તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
રાણાવાવના મુસ્તાકને રાજકોટ એસઓજીએ ૧૨.૮૯ લાખના એમડી સાથે દબોચ્યોઃ મુંબઇ કનેક્શન ખુલ્યું
સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડેથી કાર લઇ મુંબઇ ગયો અને ત્યાંથી માદક પદાર્થ લાવી વતન પહોંચે એ પહેલા નવા ૧૫૦ રીંગ રોડ પર ઝડપી લેવાયો :પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ માજીરાણા અને ટીમને વધુ એક સફળતાઃ દિગ્વીજયસિંહ, ફિરોઝભાઇ અને હાર્દિકસિંહની બાતમીઃ યુનિવર્સિટી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ આદરી

રાજકોટ તા. ૨૪: માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવાની કામગીરીમાં શહેર એસઓજીની ટીમે વધુ એક વખત સપાટો બોલાવી સફળતા મેળવી છે. નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પરથી રાણાવાવના શખ્સને ૧૨.૮૯ લાખના માદક પદાર્થ મેફેડ્રોન સાથે પકડી લીધો છે. તે સાથે માદક પદાર્થ અને મુંબઇનું વધુ એક વખત કનેકશન ખુલ્યું છે. સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે લઇ આ શખ્સ મુંબઇ ગયાનું અને ત્યાંથી માદક પદાર્થ લાવ્યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ માટે યુનિવર્સિટી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ શખ્સ અગાઉ પણ બે વખત આ પ્રકારના ગુનામાં પકડાયો હતો.
શહેર એસઓજીની ટીમ યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્સ મિશન' અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા તપાસમાં હતી ત્યારે હેડકોન્સ. ફિરોજભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ ગોહિલ તથા કોન્સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી રાજકોટ નવા દોઢસો ફુટ રીંગ રોડ ઉપર હોટલ રોયલ રીટ્રીટની બાજુમાં વર્ધમાન એવન્યુ એપાર્ટમેન્ટના ગેઇટ પાસે રોડ ઉપરથી કાર નં. જીજે-૦૩-એલ.બી.-૩૨૧૮માં રૂપિયા ૧૨,૮૯,૦૦૦ના ૧૨૮.૦૯ ગ્રામ એમડી ડ્રગ સાથે નીકળેલા મુસ્તાક રજાકભાઈ શેખ (ઉ.વ.૩૩ રહેવાસી- રાણાવાવ હિન્દુસ્તાન ટ્રાન્સપોર્ટની સામે કબ્રસ્તાનની બાજુમાં જીલ્લો-પોરબંદર)ને પકડી લીધો હતો. મુસ્તાક પાસેથી ડ્રગ્સ તેમજ કાર, મોબાઈલ રોકડા મળી કુલ રૂપિયા ૧૭,૯૫,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને યુનિવર્સિટી પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, હેડકોન્સ ઈન્દ્રસિંહ જાડેજા, મૌલિકભાઈ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહીલ, ફિરોઝભાઈ રાઠોડ, ઉપેન્દ્રસિંહ ઝાલા તથા અરૂણભાઈ બાંભણીયા અને કોન્સ. હાર્દીકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, મહિલા કોન્સ. મોનાબેન બુસા, ડ્રા. હેડકોન્સ ધર્મન્દ્રસિંહ ઝાલા તથા મહાવીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. એમડીનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યું હતું.
ઝાડપાયેલો શખ્સ મુસ્તાક અગાઉ જામનગર પંચકોશી એ ડીવીઝન, જામનગર પંચ બી ડીવીઝનમાં અગાઉ ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. હાલ તે સેલ્ફ ડ્રાઇવમાં કાર ભાડે લઇ આ માદક પદાર્થ મુંબઈ તરફથી લાવ્યાનુ રટણ કરતો હોઇ વધુ તપાસ યુનિવર્સિટી પોલીસ કરી રહી છે.
(12:24 PM IST)










