<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th April 2025

કોઠારીયા રોડ આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં યુવાનને અજાણ્‍યાએ છરીના ઘા ઝીંકી રોકડ-મોબાઇલ પડાવ્‍યા

મુળ આસામનો જંગલુભાઇ ભાઇ-ભાભીના ઘરેથી જમીને રાતે પગપાળા પોતાની રૂમે જતો હતો ત્‍યારે બનાવઃ ચાર શખ્‍સોએ મોઢે કપડા બાંધેલા હોવાનું કથન

રાજકોટ તા. ૨૫: કોઠારીયા રોડ પર  આસ્‍હર ચોક નજીક આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં રહેતો અને કારખાનામાં  કામ કરતો મુળ આસામનો યુવાન રાતે અગિયારેક વાગ્‍યે મેઇન રોડ પર ચાલીને જતો હતો ત્‍યારે અજાણ્‍યા મોઢે રૂમાલ બાંધીને આવેલા ચાર શખ્‍સોએ તેને આંતરી મોબાઇલ-પૈસા આપી દે તેમ કહેતાં તેણે ના પાડતાં બે જણાએ પકડી રાખી અન્‍ય બે જણાએ માર મારી તેમજ છરીથી ઇજા પહોંચાડી રૂપિયા ૨૦૦ તથા મોબાઇલ ફોન પડાવી લેતાં સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં બાબા પાન પાસે ભાડાની રૂમમાં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો જંગલુ ધનવરભાઇ આદિવાસી (ઉ.વ.૩૫) રાતે અગિયારેક વાગ્‍યે આરતી ઇન્‍ડસ્‍ટ્રીઝ મેઇન રોડ પર પગપાળા ચાલીને ઘર તરફ જતો હતો ત્‍યારે અજાણ્‍યા ચાર શખ્‍સોએ આંતરી છરીથી બેઠક, સાથળમાં ઘા મારી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં  હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી જંગલુએ કહ્યું હતું કે હું મુળ આસામનો વતની છું અને હાલ રાજકોટ રહી કારખાનામાં મજૂરી કરુ છું. રાતે હું જ્‍યાં રહુ છું ત્‍યાંથી થોડે દુર મારા ભાઇ-ભાભી રહેતાં હોઇ તેના ઘરે જમવા માટે ગયો હતો. જમીને પાછો મારા રૂમ પર આવતો હતો ત્‍યારે ચાર અજાણ્‍યા શખ્‍સોએ મને મેઇન રોડ પર આંતરી ઉભો રાખી મોબાઇલ ફોન આપી દેવા કહેતાં મેં ના પાડતાં ઝઘડો કર્યો હતો. આ શખ્‍સોએ મોઢે રૂમાલ કે કપડા બાંધેલા હતાં. મેં મોબાઇલ ન દેતાં બે જણાએ મને મારકુટ કરી પકડી લીધો હતો. બીજા બે જણાએ બળજબરીથી મારો મોબાઇલ ફોન અને રૂપિયા બસ્‍સો પડાવી લીધા હતાં અને ભાગી ગયા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. હું સારવાર માટે દાખલ થયો હતો. જો કે આ બાબતે હાલ મારે કોઇ ફરિયાદ કરવી નથી. તેમ કહેતાં પોલીસે પ્રાથમિક નોંધ કરી હતી. (૧૪.૬)

(2:42 PM IST)