તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
કારના શો રૂમનો કર્મચારી જય ત્રણ ગ્રાહકોના કાર બૂકીંગ, ડાઉન પેમેન્ટના ૩.૮૭ લાખ ચાંઉ કરી ગયો
કટારીયા ઓટોમોબાઇલ્સના મેનેજર અનવરભાઇ મીનીવાડીયાએ મોરબી રોડ પર રહેતાં જય ડોડીયા વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૨૪: કાલાવડ રોડ પર આવેલા કટારીયા ઓટોમોબાઇલ્સ શો રૂમમાં સેલ્સ ટીમ લીડર તરીકે નોકરી કરતાં મોરબી રોડના યુવાને ત્રણ ગ્રાહકોએ કાર બૂકીંગ અને ડાઉન પેટે આપેલી કુલ રકમ ૪,૪૨,૦૦૦માંથી શો રૂમમાં માત્ર ૫૫ હજાર ભરપાઇ કરી બાકીના રૂપિયા ૩,૮૭,૦૦૦ પોતે વાપરી જતાં શો રૂમ દ્વારા વિશ્વાસઘાત છેતરપીંડીનો ગુનો દાખલ કરાવાયો છે. આ બારામાં તાલુકા પોલીસે ગોંડલ રોડ વાવડી ગામ નજીક મહમદીબાગ સોસાયટીમાં રહેતાં અનવરભાઇ ફારૂકભાઇ મીનીવાડીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી મોરબી રોડ અતિથી દેવો ભવ હોટલ સામે રહેતાં જય અશોકભાઇ ડોડીયા વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.
જાણવા મળ્યા મુજબ અનવરભાઇ મીનીવાડીયા કાલાવડ રોડ પર કટારીયા ઓટોમોબાઇલ્સ પ્રા.લિ. નામના મારૂતી કારના શો રૂમમાં આઠેક વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે જણાવ્યું હતું કે મારા અન્ડરમાં શો રૂમનો તમામ સ્ટાફ અલગ અલગ કામગીરી કરે છે. મારુ કામ સેલ્સ તથા સ્ટાફના માણોસને ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરી નોકરીએ રાખવાનું છે, ઉપરાંત નવી કારના સ્ટોકનું મેનેજમેન્ટ પણ હું સંભાળુ છું. અમારી કંપનીમાં મોરબી રોડ એડીબી સામે રહેતો જય ડોડીયા સેલ્સ ટીમ લીડર તરીકે આઠેક મહિનાથી નોકરી કરતો હતો. તેને અમારી કંપની ૨૫ હજાર પગાર આપતી હતી. જયને સેલ્સ ટીમ લીડર તરીકે કંપનીની ગાડીઓનું વેંચાણ કરવાની કામગીરી કરવાની હતી. તેમજ કસ્ટમર લાવી તેમને ગાડી વિશે સમજાવી બૂકીંગથી લઇ ડિલીવરી સુધીની તમામ પ્રોસેસ તેને સંભાળવાની હતી.
શો રૂમ ખાતે નવી કાર માટે જે ગ્રાહકોના પેન્ડીંગ બૂકીંગ હતાં અને જે કસ્ટમરની ગાડી અમારા શો રૂમમાં હાજર સ્ટોકમાં આવી ગઇ હતી એ બધાને હું જાતે જ ફોન કરી ગાડીના ડાઉન પેમેન્ટ અને લોન બાબતેના પેમેન્ટ ક્લીયર કરવા અવાર-નવાર ફોન કરતો હતો. ગત ૬/૪/૨૫ના શો રૂમમાં અર્ટીગા સીએનજી કારના ગ્રાહક દર્શનભાઇ દિલીપભભાઇ જોગડીયા (રહે. વડ વાજડી કાલાવડ રોડ)ને ફોન કરતાં તેણે કહેલું કે હું ૧૮/૩/૨૫ના રોજ તમારી કંપનીના શો રૂમ પરથી નવી ગાડી ખરીદ કરવા આવ્યો હતો ત્યારે તમારી કંપનીના કર્મચારી જય ડોડીયાને મળ્યો હતો. તેણે મને અર્ટીગાની તમામ માહિતી આપી હતી અને મેં બૂકીંગ પેટે રૂા. ૪૫હ જાર રોકડા આપ્યા હતાં. તે વખતે સાંજ પડી ગઇ હોઇ કેશીયર ન હોઇ જયએ દર્શનભાઇને ૪૫ હજારની પાવતી બીજા દિવસે લઇ જવાનું કહ્યું હતું. ત્યારબાદ તા.૨૫/૩/૨૫ના ફરીથી દર્શનભાઇ શો રૂમ પર આવ્યા હતાં અને અર્ટીગાના ડાઉન પેમેન્ટના રૂા. ૧,૪૭,૦૦૦ રોકડા જયને આપી ગયા હતાં. બપોરનો સમય હોઇ જયએ કેશીયર લંચ માટે ગયા છે પાવતી વ્હોટ્સએપ કરી દઇશ કહી આ રકમ લઇ લીધી હતી.
ત્યારબાદ બીજા ગ્રાહક રાહુલભાઇ બાલુભાઇ ભેસાણીયા (રહે. કોઠારીયા આદર્શ શિવાલય-૨ રાજકોટ)એ પણ અમારા શો રૂમમાં અર્ટીગા સીએનજી ગાડી બૂક કરાવી હતી. તેને ફોન કરતાં તેણે કહેલું કે હું જય ડોડીયાને મળ્યો હતો તેને બૂકીંગ પેટે મેં ૫૦ હજાર રોકડા આપ્યા હતાં. તેણે પાવતી આપી નહોતી, એ પછી ૨૯/૩/૨૫ના રોજ જયએ ડાઉન પેમેન્ટના રૂા. ૧,૪૯,૦૦૦ ભરવાના બાકી છે તે હું લેવા આવુ છું તેમ કહી રાહુલભાઇના સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા કારખાના પાસે પહોંચી તેને ફોન કરી રૂા. ૧,૪૯,૦૦૦ લઇ લીધા હતાં.
આ જ રીતે ત્રીજા કસ્ટમર ચેતનભાઇ ધીરૂભાઇ વારા (રહે. મટુકી પાછળ રાજકોટ)એ અમારી કંપનીમાંથી બ્રેઝા ગાડી ખરીદવી હોઇ જય ડોડીયાને મળી તા. ૪/૪/૨૫ના રોજ બૂકીંગ પેટે ૫૧ હજાર લઇ લીધા હતાં. પરંતુ જયએ શો રૂમમાં આમાંથી માત્ર ૫ હજાર જ જમા કરાવી બાકીના ૪૬ હજાર પોતે રાખી લીધા હતાં. આમ ત્રણેય ગ્રાહકો પાસેથી જયએ કુલ મળી રૂા. ૪,૪૨,૦૦૦ કારના બૂકીંગ, ડાઉન પેમેન્ટ પેટે મેળવી લઇ માત્ર ૫૫ હજારની પાવતીઓ આ ગ્રાહકને આપી હતી. બાકીના ૩,૮૭,૦૦૦ જયએ અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યા હોઇ અને આજ સુધી પાછા ન આપતાં કંપની સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અનવરભાઇએ જણાવતાં પીઆઇ તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે વધુ તપાસ હાથ ધરી છે.
(4:21 PM IST)










