<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th April 2025

ભાડા વધાર્યા પણ સામે મુસાફરોને સુવિધા પુરી પાડવામાં રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ફેઇલ

અનેક પ્લેટ ફોર્મ પર બેઠક વ્યવસ્થા અને પીવાના પાણીનો અભાવઃ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત

રાજકોટ તા. ૨૪ : ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, એસ. પી. રાજાણી, જીજ્ઞેશભાઈ બોરડ, સોની જીજ્ઞેશભાઈ પાટડીયા, જયંતીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ ૧૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવેલ છે, પરંતુ થાળી ભાંગીને વાટકો કરવા જેવો તાલ થયો છે.

કોન્ટ્રાકટર અને અધિકારીઓની બેજવાબદાર અને લાપરવાહીને પગલે બસપોર્ટમાં મુસાફરોને બેસવા પુરતી સીટીંગ વ્યવસ્થા પણ નથી. થાકેલા મુસાફરોએ જમીન પર બેસી રહેવુ પડે છે. અમુક પ્લેટફોર્મ પર પંખા નથી તો અમુક પ્લેટફોર્મ પર પીવાના પાણીની સુવિધા નથી.

રાજકોટ એસ.ટી બસ પોર્ટ જાણે કે કાયમ માટે વિવાદોનું ઘર હોય તે પ્રમાણે કોન્ટ્રાકટર અને ડેપો મેનેજર દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિને હેલ્પલાઇન નંબર પર મળેલી ફરિયાદો જ્યારે રાજકોટના સિનિયર ડેપો મેનેજર કરવામાં આવે છે ત્યારે સમય મર્યાદામાં જવાબો આપવામાં આવતા નથી.

રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર સમાન શહેર છે. રાજકોટ એસ.ટી. બસ પોર્ટમાં નિયમિત ૧૨૦૦થી વધુ બસોની આવન જાવન વચ્ચે હજારો મુસાફરોની અવર જવર રહે છે. આટલી સંખ્યામાં ઉમટતા મુસાફરોને બેસવા પુરતી સીટીંગ વ્યવસ્થા નથી. ના છુટકે મુસાફરોએ નીચે પલોઠી વાળીને બેસવું પડે છે.

રાજ્ય સરકારે એસ.ટીના ભાડા વધારામાં મુસાફરોને આધુનિક ઈન્સ્ફ્રાસ્ટ્રકચર સાથે સારી સુવિધા આપવી એ હેતુને ધ્યાનમાં લઈને ભાડા વધારો કરવાની મંજૂરી આપી છે. ત્યારે એસ.ટી એ ટૂંકા ગાળામાં ૩૫ ટકા જેટલો તોતિંગ ભાડા વધારો કરી નાખ્યો. પરંતુ બસ પોર્ટમાં હાલની તકે પણ બેઠક વ્યવસ્થામાં ઘટ જણાઇ રહી છે. કોન્ટ્રાકટર અને અધિકારીઓના સંકલનના અભાવે જે બેઠક વ્યવસ્થા છે તે અપુરતી હોવા છતાં ૭૦ થી વધુ બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાય છે.

દાહોદ, ગોધરા, પંચમહાલ,  ફતેપુરાના સૌથી વધુ એસ.ટી ને કમાઈને દેતા ગરીબ મુસાફરો માટે પ્લેટફોર્મ નં. ૨૧ અને ૨૨ ઉપર એક પણ પંખો નથી અને કોઈ બેઠક વ્યવસ્થા પણ ન હોવાને કારણે મુસાફરોને કલાકો સુધી ભોયતળિયે બેસવું પડે છે. પ્લેટફોર્મ નંબર ૨૨ પરનું પાણીનું પરબ હટાવીને સાઇડમાં જે રીતે પ્લેટફોર્મ નંબર પાંચ પર છે તે રીતે કરવામાં આવે તો બેઠક વ્યવસ્થા પણ વધી શકે તેમ છે. જે અંગે ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એટીઆઈનું મૌખિક ધ્યાન વારંવાર દોરવા છતાં નક્કર કામગીરી કરવામાં આવી નથી.

રાજકોટ બસપોર્ટના સીસી ફૂટેજ જોઈ અને કોન્ટ્રાકટર દ્વારા બેઠક વ્યવસ્થા હટાવી દેવામાં આવતા મુસાફરોને પડી રહેલી હાલાકી અંગે દંડનીય કાર્યવાહી થવી જોઈએ. ડેપો મેનેજર ઉપર પણ કારણદર્શક નોટિસ આપી કાર્યવાહી થવી જોઈએ. આ અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના એમ.ડીને અને રાજકોટના વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી પ્રવાસી મુસાફરોને માટે પૂરતી બેઠક વ્યવસ્થા અને પંખાની વ્યવસ્થા કરવાની મુસાફર હિતરક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)એ માંગ ઉઠાવી છે. (૧૬.૧)

(2:31 PM IST)