News of Sunday, 27th April 2025
રાજકોટ શહેરમાં ૧૦૨૪ શખ્સોની તપાસ કરતાં ૧૦ બાંગ્લાદેશી ઘૂસણખોરી કરીને રહેતાં હોવાનું ખુલ્યું
કોઈ પણ પ્રકારના વિઝા કે પાસપોર્ટ વગર વસવાટ કરી રહ્યાનું બહાર આવતા ડિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી: ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતની ટીમોએ હાથ ધર્યું હતું ચેકીંગ

રાજકોટ: કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે દેશમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાના કરેલા આદેશ અન્વયે રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કડક સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.જેમાં આશરે ૧૦૨૪ શખ્સોની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ તેમના આધારકાર્ડ,ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં ૧૦ બાંગ્લાદેશી શખ્સો ઘુસણખોરી કરીને રાજકોટમાં રહેતા હોવાનો ઘટસ્ફોટ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહીલના જણાવ્યા મુજબ વિવિધ સ્થળોએ પોલીસની ટીમો દ્વારા સઘન ચેકીંગ ઝૂંબેશ હાથ ધરાઈ હતી અને એક હજારથી વધુ લોકોની તપાસ શરૂ કરાઈ હતી જેમાં ભક્તિનગર, બી ડિવિઝન, માલવિયાનગર, તાલુકા પોલીસ સ્ટેશન વગેરે વિસ્તારમાં દસ બાંગ્લાદેશી નાગરિકો કોઈપણ પ્રકારના વિઝા કે પાસપોર્ટ વગર વસવાટ કરી રહ્યાનું બહાર આવતા તેમને ડિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત હજુ આવા શખ્સોની તપાસ યથાવત રખાઈ છે. આ પહેલા પણ નહેરૂનગર, સોનીબજાર, રંગપરના પાટીયા પાસે એ.ટી.એસ. દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સોને પકડવામાં આવ્યા હતા. શનીવારથી શહેર પોલીસે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની કે બાંગ્લાદેશી નાગરિકો અંગે સઘન તપાસ હાથ ધરી છે. જેમાં જે ૧૦ બાંગ્લાદેશી પકડાયા તેમાં ૬ મહિલાઓ પણ સામેલ છે અને તે મજુરીકામ કરતા હતા અને બોર્ડર ક્રોસ કરીને બારોબાર ઘુસી આવ્યાનું ખુલ્યું છે. જ્યારે અન્ય શખ્સો બંગાળથી આવેલા છે. એક પાકિસ્તાની નાગરિક વીઝા પર હોવાનું પરંતુ, તે તા.૨૭ના રોજ યુ.કે.જઈ રહ્યાની વિગતો પણ પોલીસે જણાવી છે. રાજકોટના જંગલેશ્વર, ભગવતીપરા, સોનીબજાર, રામનાથપરા, જંક્શન પ્લોટ સહિત અનેક સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી., પી.સી.બી. સહિત પોલીસની ટીમોએ તપાસ કરીને નાગરિકો પાસેના દસ્તાવેજી પુરાવાની ઝીણવટભરી ચકાસણી પણ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં પોલીસ દ્વારા આવુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હોઈ તે અંતર્ગત રાજકોટમાં પણ આ કામગીરી થઈ હતી.
(10:05 AM IST)










