News of Monday, 28th April 2025
બનેવીના માતાની પાણીઢોળ વિધીમાં વાડાસડા ગયેલા રાજકોટના વૃધ્ધનું હાર્ટએટેકથી મોત
ગાયત્રીનગરના ભાવસિંહભાઇ ડોડીયાને બેભાન હાલતમાં રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૮: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. રાજકોટથી જેતપુરના વાડાસડા ગામે બનેવીના માતાનું અવસાન થયું હોઇ તેમની પાણીઢોળ વિધીમાં હાજરી આપવા ગયેલા વૃધ્ધનું હૃદય બેસી જતાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગાયત્રીનગર-૨/૫ના ખુણે આદર્શ એપાર્ટમેન્ટ જલારામ ચોકમાં રહેતાં ભાવસિંહભાઇ દામજીભાઇ ડોડીયા (ઉ.વ.૬૪) ગઇકાલે સાંજે આઠેક વાગ્યે જેતપુરના વાડાસડા ગામે બનેવી શૈલેષભાઇ ભીખુભાઇ ચોૈહાણને ત્યાં હતાં ત્યારે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ભાવસિંહભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને ખેતી કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. તેમના બનેવી શૈલેષભાઇના માતાનું અવસાન થયું હોઇ પાણીઢોળ વિધીમાં હાજરી આપવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભગીરથસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
(11:04 AM IST)










