<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

પહેલગામ આતંકી હુમલા વચ્ચે રાજકોટના મહેતા દંપતી સહીસલામત જમ્મુ પહોંચ્યા

અમદાવાદની ટ્રાવેલ્સ કંપની મારફત કાશ્મીર ગયેલ દંપતી હુમલાથી પાંચ કિલોમીટર દૂર હોવાથી બચાવ થયો : પરત આવવાની ટ્રેન ટિકિટ રદ કરાવી

રાજકોટ: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના પગલે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું, ત્યારે રાજકોટના એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને તેમના પત્ની સહીસલામત હોવાના સમાચાર મળ્યા છે. રાજકોટના કિસાનપરા ચોક પાસેની મ્યુનિસિપલ સ્ટાફ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ મહેતા અને તેમના પત્ની મયુરીબેન અમદાવાદની એક ટ્રાવેલ્સ કંપની મારફત કાશ્મીર ફરવા ગયા હતા. તેમની સાથે તેમના એક મિત્ર તથા ભાવનગર સહિતના લોકો પણ હતા અને નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેઓ કટરા જવાના હતા.

જો કે, પહેલગામમાં આંતકી હુમલો થયો ત્યારે મહેન્દ્રભાઈ અને મયુરીબેન હુમલાની જગ્યાથી આશરે પાંચ કિલોમીટર દૂર હોવાથી ઈશ્વરી કૃપાથી તેઓનો બચાવ થયો હતો અને તેઓ રાત્રે આઠ વાગ્યે સહીસલામત જમ્મુ પહોંચી ગયા છે. મહેન્દ્રભાઈએ અકિલા સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જમ્મુમાં હાલ શાંતિ છે અને તેઓ તથા તેમની સાથેના અન્ય લોકો સુરક્ષિત છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ટ્રાવેલ્સના સંચાલક સાથે વાતચીત પણ કરવામાં આવી છે. મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની ચિંતા ન રહે તે માટે મહેન્દ્રભાઈએ તેમની પરત આવવાની ટ્રેનની ટિકિટ પણ રદ કરાવી હોવાનું તેમણે અકિલાને જમ્મુથી કરેલી વાતચીતમાં જણાવ્યું હતું.

 

(11:16 PM IST)