા પત્‍નિનુંનામ શાંતાબેન છે. મારો એકનો એક દિકરો કુલદીપ કે જે ઇવેન્‍ટ મેનેજમેન્‍ટનું કામ કરે છે અને એમ્‍બ્‍યુલન્‍સ પણ ધરાવે છે તે તથા પુત્રવધુ રૂચી ૨૧મીએ કાશ્‍મીર ફરવા ગયા છે. દિકરા સાથે રાજનગરમાં રહેતો તેનો મિત્ર કુલદીપ વાઘેલા અને તેના પત્‍નિ પણ સામેલ છે. આતંકવાદી હુમલાથી ઘટનાથી અમે ભયભીત થઇ ગયા હતાં. જો કે સદ્દનસિબે અમારો દિકરો-વહૂ અને તેની સાથેનું દંપતિ હુમલા વખતે એ સ્‍થળે નહોતાં. આ લોકો કદાચ ત્‍યાં ગઇકાલે જ જવાના હતાં. પણ ઘટના બનતાં તેમને રસ્‍તામાં જ રોકી દેવાયા હતાં.

રાજેશભાઇ નકુમે કહ્યું હતું કે  મારો દિકરો કુલદીપ નકુમ, મારા પુત્રવધૂ રૂચી કુલદીપ નકુમ અને બીજુ એક કપલ મળી ચાર લોકો ગયા છે. આ બંને દંપતિ ૨૧મીએ કાશ્‍મીર ગયા છે. આતંકવાદી હુમલાની ઘટના બનતાં અમે ખુબ ચિંતીત થઇ ગયા છીએ. ત્‍યાંથી બહાર નીકળવા માટે હાલ કોઇ વાહનની વ્‍યવસ્‍થા નથી. ફલાઇટના ભાડા પચ્‍ચીસથી ત્રીસ હજાર છે. અમે સરકારને, મોદી સાહેબને વિનંતી છે કે અમારા સંતાનોને સહી સલામત રાજકોટ ગુજરાત પહોંચાડે.

રાજેશભાઇએ વધુમાં કહ્યું કે આજે બુધવારે સવારે જ મારે દિકરા-વહૂ સાથે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે અમે હોટેલમાં સલામત છીેએ અને બહાર મિલ્‍ટ્રી  આવી ગઇ છે. પરંતુ આમ છતાં અમને ખુબ જ ચિંતા છે, અમારા દિકરા-વહૂ અને તેની સાથે ગયેલુ બીજુ દંપતિ એમ ચારેય ઝડપથી હેમખેમ રાજકોટ ઘરે પાછા આવી જાય. કલેક્‍ટરની સુચનાથી મામલતદાર પણ રાજેશભાઇ નકુમના ઘરે પહોંચ્‍યા હતાં અને તમામ મદદની ખાત્રી આપી હતી.

(4:10 PM IST)