News of Monday, 28th April 2025
ભાવનગર રોડેથી સુરેશનું ‘હરિયાણા પોલીસ' સ્ટીકરવાળી સ્કોર્પિયોમાં અપહરણઃ ૬ ઝડપાયા
દારૂના ચાર લાખ રૂપિયાની લેતીદેતી મામલે ઉઠાવી જવાયાનું ખુલ્યું: હરિયાણા લઇ જતા હતાં : શનિવારે યુવાન મિત્રો સાથે અમુલ સર્કલે બેઠો હતો ત્યારે ઉઠાવી જવાયો હતોઃ ક્રાઇમ બ્રાંચે થરાદ પોલીસ અને બનાસકાંઠા એલસીબીના સંકલનમાં રહી હરિયાણા, રાજસ્થાનના શખ્સોને ઝડપી થોરાળા પોલીસને સોંપાયા : આરોપીઓ પાસેથી પોલીસના બે ડુપ્લીકેટ ઓળખકાર્ડ પણ મળ્યા

રાજકોટ તા. ૨૮: શહેરના ભાવનગર રોડ ઉપરથી શનિવારે રાત્રે મિત્રો સાથે બેઠેલા યુવાનનું સ્કોર્પિયોમાં આવેલા છ શખ્સો અપહરણ કરી જતાં દોડધામ મચી ગઇ હતી. થોરાળા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરતાં અપહરણકારો ‘હરિયાણા પોલીસ'નું સ્ટીકર લગાવેલી ર્સ્કોર્પિયોમાં અપહરણ કરી ગયાનું જણાતાં અને તેના નંબર એચઆર૧૧આર-૫૮૫૧ હોવાનું જાણવા મળ્યું હતું. અપહરણકારો બહારના રાજ્યના હોવાનું ખુલતાં સ્ટેટ કન્ટ્રોલ રૂમને જાણ કરાઇ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે થરાદ પોલીસ અને બનાસકાઠા એલસીબી સાથે સંકલન સાધી અપહરણકારો અને અપહૃતને ઝડપી લીધા હતાં અને અપહૃતને મુક્ત કરાવ્યો હતો.
આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ કાલાવડ રોડ પર આરએમસી પરિશ્રમ યોજનાના ક્વાર્ટરમાં રહેતો સુરેશ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૨૭) શનિવારે સાંજે મિત્રના લગ્નમાં જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. રાત્રે પોણા બારેક વાગ્યા આસપાસ તે મિત્રો સાથે ભાવનગર રોડ પર અમૂલ સર્કલ નજીક સેટેલાઇટ બસ સ્ટેન્ડ પાસે બેઠો હતો ત્યારે કાળા કલરની હરિયાણા પાસિંગની સ્કોર્પિયોમાં ધસી આવેલા છ આરોપીઓ તેને ઉપાડી ગયા હતાં. તેની સાથે રહેલાં મિત્ર ગંજીવાડાના હુસેનભાઈ હીંગોરાએ આ અંગે સુરેશના પત્નિ પૂજાબેનને ફોન કરી ઘટનાની જાણ કરતાં પરિવારના સભ્યો સ્થળ પર દોડી ગયા હતાં. આ બાબતે થોરાળા પોલીસને જાણ થતાં પીઆઇ જી. એન. વાઘેલા અને ટીમે સુરેશના માતા લીલાબેન (ઉ.વ. ૪૫)ની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી સ્કોર્પિયો નંબરના આધારે રાજ્યભરની પોલીસને એલર્ટનો મેસેજ આપ્યો હતો.
આ મેસેજને કારણે બનાસકાંઠાની થરાદ પોલીસે સ્કોર્પિયો આંતરી લઇ છ આરોપીને ઝડપી અપહૃતને મુક્ત કરાવ્યો હતો અને રાજકોટ થોરાળા પોલીસને જાણ કરી હતી. છ આરોપીઓમાં ત્રણ હરિયાણાના અને ત્રણ રાજસ્થાનના છે. આરોપીઓમાં હરિયાણાના સોનીપત જિલ્લાનાગોહાના તાબેના જોડી ગામના નિરજ રાજેન્દ્રસિંહ જાટ, સોનીપત ખાનપુર તાબેના મુઢલાણા ગામના રાહુલ સુભાષભાઈ જાટ, હરિયાણાના જિંદ જિલ્લાના સફીદોન તાબેના ભાખેડા ગામના નિરજ વજીરસિંહ જાટ, રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બુરીયા ખેડાના ગુલશનસિંગ રાજુસિંગપવાર રાવત, રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના બીલીયાવાસના મહીપાલ ઉદેસિંહ રાજપૂત અને રાજસ્થાનના બ્યાવર જિલ્લાના બડકોચલા ગામના રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે.
આ છએય આરોપીઓ પાસેથી બનાસકાંઠા પોલીસે સ્કોર્પિયો કાર, પોલીસના ડુપ્લીકેટ બે કાર્ડ, પાંચ મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૧૨,૨૦૦ મળી કુલ રૂ. ૧૦.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ દારૂના પૈસાની ઉઘરાણી મામલે આ અપહરણ થયું હતું. આગળની તપાસ થોરાળા પોલીસ કરે છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ.આર. ગોંડલીયા, સી.એચ. જાદવ, એમ. એલ. ડામોર, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એસ. વી. ચુડાસમા, હેડકોન્સ. દિપકભાઇ ચોૈહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, જયદેવસિંહ પરમાર, અમિતભાઇ અગ્રાવત, મયુરભાઇ મિયાત્રા, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ઘોઘારી, કોન્સ. પ્રદિપસિંહ જાડેજા, વિશાલભાઇ દવે, જયરાજભાઇ કોટીલા, રામશીભાઇ કાળોતરાએ આ કામગીરી કરી હતી.
ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ફૂટેજ અને ટેકનીકલ સોર્સિસ, હ્યુમન સોર્સિસથી તપાસ કરતાં અપહરણકારો જામનગર-અમૃતસર-ભારતમાલા હાઇવે પર રાજસ્થાન તરફ જતાં હોવાની માહિતી મળતાં ભારતમાલા એસઓજી, એલસીબીને જાણ કરાઇ હતી. તેમજ થરાદ પોલીસને પણ જાણ કરાઇ હતી અને નાકાબંધી કરવા સુચના અપાઇ હતી. ફુટેજને આધારે આરોપીઓના ફોટા પણ મોકલવામાં આવ્યા હતાં. તેના આધારે થરાદ પોલીસ, બનાસકાંઠા એલસીબીની ટીમોએ અપહરણકારોને ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચે કબ્જો મેળવી આરોપીઓને થોરાળા પોલીસને સોંપ્યા છે. (૧૪.૯)
(2:38 PM IST)










