<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th April 2025

નર્સિંગ છાત્રા કોમલને મરવા મજબૂર કરનાર ભુવાએ ઝેરી દવા પીધી, પછી પહેલા માળેથી પટકાતા ઇજા

ભગવતીપરાની યુવતિએ ૧૩ માર્ચના ઝેર પી લીધા બાદ ૧૮મીએ મોત થયું હતુઃ તેણીના પિતાની ફરિયાદ પરથી કેતન સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો હતોઃ સારવારમાં દાખલ થતાં પોલીસ પહેરો મુકાયો

 

રાજકોટ તા. ૧૯: ભગવતીપરામાં રહેતી નર્સિંગનો અભ્‍યાસ કરતી કોમલબેન નામની યુવતિએ મવડી વણકરવાસમાં રહેતાં કેતન ભુવાના ઘરે હોળીની સાંજે ઝેર પી લીધા બાદ સારવારમાં ૧૮/૩ના રોજ મૃત્‍યુ થતાં પરિવારજનોએ તેની હત્‍યાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન તેણીને ભુવાએ ભારે ત્રાસ આપી મરવા મજબુર કર્યાનો ગુનો તાલુકા પોલીસે દાખલ કરી ભાગી ગયેલા ભુવા કેતન નીતીનભાઇ સાગઠીયા (ઉ.વ.૩૨)ની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ ભુવાએ ગત રાતે અગિયારેક વાગ્‍યે મવડી બાપા સ્‍તિારામ ચોકમાં ઝેરી દવા પી લીધી હતી. બાદ મવડી જુના વણકરવાસમાં તે ઘરે પહોંચતા ચક્કર આવતાં પહેલા માળેથી પડી જતાં સારવાર માટે દાખલ કરાયેલ છે. તેની અગાઉના ગુનામાં ધરપકડ બાકી હોઇ તાલુકા પોલીસે હોસ્‍પિટલમાં પેહરો મુકી દીધો છે.

આ બનાવમાં તાલુકા પોલીસે આપઘાત કરનાર કોમલબેનના પિતા ભગવતીપરા-૧૨ બાપા સિતારામ મઢુલી સામે રહેતાં ધીરજલાલ ધનજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી મવડી ગામ ગેલ પાનવાળી શેરી વણકરવાસ-૩માં રહેતાં અને પોતાને ભુવા તરીકે ઓળખાવતાં કેતન સાગઠીયા વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૧૦૮ મુજબ કોમલબેનને એકાદ વર્ષથી પોતાની સાથે રાખી અવાર-નવાર મારપીટ કરી ત્રાસ આપી મરવા મજબૂર કરતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાનો ગુનો નોંધ્‍યો હતો. કોમલબેન એક વર્ષ પહેલા મવડી ગામમાં માતાજીના માંડવામાં ગઇ હતી ત્‍યારે ભુવા તરીકે કેતન સાગઠીયા ત્‍યાં હતો. ત્‍યારથી મારી દિકરી તેના પ્રભાવમાં આવી ગઇ હતી. ત્‍યારે કેતને મારી દિકરીને કહેલુ કે તારા પપ્‍પા ધીરજલાલ ઉપર મેલીવિદ્યા છે અને તે વહેલા મરી જશે. જેથી મારી દિકરી કોમલબેન આ કેતનમાં વશમાં આવી ગઇ હતી, એ પછી મારી દિકરી કોમલબેનને કેતન કહેતો કે હું જેમ કહું તેમ કરશો તો પૈસાનો વરસાદ થશે. આ બધી વાત મને મારી દિકરીએ કરી હતી. તેણી કેતનના વશમાં આવી ગઇ હતી. છેલ્લા એકાદ વર્ષથી તે અમને કહેતી કે હું ભાડેથી રહુ છું. પણ અમે તપાસ કરતાં અમારી આ દિકરી કેતન સાઠીયા સાથે મવડી વણકરવાસ-૩માં કેતનના મકાનમાં જ રહેતી હોવાની ખબર પડી હતી. ત્‍યારબાદ અમારી દિકરીને કેતન ત્રાસ આપતો હોવાની પણ તેણીએ વાત કરી હતી. છેલ્લે ત્રાસને લીધે અમારી દિકરીએ આપઘાત કરી લીધો હતો.

 તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની ગુનો દાખલ થતાં આરોપીની શોધખોળ થઇ રહી હતી. દરમિયાન ગત રાતે કેતન સાગઠીયાએ મવડી ચોકમાં ઝેરી દવા પી લીધા બાદ ઘરે પહોંચતાં ત્‍યાં ચક્કર આવતાં પહેલા માળેથી પડી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસે સારવાર માટે ખસેડયો હતો. રજા અપાયે તેની ધરપકડ થશે. કેતન સાગઠીયાએ આક્ષેપ કર્યો હતો કે મારા પર ખોટી ફરિયાદ નોંધાવાતાં મેં ઝેર પીધુ હતું.

(4:13 PM IST)