News of Monday, 28th April 2025
રાજકોટમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણીઃ લોકડાયરો, મહાઆરતી કાલે શોભાયાત્રા

રાજકોટઃ બ્રહ્મ દેવ સમાજ દ્વારા આયોજિત પરશુરામ જન્મોત્સવના ચોથા દિવસે વિવિધ ધાર્મિક અને સાંસ્કળતિક કાર્યક્રમો યોજાયા. પ્રખ્યાત ગાયક સાગર રાવલના લોક ડાયરાએ સમાજજનોને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા અને ભગવાન પરશુરામને ૫૬ ભોગ ધરાવવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આગામી શોભાયાત્રાના કન્વીનર તરીકે બંકિમભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી.
બ્રહ્મ દેવ સમાજના પ્રમુખ શ્રી વિપુલ જાનીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું કે, આવતીકાલે ૨૯ એપ્રિલના રોજ બપોરે ૪ વાગ્યે બહુમાળી ભવન ચોકથી શરૂ થતી ભવ્ય શોભાયાત્રા કિશાનપરા, કોટેચા ચોક, ઇન્દિરા સર્કલ થઈ શીતલ પાર્ક બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ શોભાયાત્રા બાદ આશાપુરા ફાર્મ ખાતે પરંપરાગત મહા આરતી, બહેનો દ્વારા ફરસી રાસ અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં હજારો બ્રાહ્મણો જોડાશે.
બ્રહ્મ સમાજના અગ્રણીશ્રી મીલન શુકલે જ્ઞાતિજનોને આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. આ ઉજવણી બ્રહ્મ દેવ સમાજની એકતા અને ધાર્મિક નિષ્ઠાનું પ્રતીક બની રહેશે.(૩૮.૨૬)
(2:55 PM IST)










