<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

બોટાદના ભુવાએ છુટાછેડાના મામલામાં દખલગીરી કરી મોટો તોડ કરવાનો બનાવેલ પ્‍લાન જાથાએ ચોપટ કર્યો

પોલીસની મદદથી ૧૨૬૮મો પર્દાફાશ : ભુવાએ દાણા જોવાનું કાયમ માટે બંધ કરવા કબુલાતનામુ આપ્‍યુ

રાજકોટ તા. ૨૬ : બોટાદના તુરખા રોડ ઉપર આવેલ ગગજીની ઝુપડી પાસે ધરમ મેલડી માતાનો મઢ બનાવી દોરાધાગા, દાણા જોવાનું કામ કરતા ભુવા દિનેશ ઇશ્વર પરમારની કપટલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે બોટાદ પોલીસની મદદથી ૧૨૬૮ મો સફળ પર્દાફાશ કરેલ છે. ભુવાએ કાયમી દાણા જોવાનું બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.

બનાવની વિગતો મુજબ સુરેન્‍દ્રનગર જિલ્લાના મેમકા ગામના લાલજી વશરામ જાદવની દીકરી અસ્‍મિતાના છુટાછેડા પ્રકરણમાં ભુવા દિનેશે દખલગીરીના ૩૧ લાખની માંગણી કરી પછી સવા સાત લાખમાં સમાધાનની વાત કરી હતી. આ રકમ મેલડી માતાના મઢે રાખી દાગીના પરત અપાવવા વચને બંધાયેલ. પરંતુ ભુવાએ જયેશ ડાભીને મઢે નમીને રૂબરૂ લઇ જવાનું કહેતા સમગ્ર મામલો જાથાના કાર્યાલયે પહોંચ્‍યો હતો.

બીપીન-અસ્‍મિતાના છુટાછેડામાં ભુવાના ખેલના કારણે ગરમાવો આવ્‍યો હતો. ભુવાએ ૩૨,૮૦૦ - ૨૫,૦૦૦ જેવી રકમ અસ્‍મિતા રાખશે અને દાગીના પોતપોતાના પર આપી દેશે તેવુ નકિક કરાયુ હતુ. મેલડી માતાના પ્રકોપની વાત કરી મઢે નમવા આવવું પડશે તેવું જણાવાયુ હતુ. ભુવા અને તેમના મળતીયાઓ દાણા નાખી એક બેકી જોઇ તરકટ કરી લોકોને છેતરતા હતા. માતાજીને શ્રીફળ, અગરબતી, ચુંદડી, પ્રસાદ સાથે સૌપ્રથમ આવેલી રકમ માતાજીના મઢે રાખવી તેવો આગ્રહ રાખવામાં આવતો.

સમગ્ર હકીકત જાણી વિજ્ઞાન જાથાની ટીમે ડમી મહીલા મોકલતા ભુવાએ હંમેશની જેમ માતાજીના પ્રકોપની વાત કરી ધુણીને જમીન વેચાણનો મામલો હોય ડમી મહીલાને ૮ લાખ રૂપિયા પહેલા મઢે લાવવા અને તેમાથી અમુક ભાગ માતાજીનો હોવાની વાત મુકી હતી.

વિજ્ઞાન જાથાની ટીમે બોટાદ એસ.પી.ની મદદ લઇ પોલીસ સ્‍ટાફ સાથે મેલડી માતાના મઢે ભુવાના ઘરે પહોંચી હતી. છુટાછેડાના મામલામાં દખલગીરી કરી પહેલા રૂ.૫૧ લાખ, પછી રૂ.૩૧ લાખ અને છેલ્લે રૂ.૭ લાખમાં વાત નકકી થયાની વિગતો જાહેર થઇ હતી. દાગીના પરત ન આપતા જાથાના સભ્‍યોએ કડક ભાષામાં વાત કરતા ધીરેધીરે સત્‍ય બહાર આવી ગયુ હતુ.  ભુવાએ ભુલ સ્‍વીકારી લઇ જાહેરમાં માફી માંગી હતી. તેમજ હવેથી કાયમી દાણા જોવાનું બંધ કરવાનું કબુલાતનામુ આપ્‍યુ હતુ. ભુવાની મદદે કોઇ ચડયુ ન હતુ.

આ પર્દાફાશ માટે રાજકોટથી જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, ભક્‍તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ સહીત સ્‍થાનિક કાર્યકરો તેમજ બોટાદથી પી.આઇ.  એ. આર. ખરાડી સાથે પોલીસ સ્‍ટાફ પણ જોડાયો હતો.

આમ વિજ્ઞાન જાથાનો આ ૧૨૬૮મો પર્દાફાશ સફળ રહ્યો હતો. તેમ જાથા કાર્યાલય (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯)ની યાદીમાં જણાવાયુ છે.

(12:12 PM IST)