News of Thursday, 24th April 2025
રાજકોટની હોસ્પિટલમાં તાવની સારવાર બાદ ૧૧ માસની બાળાનું મોતઃ તબિબી બેદરકારીનો આક્ષેપ
જામનગરના રવાણી ખીજડીયા ગામના જનકસિંહ જાડેજાના દિકરી મિતાંશીબાનું ઓપરેશન બાદ મોતઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

બાળાના પિતા જનકસિંહ જાડેજાનો આક્ષેપ-અમે દિકરીને મંગળવારે તાવ આવતો હોઇ તેની સારવાર માટે મા શારદા હોસ્પિટલમાં દાખલ કરી હતીઃ અહિ ગળામાં ગાંઠનું ઇન્ફેક્શન છે, ઓપરેશન કરવું પડશે તેવુ કહેતાં અમે હા પાડીઃ ૪૨ હજાર ભર્યા, ઓપરેશન પછી અમારી જાણ બહાર દિકરીને મા શારદા હોસ્પિટલથી બારોબાર સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં લઇ જવાઇઃ રસ્તામાં ઓક્સિજનની સુવિધા પણ નહોતીઃ જ્યાં ઓપરેશન કર્યુ ત્યાં આઇસીયુની સુવિધા નહોતી છતાં અમને જાણ કરવામાં નહોતી આવીઃ ઓપરેશન કર્યુ છે કે કેમ તે અંગે પણ અમને શંકા છે
અગિયાર મહિનાની વયના મિતાંશીબા જાડેજાનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને વિગતો જણાવતાં પિતા જનકસિંહ જાડેજા જોઇ શકાય છે.
રાજકોટ તા. ૨૪: જામનગરના રવાણી ખીજડીયા ગામના પરિવારની ૧૧ મહિનાની દિકરીને તાવની સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં તેના ગળામાં ગાંઠનું ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું તબિબે કહેતાં પરિવાર દિકરીને બચાવવા ઓપરેશન માટે રાજી થઇ ગયો હતો અને ડોક્ટરે કહ્યા મુજબના રૂપિયા પણ ભરી દીધા હતાં. પરંતુ ઓપરેશન બાદ બાળકીને જ્યાં દાખલ કરાઇ હતી ત્યાં આઇસીયુની સુવિધા ન હોઇ બારોબાર બીજી હોસ્પિટલમાં રીફર કરી દેવામાં આવ્યા બાદ તેણીનું મોત થતાં પરિવારજનોએ તબિબી બેદરકારીનો આક્ષેપ કરી રાતે હોસ્પિટલ ખાતે રોષ દાખવતાં પોલીસ દોડીગઇ હતી. મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવડાવી બાળાના પરિવારજનો આગળ કાર્યવાહી કરશે તેમ જણાવાયું હતું. જાણવા મળ્યા મુજબ રવાણી ખીજડીયા ગામે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં જનકસિંહ જાડેજાના દિકરી મિતાંશીબા (ઉ. ૧૧ મહિના)ને મંગળવારે તાવની સારવાર માટે રાજકોટ નાના મવા રોડ રાજનગર ચોક પાસે આવેલી મા શારદા હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ગઇકાલે સાંજે તેણીને સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં રીફર કરાયા બાદ મોત નિપજતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. કે. જી. ઝાલા સહિતે સોૈરાષ્ટ્ર હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોએ બાળકીના મૃત્યુ પાછળ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરતાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતક બાળા મિતાંશીબાના પિતા જનકસિંહ જાડેજાએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે-મારે સંતાનમાં એક દિકરો અને એક દિકરીમાં મિતાંશીબા નાના હતાં. દિકરીને તાવ આવતો હોઇ મંગળવારે સવારે અમારા ઘરના મહિલા સભ્ય તેણીને રાજકોટ નાના મવા રોડની મા શારદા હોસ્પિટલમાં ડો. જીતેન્દ્ર ગાધેને બતાવવા આવ્યા હતાં. ડોક્ટરે નિદાન કરી દિકરીને ગળામાં ગાંઠ છે ઇન્ફેક્શન છે અને ઓપરેશન કરવું પડશે તેવું કહેતાં અમે પુરૂષ વર્ગ રાજકોટ પહોંચેલ અને દિકરીને ઓપરેશનની જરૂર જ હોય તો કરી નાંખવા સંમતી આપી હતી. આ માટેની નક્કી થયેલી ફી ૪૨ હજાર પણ અમે ભરપાઇ કરી દીધી હતી.
જનકસિંહે વધુમાં કહ્યું હતું કે ગઇકાલે સાંજે છએક વાગ્યે દિકરીને ઓપરેશન માટે લઇ જવાઇ હતી. આઠેક વાગ્યે ઓપરેશન થઇ ગયાની અમને જાણ થઇ હતી પરંતુ દિકરીને બહાર લાવવામાં ન આવતાં અને લાંબો સમય વિતી જતાં અમે આ બારામાં ડોક્ટરને પુછતાં એવો જવાબ અપાયો હતો કે ઓપરેશન બાદ દિકરીના હૃદયમાં ઇન્ફેક્શન ફેલાઇ ગયું હોવાથી તબિયત બગડતાં તેણીને સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં ખસેડી છે.
અમારી દિકરીને ઓપરેશન બાદ બારોબાર બીજી હોસ્પિટલમાં લઇ જવાઇ તેની જાણ પણ અમને કરવામાં આવી નહોતી. આ હોસ્પિટલમાં બાદમાં રાતે સાડા દસેક વાગ્યે અમારી દિકરીને મૃત જાહેર કરવામાં આવી હતી. જનકસિંહ વધુ આક્ષેપો કરતાં કહ્યું હતું કે મા શારદા હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા પણ નહોતી, અમારી દિકરીને અહિથી બીજી હોસ્પિટલમાં રીફર કરી ત્યારે પણ કદાચ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે વેન્ટીલેટર નહોતાં. રસ્તામાં ટ્રાફિક સિગ્નલ પણ આવે છે તેમાં પણ સમય બગડયો હતો અને બાદમાં સોૈરાષ્ટ્ર હોસ્પિટલમાં અમારી દિકરીને પહોંચાડાઇ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. ખરેખર ઓપરેશન થયું હતું કે કેમ? તેની પણ અમને શંકા છે. અમે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ બેદરકારી માટે જવાબદાર સામે કાર્યવાહી કરશું. તેમ વધુમાં જનકસિંહ જાડેજાએ કહેતાં પોલીસ વિશેષ તપાસ કરી રહી છે. લાડકવાયી દિકરીને ગુમાવતાં પિતા જનકસિંહ જાડેજા, માતા તેજલબા જાડેજા સહિતના પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે. દરમિયાન મૃતક બાળકીના પરિવારજનોએ મા શારદા હોસ્પિટલ ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. (૧૪.૫)
(3:35 PM IST)










