તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Thursday, 24th April 2025
આદર્શગામ મહિકામાં ઠાકર મંદિરનો જિર્ણોધ્ધાર
સંનિષ્ઠ- સકારાત્મક-માનવતાલક્ષી સ્થાનિક નેતાગીરી ગામની કાયાકલ્પ કરી શકે બાબુભાઇ મોલિયા બે ટર્મ સરપંચપદે રહીને વિકાસ કાર્યો-સંસ્કારિતા પ્રસ્થાપિત કરી : આદર્શ નેતાગીરીની નવી પેઢી પણ તૈયાર કરે છે : ગામમાં હનુમાનજી મંદિરે અન્નક્ષેત્ર પણ ધમધમે છે : મહિકા ઉત્તમ ગામ બનવા તરફ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઉપસરપંચ ભરતભાઇ મોલિયા, સરપંચ બાબુભાઇ મોલિયા, અગ્રણી લાલજીભાઇ (હનુમાન) ધોળકિયા, ધાર્મિકભાઇ જોશી, સંજયભાઇ ગુજરાતી, જીતેશભાઇ છત્રોડા, લાલજીભાઇ ફાંગલિયા, સુરજ ટુરિઝમવાળા વાસુભાઇ જાની નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ર૪ : મહિકાના પુડલા ખૂબ જ લોકપ્રિય છે. જો કે મહિકા માત્ર પુડલાથી વખણાતું નથી, પ્રેરક ગામ તરીકે પણ ઉભરી રહ્યું છે. રાજકોટ નજીક આવેલું મહિકા ગામ ર૬૦૦ લોકોની વસ્તી ધરાવે છે. આ ગામની સ્થાનિક નેતાગીરી ગામમાં સુવિધા અને સંસ્કાર પ્રસ્થાપિત કરવાનું વિશિષ્ટ મિશન ચલાવે છે.
મહિલકાના સરપંચ બાબુભાઇ મોલિયા તથા ગામના અગ્રણીઓ ‘અકિલા'ની મુલાકાત આવ્યા હતા. બાબુભાઇ મોલિયા મૂળ રાજનીતિના માણસ નથી, પણ ગામમાં કલ્યાણકારી પ્રયોગો કરવા ગ્રામજનોના આગ્રહથી સરપંચ બન્યા હતા. તેઓની આ બીજી ટર્મ ચાલી રહી છે.
બાબુભાઇએ જણાવ્યું હતું કે, અમે ગામમાં એક કરોડ એકાસી લાખ રૂપિયાથી વધારે રકમના કામ કરી દેખાડયા છે. ગામમાં ૪૦૦ વર્ષ જુનુ ઠાકરનું મંદિર છે. આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરનો જિર્ણોધ્ધાર કરવા ગ્રામજનો-આગેવાનોએ સામુહિક નિર્ણય કર્યો અને દરેકના સહયોગથી રૂપિયા દોઢ કરોડના ખર્ચે મંદિરનું જિર્ણોધ્ધાર કાર્ય ચાલી રહ્યું છે. એકાદ વર્ષમાં આ કાર્ય પૂર્ણ થાય તેવી ધારણા છે.
બાબુભાઇએ કહ્યું હતું કે, ગામમાં હનુમાનજીનું મંદિર પણ છે. આ સ્થાન પીપળાના વૃક્ષ નીચે હનુમાનજી બિરાજમાન હતા. અહીં. પૂ. સીતારામબાપુએ સાધના કરી હતી અને મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં ૧૧ મુખી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. પૂ. સીતારામબાપુ વિદાય થઇ ગયા છે. આ મંદિર આશ્રમ મહિકા ગામના પાટિયા પાસે છે. આશ્રમમાં સંતો-મહંતોને આવાસ-ભોજનની પ્રવૃત્તિ ચાલે છે અને અન્નક્ષેત્ર પણ ધમધમે છે. ગામમાં કુતરાંને લાડવા ખવડાવવાની પ્રવૃત્તિ પણ ચાલે છે. આ ઉપરાંત કૃષિક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકો માટે પણ વારે-તહેવાર લાડવા બનાવવામાં આવે છે.
બાબુભાઇએ કહ્યું હતું કે, કોઇપણ ગ્રાન્ટ વગર ગામ માટે ઉત્તમ પ્રકારનું સ્મશાન ગૃહ નિર્માણ કરાયું છે. નીહારનો સમાન પણ અહીંથી જ મળી જાય તેવી વ્યવસ્થા છે.
મહિકા ગામમાં સરપંચ તથા તેમની ટીમ દ્વારા રૂા. પ૧ લાખથી વધારે ખર્ચે સિમેન્ટ રોડ બનાવ્યા છે. ભૂગર્ભ સુવિધા રૂા. ૭ લાખથી વધારે ખર્ચ થયો છે. પેવર બ્લોકનું કામ રૂા. ૧૮ લાખથી વધારાનું થયું છે નદી કિનારે દિવાલ રૂા. ૪ લાખના ખર્ચે બની છે. સૌચાલય માટે પોણા બે લાખથી વધારે ખર્ચે થયું છે.
સરપંચ અને તેની ટીમ દરેક કામનો વહીવટ પારદર્શક અને જાહેરમાં રાખે છે. દરેક વિકાસ કાર્યોની રજેરજની વિગતો બાબુભાઇએ પ્રેસ સમક્ષ કહે છે કે, હું એકલો કંઇ કરી ન શકું, મને ઉત્તમ ટીમ મળી છે અને ગ્રામજનો પણ -ભરપુર સહયોગ આપી રહ્યા છે.
બાબુભાઇ જ સરપંચ બનતા રહે તેવો ગ્રામજનોનો આગ્રહ છે, પણ બાબુભાઇ કહે છે કે, મારી ઉંમર થઇ છે. નિષ્ઠાપૂર્વક કામ કરે તેવી નવી સ્થાનિક નેતાગીરી પણ અમે તૈયાર કરી છે. ઉપસરપંચ ભરતભાઇ રામજીભાઇ મોલિયા તથા તેમની ટીમ ગામના વિકાસ કાર્યો અને સંસ્કારિતાને આગળ ધપાવશે.
બાબુભાઇ કહે છે કે, અમે નવી પેઢીને કહીએ છીએ કે, વ્યવસાય-કમાણી કરો, દાન-સેવા કરો, પણ વ્યસનોથી માંડીને વિવિધ ગુન્હાથી દૂર મહકે, માનવતાલક્ષી કાર્યો કરો. ગામમાં ખોડિયાર ગરબી મંડળ તથા રામધૂન પ્રવૃત્તિ પણ નિયમિત ચાલે છે બાબુભાઇ કહે છે કે, અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, અમને સારા વિચારો આપો અને વિચારો અમલ કરવાની શકિત આપો.
૧૮ સોસાયટીઓમાં પાણીની સમસ્યા
રૂડા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે પીસાતા લોકો
રાજકોટ, તા. ર૪ : મહિકા ગામના સરપંચ બાબુભાઇ કહે છે કે, પ્રાથમિક સુવિધા વગર ગામમાં સોસાયટીઓનો નિર્ણયો થઇ જાય છે. લોકો રહેવા આવી જાય છે, બાદમાં સમસ્યાનો ખ્યાલ આવે છે.
મહિકામાં ૧૮ સોસાયટીઓ બની ગઇ. અહીં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. પીવાનું પાણી પણ મળતુ નથી. સોસાયટીઓ સરપંચ પાસે અપેક્ષા રાખે છે, પણ સરપ઼ચના હાથ બંધાયેલા હોય છે.
બાબુભાઇએ જણાવ્યું હતું કે, મહિકાનો સમાવેશ રૂડામાં થયો છે. અહીં સોસાયટીઓમાં પાણી પ્રશ્ન લટકે છે. રૂડા અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે લોકો પીસાઇ રહ્યા છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે હાલ, તત્કાળ ટેન્કરથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરો.
(4:13 PM IST)










